Get The App

સમય ઓછો હોય ત્યારે સભાનતા વધી જાય છે

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
સમય ઓછો હોય ત્યારે સભાનતા વધી જાય છે 1 - image

- જન્મજાત સ્વભાવ આપણી પાસે છે પરંતુ આપણે એનો ઉપયોગ ફક્ત લૌકિક લાભ માટે કરી રહ્યા છીએ. આપણે જરૂર પૂરતો પ્રયત્ન કરી અટકી જઈએ છીએ. આપણી શક્તિ સીમિત થઈ જાય છે

શ્રીમદ્ ભાગવતના પ્રથમ સ્કંધના બારમા અધ્યાયથી પરીક્ષિતની કથા શરૂ થાય છે. પાંડવોના મહાપ્રયાણ બાદ પરીક્ષિત પૃથ્વી પર શાસન કરતા હતા. તે દરમ્યાન તે કુરુજંગલમાં રહેતા. એકવાર શિકાર કરવા ગયા. પાછા ફરતા તેમને ખૂબ તરસ લાગી હતી. વનમાં તેમણે શમીક ઋષિનો આશ્રમ જોયો. મુનિ એકચિત્તે સાધના કરી રહ્યા હતા. પરીક્ષિતે પાણી માગ્યું. કશો જવાબ ન મળ્યો. પરીક્ષિત છેવટે રાજા હતા. તેમને લાગ્યું મુનિ જાણી જોઈને તેમને અવગણી રહ્યા છે. મુનિ હોય તો શું થયું ! રાજાને આદર આપી આસન આપવું તેમની ફરજ છે. રાજા તરસ્યા હતા એટલે બેબાકળા થઈ ગયા. ત્યાં એક મરેલો સાપ પડેલો હતો. ધનુષ્યની અણીથી ઉઠાવી મુનિના ગળામાં નાખ્યો અને મહેલમાં પાછા ફરી ગયા. જ્યારે શમીક ઋષિના પુત્રએ પિતાના ગળામાં મરેલો સાપ જોયો ત્યારે તે ક્રોધે ભરાયો. 'મારા પિતાનું આવું અપમાન ?!!' ક્રોધથી લાલઘુમ થયેલી આંખોવાળા તે ઋષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરી શાપ આપ્યો, 'કુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કર્યું છે. તેથી મારી પ્રેરણાથી આજથી સાતમા દિવસે તેમને તક્ષક નાગ ડસશે.' આ વાતની જાણ થતાં જ પરીક્ષિતને પોતાની ભૂલ સમજાઈ. પસ્તાવો થયો.

પરીક્ષિતનો જન્મ જ કૃષ્ણ-કૃપાથી થયો હતો. તે ધર્મ-પરાયણ તો હતા જ પણ ઘરસંસાર અને રાજકાજમાં ગૂંથાયેલા રહેતા. ઋષિનો શાપ મળતાં જ તે સાવચેત થઈ ગયા. તેમને લાગ્યું હવે શ્વાસોની સંખ્યા સીમિત થઈ ગઈ છે. આત્મકલ્યાણ માટે સમય ઝાઝો રહ્યો નથી. તે રાજકારભાર પુત્ર જનમેજયને સોંપી ગંગાનદીના કિનારા તરફ ખુલ્લા પગે ચાલી નીકળ્યા. ત્યાં તેમને વ્યાસપુત્ર શુકદેવજી મહારાજના દર્શન થયાં. પરીક્ષિતે પોતાની વ્યથા જણાવી. શુકદેવજીએ તેમને શાંત પાડયા. ત્યારબાદ પરીક્ષિતે આત્માના સત્ય સ્વરૂપ વિષે પ્રશ્નો પૂછયા અને તેના જવાબમાં શુકદેવજીએ તેમને ભગવાનના લીલા અવતારોની કથાઓ કહી. પાણીનો એક પણ ઘૂંટ પીધા વગર એકચિત્તે પરીક્ષિત ભાગવતકથાઓ શ્રવણ કરતા રહ્યા. આમ ઓછા સમયમાં પૂર્ણ જાગૃતિને લીધે તેમનો આત્મઉદ્ધાર થઈ ગયો. તેમણે તક્ષક ડંખવાના શાપને પણ લાભદાયક ગણ્યો અને આસક્તિથી છૂટવા માટે વિરક્તિનું સુંદર કારણ મળી ગયું તેમ માન્યું.

