Get The App

''સલામતી માટે સમાધાન થાય છે '' .

Updated: May 28th, 2025

GS TEAM

Google News
Google News
''સલામતી માટે સમાધાન થાય છે ''                           . 1 - image

વૃત્રાસુર ત્વષ્ટા ઋષિનો યજ્ઞા પુત્ર હતો. એકવાર ઈન્દ્રના હાથે વૃત્રાસુરનો વધ થઈ ગયો. બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું. પાપથી બચવા ઈન્દ્ર સ્વર્ગલોક છોડી એક અજાણ્યા સરોવરમાં સંતાઈ ગયો. તેના જવાથી ઈન્દ્રાસન ખાલી પડયું. અરાજકતા ફેલાઈ જાય તે પહેલાં દેવગુરૂ બૃહસ્પતિએ ઈન્દ્રલોકનું કામકાજ સંભાળવા પૃથ્વી પર રાજ કરતા અનુભવી અને સમર્થ રાજા નહુષને સ્વર્ગની ગાદી પર બેસાડયો. નહુષ પૃથ્વી પરનો ચક્રવર્તી  સમ્રાટ હતો. કુશળ હતો. બહાદુર હતો. તેણે શરૂઆતમાં થોડા દિવસ વ્યવસ્થિત વહીવટ સંભાળ્યો. પણ સ્વર્ગનું સુખ અને અમાપ વૈભવ જોઈ તેની મનોભાવના સળવળવા લાગી. તે ભૂલી ગયો કે દેવગુરૂએ ઈન્દ્રાસન વહીવટ કરવા કામચલાઉ ધોરણે સોંપ્યું હતું. ઈન્દ્રાસન પર કાયમી હકક નહોતો. પણ હવે તે પોતાને સ્વર્ગનો માલિક સમજવા લાગ્યો. પરાજિત પ્રજા જેમ વિજેતાને અધીન થઈ જાય એમ દેવો પણ નહુષને જ ઈન્દ્ર સમજવા લાગ્યા. સૌએ તેનું આધિપત્ય સ્વીકારી લીધું. નહુષ મદિરાપાન કરી મસ્ત રહેવા લાગ્યો. હવે તેને કોઈનો ડર નહોતો. તેને ભોગ વિલાસના જ વિચારો આવતા. તેને લાલસા જાગી. અત્યારે જો તે સ્વર્ગનો ઈન્દ્ર હોય તો ઈન્દ્રાણી પર પણ તેનો અધિકાર ગણાવો જોઈએ. તેણે એક પ્રસ્તાવ મોકલ્યો. ''હે ઈન્દ્રાણી, હવે અહીં મારો હુકમ ચાલે છે. હું સ્વર્ગનો અધિપતિ છું. હું ઈન્દ્ર છું એટલે તું મારી પત્ની ગણાય. હવેથી તારી મારી સાથે રહેવાનું છે.'' આ અનર્થ વાત સાંભળી ઈન્દ્રાણી સ્તબ્ધ થઈ ગઈ. તેણે વિચાર્યું. અસલામતીના ભાર નીચે પોતાનું સ્ત્રીત્વ કચડાઈ જાય કે પ્રાણ ભીંસાઈને રૂંધાઈ જાય તે પહેલાં સાવચેતીપૂર્વક કંઈક કરવું જોઈએ. તે દેવગુરૂ બૃહસ્પતિને મળી આખી વાતી સમજાવી. તેની આંખોમાં આંસુ હતાં. ગુરૂજીએ તેને આશ્વાસન આપી એક સચોટ ઉપાય બતાવ્યો. ગુરૂજીને મળ્યા પછી તેનો ડર ઓછો થવા લાગ્યો. પહેલાં તો તેણે નહુષને સમજાવ્યો. ''રાજન, ભલે અત્યારે મારા પતિ બ્રહ્મહત્યાના ભયથી સંતાયેલા હોય છતાં હું તેમની પતિવ્રતા પત્ની છું. એટલે તમે મને ઈન્દ્રાણી બનાવવાનો વિચાર છોડી તમારૂં કર્તવ્યપાલન કરો.'' ઈન્દ્રાણીનું નામ શચિ હતું. તે રૂપરૂપનો અંબાર હતી. તેની નમણી કાયા અપ્સરાઓના રૂપને પણ ઝાંખી પાડી દે તેવી હતી. નહુષના મગજને મોહ અને વાસનાએ ઘેરી લીધું હતું. તે ક્રોધે ભરાયો. ''ઈન્દ્રાણી હવે હું કાયમ અહીં જ રહેવાનો છું. હું જ આ ઈન્દ્રાસનનો ઈન્દ્ર છું. જો તું મારૂં કહ્યું નહિ માને તો હું બળપૂર્વક તને મારી રાણી બનાવીશ. તારા વગર સ્વર્ગનું સુખ મને અધૂરૂં લાગે છે.'' શચિને લાગ્યું વર્ષોથી સાચવીને રાખેલો હિંમતનો સિક્કો હૃદયની તિજોરીમાંથી કાઢી વાપરવાનો સમય આવી ગયો છે, શચિએ પ્રસ્તાવનો જવાબ મોકલાવ્યો. ''રાજન, આપ શક્તિશાળી છો. મારામાં તમારા પ્રસ્તાવનો વિરોધ કરવાની તાકાત નથી. જો તમે સપ્તર્ષિઓના ખભે ઊંચકાવીને, સુવર્ણપાલખીમાં બેસીને મારા આંગણે આવશો તો હું ઈન્દ્રાણીરૂપે તમારી સાથે રહીશ.'' ભોગી મનથી રોગી હોય છે. તેણે ઋષિઓને હુકમ કર્યો. રાજાની આજ્ઞા હતી. 

