Get The App

સંતોષ, શાતા અને શાંતિ .

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
સંતોષ, શાતા અને શાંતિ                                       . 1 - image

સંતોષ, શાતા અને શાંતિના સાચા સ્વરૂપની ઓળખાણ કે જાણકારી મેળવવી જરૂરી છે. પરિગ્રહનું બીજું નામ છે સંગ્રહ અને આ છે લોભનો મોટો દિકરો. લોભ કષાય (મલીન ચીત્તવૃત્તિઓ) ખૂબ ચીકણો અને સૂક્ષ્મ છે. પચીસ કષાયોમાંથી સૌથી છેલ્લો વિલય પામનાર આ કષાય પાપનો બાપ છે. જે જે જીવ આ કષાયના પંજામાં પકડાયા છે તે સર્વે મહાદુ:ખના દાવાનળમાં હરદમ જલતા રહેવાના. આ વિનાશકારી અગ્નિને બુઝાવવાનું એક જ સાધન છે અને તે છે 'સંતોષ'. 

સત્સંગ, સદાચાર, સદ્વર્તન આદિ સદ્ગુણોના વંશમાં સંતોષ, શાતા અને શાંતિને પણ ગણાવેલ છે. શુદ્ધપિંડમાંથી જન્મેલ સૌ શુદ્ધ જ હોય છે ને રહે છે. શુદ્ધની આરાધના કરવા જેવી સાચી સલાહ સૌ સંતોએ અનાદિકાળથી આપી છે. જે-જે સદ્ગૃહસ્થો અને સંતો છે, તે સૌએ હંમેશા સર્વત્ર સુખાચારી શીખ આપી છે. અને આચરી છે અને ફળમાં તેઓ સમૃદ્ધિ અને સંપદાના માલીક સ્વયંમેવ બની શક્યા છે.

તો સંતોષ, શાતા અને શાંતિના સાચા સ્વરૂપની ઓળખાણ કે જાણકારી મેળવવી જરૂરી છે. પરિગ્રહનું બીજું નામ છે સંગ્રહ અને આ છે લોભનો મોટો દિકરો. લોભ કષાય (મલીન ચીત્તવૃત્તિઓ) ખૂબ ચીકણો અને સૂક્ષ્મ છે. પચીસ કષાયોમાંથી સૌથી છેલ્લો વિલય પામનાર આ કષાય પાપનો બાપ છે. જે જે જીવ આ કષાયના પંજામાં પકડાયા છે તે સર્વે મહાદુ:ખના દાવાનળમાં હરદમ જલતા રહેવાના. આ વિનાશકારી અગ્નિને બુઝાવવાનું એક જ સાધન છે અને તે છે 'સંતોષ'. જે છે જે મળ્યું છે અને જે મળવાનું છે તેમાં તૃપ્તિ ધારણ કરવી, હાય, બળાપા, ચિંતા, આર્તધ્યાન એવાં બધાની બાદબાકી મૂકી દઈ કર્મને આધીન ભાગ્યને આધીન, જે કંઈ પ્રાપ્ત થયું. થાય કે થશે તેમાં જ સંતોષ ધારી લેવો માની લેવો એ સર્વે દર્દોનું અને દુ:ખોનું પણ ઔષધ છે. 'સંતોષી નર સદા સુખી' વાળી કહેવત અનાદિકાળથી સર્વત્ર પ્રચલિત છે. તે અનુભવજન્ય છે અને એટલી હદે સત્ય છે કે તે અંગે પ્રશ્ન કે શંકાને અવકાશ જ નથી. પણ દુર્ભાગ્યે આજે આવી સોનાની લગડી જેવી બહુમૂલ્ય કહેવતને જૂનવાણી અને પુરુષાર્થહીન કહી વખોડી કઢાઈ છે અને તેનાં માઠા ફળ સૌ ભોગવી રહ્યાં છે.

સંતોષ ના જન્મની સાથે જ શાતા-ટાઢક-હાશનો અનુભવ થવા લાગે છે. જ્યાં જ્યાં 'શાતા' છે ત્યાં ત્યાં નિરાકુળતા છે જ અને નિરાકુળતામાં જ (ચંચળતા વિનાનું અબાધિત સુખ) સાચું સુખ રહેલું છે. સંસારમાં આજે આકુળતાની હોળી પ્રગટેલી છે તેનો તાપ સૌને દઝાડે છે. જ્યાં દાહ હોય ત્યાં શિતળતા અને ઠંડકના નામોનિશાન સંભવતા જ નથી. તો પછી શાતા ક્યાંથી ઉદ્ભવે ? મહાવીર, બુદ્ધ, ઇસુ અને મહમદસાહેબ આ દિવ્ય શાંતિના વખાણ કરી સમસ્ત જગતના સર્વ પ્રાણીઓને તેને આત્મસાત્ કરવાનો અનુરોધ કર્યો છે. કળિયુગમાં સર્વત્ર 'પરિગ્રહ'નું એકચક્રી રાજ્ય ચાલે છે. કોઈ પણ જીવ 'સંતોષ, શાતા અને શાંતિ' પોતાના પુરુષાર્થથી જ અને સાચી સમજણથી જ પ્રાપ્ત થશે તે એક કોયડામય પ્રશ્ન છે.

- દિનેશ શાહ