જે સમયની નજાકત સમજીને ચેતી જાય છે તેના માટે કોઈ કામ અશક્ય નથી. અમેરિકાના હર્બટ નામના એન્જિનિયરે એક કંપનીની જાહેરાત વાંચી નોકરી માટે અરજી કરી. જ્યારે તે ઇન્ટરવ્યુ આપવા ગયો ત્યારે મેનેજરે કહ્યું કે એન્જિનિયર માટેની જગ્યા તો પુરાઈ ગઈ છે. હર્બટને નોકરીની સખત જરૂર હતી. છતાં તે નિરાશ ના થયો. જતાં જતાં તેણે મેનેજરને બીજી કોઈ નાના મોટા કામની નોકરી હોય તો આપવા વિનંતી કરી. મેનેજરે કહ્યું, 'એક ટાઇપિસ્ટની જગ્યા ખાલી છે.' પણ તકલીફ એ હતી કે હર્બટને ટાઈપ આવડતું નહોતું. એટલે તેણે મેનેજર પાસે પંદર દિવસનો સમય માંગ્યો. મેનેજરે પંદર દિવસ પછી નોકરી પર હાજર થવાનો સમય આપ્યો. હવે પંદર જ દિવસમાં ટાઈપ શીખવાનું હતું. સામાન્ય રીતે અશક્ય હતું. સમય ઓછો હતો. લક્ષ્ય ઊંચું હતું. પણ કાબેલ, જાગૃત અને લક્ષ્યવેધી હર્બટે મક્કમ નિર્ધાર કર્યો. રાત-દિવસ એક કરી ટાઈપ શીખી લીધું. ટાઈપિસ્ટની નોકરી શરૂ કરી. એક સામાન્ય ટાઈપિસ્ટ હર્બટ ધીરે ધીરે આગળ વધી એ જ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટર બન્યો, એટલું જ નહિ આગળ જતાં હર્બટ હૂવર એક દિવસ અમેરિકાનો પ્રમુખ બન્યો.

We are stronger thatn we think. ઘણીવાર આપણે વિચારીએ છીએ તેના કરતાં વધુ મજબૂત હોઈએ છીએ. ઓછા સમયમાં ધારેલું હાંસલ કરવાની દરેકમાં તાકાત હોય છે. જરૂર છે સાવચેતીની, સભાનતાની, જાગૃતિની. વિશ્વના નામાંકિત સાહિત્યકારો ટી.બી.ના રોગમાં સપડાયા પછી વધારે કાર્યશીલ બન્યા હતા. તેમની લાગણીશીલતામાં તીવ્રતા આવી હતી. તેમની સર્જનશક્તિ પૂર્ણરૂપે ખીલી હતી. યુજીન ઓ'નીલ તો કહેતા 'પચીસ વર્ષની ઉંમર સુધીનું જીવન જાણે કશાય હેતુ વિનાનું એક રઝળપાટ જેવું વીતી ગયું. પથારીમાં પડયા પછી સારું વિચારવાની તક મળી.' સમયની તંગી હોય ત્યારે માણસ સભાન બની જાય છે.

ઇ.સ. ૧૭૬૦માં ફ્રાન્સનું જર્મની સાથે યુદ્ધ ચાલતું હતું. ફ્રાન્સના રાજા પંદરમા લૂઈએ કર્લાસ્ટર આગળ છાવણી નાખી હતી. ફ્રાન્સના સેનાપતિએ કેવેલિયર નામના એક બહાદુર સૈનિકને દુશ્મનની હિલચાલ તપાસવા મોકલ્યો. જર્મન સૈનિકો બહુ દૂર નહોતા. કેવેલિયર થોડે દૂર ઝાડીમાં ગયો અને જર્મન સૈનિકોએ તેને ઘેરી લીધો. જર્મનોએ કહ્યું : 'ચૂપ રહેજે ! ખબરદાર એક શબ્દ બોલ્યો તો !' કેવેલિયરે વિચાર્યું. જો મારા સૈન્યને દુશ્મનોના આ છૂપા આગમનની ખબર આપવામાં નહિ આવે તો જર્મનો અચાનક હુમલો કરી વિનાશ કરી નાખશે. શું કરવું ? સમય હતો નહિ. નિર્ણય લેવાનો હતો. તેણે જીવના જોખમે ઊંચા અવાજે બૂમ પાડી, 'સાવધાન, સેનાપતિ સાવધાન !! દુશ્મનો અહીં સુધી આવી ગયા છે.'' જોકે બૂમ પાડીને તેણે જીવ ખોયો. પણ તેની સમયસરની સાવધાની ભરી એક બૂમથી ફ્રેન્ચ સૈનિકો સાવધ થઈ ગયા અને તરત હુમલો કરી જર્મનોને ત્યાંથી ભગાડી દીધા. ઓછા સમયમાં વધુ સાવધાની મોટાં નુકસાનથી બચાવે છે.

જીવનો જન્મજાત સ્વભાવ આપણી પાસે છે જ. પરંતુ આપણે એનો ઉપયોગ ફક્ત લૌકિક લાભ માટે જ કરી રહ્યા છીએ. સ્વભાવ પૂર્ણરૂપે પ્રગટ થતો નથી. આપણે જરૂર પૂરતો પ્રયત્ન કરી અટકી જઈએ છીએ. આપણી શક્તિ સીમિત થઈ જાય છે અને આપણે મૂર્ચ્છિત દશામાં જીવન જીવ્યે જઈએ છીએ. એકાદ ઠોકર, એકાદ સંકેત, એકાદ અણસાર, એકાદ આત્મબોધ થતાં જ આપણો વિચાર બદલાય છે. વિચાર બદલાતાં જીવનનો ઢંગ બદલાય છે. જીવનનો ઢંગ બદલાતાં જીવનની ક્ષણભંગુરતાનો બોધ થાય છે અને આત્મજ્ઞાન થતાં જ આત્મમય, આત્મસ્થ થવા માટે અંતર્મુખ થઈએ છીએ.

- સુરેન્દ્ર શાહ