શ્રેય અને પ્રેય .
ભારતીય સંસ્કૃતિના અનેક હિંદૂ-જૈનધર્મનાં ગ્રંથો પૈકી વેદગ્રથમાં સુખના બે સાધનો સ્વરૂપો શ્રેય અને પ્રેય અંગેનું વર્ણન છે. પ્રેયસુખ એટલે સાંસારિક મનુષ્યના ધનપ્રાપ્તિ માટેના પુરુષાર્થભર્યા પ્રયાસો, મકાન પ્રાપ્તિ, પુત્ર-પુત્રીની ઝંખના, સ્વપરિવાર જ્યાં પત્ની સાનિધ્ય મૈત્રી સાથ સહકાર સાથે સાથે સ્વની કીર્તિ-યશ-પ્રતિષ્ઠા-ગૌરવ માટેના પ્રયાસો સમાવિષ્ટ છે. પ્રેમમાર્ગ સુખસ્વરૂપનો સાંસારિક લોભામણો માર્ગ છે જ્યાં મનુષ્ય ભૌતિકસુખ-સગવડોમાં પ્રત્યક્ષ આનંદ અને ત્વરિત સુખ-સમૃદ્ધિ મળે તે સમજણે વિચારમંત્રે આકર્ષાય છે. પુરુષાર્થી રહે છે. અહીં મનુષ્યનું સુખસ્વરૂપનું પ્રાધાન્ય છે જે ક્ષણિક આનંદ આપે છે, જોમ જોશભરી યુવાનીમાં મનુષ્ય દુન્યવી પ્રલોભનોને સાકાર કરવા પ્રેયમાર્ગી સ્વરૂપનો વિકલ્પ પસંદ કરે છે. આ સુખસ્વરૂપ માર્ગે પ્રભુસ્મરણ-પ્રભુદર્શન માટે સમય નથી આથી જ યુવાનો ધર્મઆધારિત કથાપારાયણ સત્સંગને અવગણે છે.
શ્રેયમાર્ગ એ દુ:ખ-મુક્તિ પ્રાધાન્ય માર્ગ છે જ્યાં નિરંતર આનંદ-સ્વરૂપ ચિદાંનદનો મહિમા છે. આ શ્રેયકર માર્ગમાં મનુષ્યને અધ્યાત્મ સમજણે-જ્ઞાાન પરબ્રહ્મ પુરુષોત્તમ-પ્રભુને પામવાની આકાંક્ષા છે. ઇચ્છા છે. સંકલ્પ સાથેનો ધર્મપુરુષાર્થ છે જે મનુષ્યને પ્રભુ સ્મરણ-પ્રભુ દર્શન સાથે સાથે જપ, તપ, ધ્યાન ભક્તિ ભજન તરફ દોરે છે. દિશા સૂચવે છે જે સુખરૂપ શ્રેયકર માર્ગ બની રહે છે. શ્રેયમાર્ગ એ પરમાર્થનો માર્ગ છે, સેવા-સુશ્રૂષામાર્ગ છે, અહીં સમર્પણ છે માનવ કલ્યાણ સાથેનો અધ્યાત્મ માર્ગ છે. કેટલાક પુણ્યશાળી ભાગ્યશાળી મનુષ્યો પ્રેયમાર્ગ ત્યજી શ્રેયમાર્ગી બની રહી છે જેના અનુકરણે મનુષ્ય મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરે છે. શ્રેયમાર્ગે સહજ સ્થિતયજ્ઞા સ્વરૂપે મનુષ્ય સુખદુ:ખની અનુભૂતિમાંથી મુક્ત થતાં અનંત અસીમ આનંદસ્વરૂપ બની રહે છે - આમ શ્રેયમાર્ગ મનુષ્યની જીવનશૈલીનો શ્રેષ્ઠ અધ્યાત્મ માર્ગ બનતાં ફળશ્રુતિરૂપે શાંતિ-આનંદ-પ્રસન્નતા અને મોક્ષમાર્ગ બની રહે છે !