કિંમત અને મૂલ્ય .
- પદાર્થ અને કિંમતના કોચલામાંથી બહાર નીકળશું ત્યારે ત્યાગ અને પ્રેમના મૂલ્યને પામી શકીશું
રો જબરોજના જીવનવ્યવહારમાં આ૫ણે કિંમત અને મૂલ્ય શબ્દનો અર્થશાસ્ત્ર અને એકાઉન્ટ્સની પરિભાષાના સંદર્ભે મૂલવતા હોઈએ છીએ. દા.ત. શેરબજારમાં બજારભાવમાં શેરની કિંમત ગણવામાં આવે છે અને જે કંપનીના શેર હોય તેની બુકવેલ્યુ (ચોપડા પ્રમાણેનું શેરનું મૂલ્યાંકન) અને શેરનું મૂલ્ય કહેવાય છે. બહુમા ક્ષેત્રમાં કિંમત તરફ જ આપણો ખ્યાલ જતો હોય છે. મૂલ્યને નહિવત્ મહત્વ આપવામાં આવે છે, પરંતુ કોઈ પણ ક્ષેત્રે મૂલ્યને લક્ષમાં રાખવાથી ફાયદો છે.
હોટલમાં કે કોઈ બૂફે પાર્ટીમાં આપણે હજાર રૂપિયાવાળી ડીશ જમીએ તો તેની ઊંચી કિંમત આપણે ગણાવીશું, પરંતુ ઘરમાં માતા કે પત્ની થાળીમાં શાક-રોટલી પીરસી પ્રેમથી જમાડે તે અમૃતથાળ છે, તેની રૂપિયામાં કિંમત કાંઈ પણ હોય પરંતુ મૂલ્યમાં તે કિંમતથી કેટલાય ગણું ચઢિયાતું છે. આમ, મૂલ્ય ખરેખર કિંમતથી પર છે, જેથી આંકડામાં સરખામણી શક્ય નથી.
ઘોડિયાઘરો અને ઘરડાઘરોમાં કિંમત ચૂકવીને સેવા મેળવી શકાય છે. વાત્સલ્ય, હૂંફ અને જીવન માટેનો આત્મવિશ્વાસ મેળવી શકતો નથી. એક અપેક્ષાએ વિચારીએ તો કિંમતમાં માત્ર ક્રિયા સમાવિષ્ટ છે અને મૂલ્યમાં ભાવ અભિપ્રેત છે.
થોડા સમય પહેલાં એક જાહેરખબર વાંચેલી - ''આપના સ્વર્ગસ્થ વડીલ કે સ્વજનના અસ્થિફૂલોનું, શાસ્ત્રોક્ત વિધિથી, આપની ઈચ્છા પ્રમાણે ખૂબ જ વાજબી કિંમત લઈ પવિત્ર નદીમાં અસ્થિવિસર્જન કરી આપશું. આ આપણી સમાયની ખેંચવાળી સંકુલ જીવનશૈલીનું પરિણામ છે. સ્વજનના અસ્થિફૂલ વિસર્જનનો પણ આપણે કોન્ટ્રેક્ટ કરીએ છીએ.'' ખૂબ જ દબદબા સાથે આપણી ઈચ્છાનુસાર એ લોકો આપણા સ્વજનના અસ્થિફૂલનું વિસર્જન કરી અને તે વિધિના ફોટોગ્રાફ્સ પણ આપણને મોકલાવે છે. અહીં મોટી કિંમત ચૂકવીને આપણે સાંત્વના, આત્મસંતોષ મેળવીે છીએ, પરંતુ વ્યક્તિ જાતે, પરિવાર કે મિત્રો સાથે નજીકની પવિત્ર નદીમાં અસ્થિ વિસર્જન કરે તેનું પેલી મોટી કિંમત ચૂકવીને કરેલી વિધી કરતાં ઘણું જ મોટું મૂલ્ય છે.
ત્યાં કિંમત ચૂકવી તેની સામે થઈ છે માત્ર ક્રિયા-વિધિ જ્યારે અહીં જાતે કાર્ય કરવાથી એ ક્રિયામાં ભાવ ભળ્યો એટલે એ ક્રિયા મૂલ્યવાન બની ગઈ, જે કોઈ પણ કિંમતથી ઉપર છે. જોકે, અસ્થિવિસર્જનની ક્રિયાથી મરનારના આત્માને શાંતિ મળશે જ એવું આધ્યાત્મિક સંદર્ભે માનવું કે ન માનવું તે અલગ વાત છે, પરંતુ ભાવ વિનાની ક્રિયાનું કોઈ મૂલ્ય નથી. ભાવ એકડો છે અને ક્રિયા મીંડાં છે.
ઘરડાઘરના એરકન્ડીશન રૂમમાં પરિચારિકાની શુશ્રુષા માણી જીવન જીવતા વૃદ્ધ પોતાના દીકરાની ડબલ રૂમની ખાટ પર સૂતેલ વૃદ્ધ પોતાને વધુ સુખી ગણશે, પરંતુ કિંમતના માપદંડ પ્રતિ ધસમસતો સમાજ મૂલ્યનો હ્રાસ કરી રહ્યો છે.
એક યુગલ તેની બાલિકા સાથે રસ્તામાં ચાલ્યું જતું હતું. બાલિકા કહે છે કે, પપ્પા, તમે કંઈ ગિફ્ટ લીધી ? કેમ પપ્પા, તમે ભૂલી ગયા ? આજે મમ્મીનો બર્થ-ડે છે. બાળાએ ટહુકો કર્યો. પુરુષ એક પળ થંભીને કહે છે, તમે ધીરે ધીરે ઘર તરફ આગળ ચાલો, હું હમણાં આવું છું. પત્ની કહે, ના થોભો, કાંઈ પણ ખરીદ કરવાની જરૂર નથી. મારી એક વાત સાંભળો. બાર વર્ષ પહેલાં આપણાં લગ્ન થયાં, તે શરૂના વર્ષમાં તમે મને જે પ્રેમ કરતા હતા, મારી સાથે જે પ્રેમાળ વર્તન કરતા હતા, બસ તેવો જ પ્રેમ આજે પણ આપો. પહેલા જેવી મધુર દીર્ઘ પળો મારા સાથે ગાળો અને તેવું જ સૌજન્યસભર વર્તન ફરીથી મારી સાથે કરો તો એ મારે માટે કિંમતી સુંદર ભેટ કરતાં પણ વિશેષ છે. પુરુષ એક ક્ષણ અટકી અને કહે છે, એ તો ઠીક છે, પરંતુ હું બજારમાંથી હમણાં જ કાંઈક લઈને આવું છું !
અહીં પ્રેમના વિકલ્પે પદાર્થની વાત છે. ભાવશૂન્ય ક્રિયા અને પદાર્થ જડનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે ભાવ અને પ્રેમમાં તો ચેતનાનો સ્પર્શ છે. પદાર્થની કિંમત ચોક્કસ અને જાહેર હોઈ શકે જ્યારે પ્રેમનાં મૂલ્ય ગોપિત છે. પદાર્થ અને કિંમતના કોચલામાંથી બહાર નીકળશું ત્યારે ત્યાગ અને પ્રેમના મૂલ્યને પામી શકીશું. જીવનનાં દરેક ક્ષેત્રમાં કિંમત અને મૂલ્યના ભેદને ઓળખી અને વિવેક બુદ્ધિપૂર્વકનું વર્તન કરીશું તો જીવનમાં સંવાદ સર્જાશે.
- ગુણવંત બરવાળિયા