બીજે દિવસે સુવર્ણ-પાલખી સજાવવામાં આવી. નહુષ તેમાં બેઠો. અને ઋષિઓ કહાર બનીને વારાફરતી પાલખી ઊંચકી ચાલવા લાગ્યા. ઋષિઓ વૃધ્ધ હતા. ધીરે ધીરે ચાલતા હતા. પણ નહુષ ઊતાવળો થયો હતો. ''અરે ઓ, આળસુ ઋષિઓ, આમ ધીરે ધીરે ના ચાલો જલદી ચાલો, જલદી (સર્પ... સર્પ...) સર્પ... સર્પ.... એટલે ઝડપથી ચાલો. ઋષિઓ થાકેલા હતા. નહુષનું આવું બેહૂદું, ઉધ્ધત વર્તન જોઈ અગસ્ત્યઋષિ ક્રોધે ભરાયા. તેમણે પાલખી નીચે મૂકી દીધી.'' હે મૂરખ નહુષ, ગુરૂએ ઈન્દ્રપદ આપીને તને પ્રભુતા બક્ષી. પણ તારામાં લાયકાત નથી. તું વિવેક ખોઈ બેઠો છે. નીતિ-ધર્મ ભૂલી ગયો છે. અમારા જેવા વૃધ્ધ ઋષિઓને તું હુકમ કરે છે ? સર્પ...સર્પ... (જલદી... જલદી) કહી અપમાન કરી રહ્યો છે, જા, તું જ સર્પ બની જા. ''ઋષિએ તેને શાપ આપ્યો. નહુષનું ઈન્દ્રપદ જતું રહ્યું. તેને સર્પયોનિમાં જન્મ લેવો પડયો. આ બાજુ સરોવરમાં સંતાયેલા ઈન્દ્રએ એટલું તપ કર્યું કે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ ગયા. અને ફરી એકવાર સ્વર્ગની ગાદી પર ઈન્દ્રએ સ્થાન મેળવ્યું.''

'મધર' નામની વિશ્વવિખ્યાત કૃતિનું સર્જન કરનાર મેકિસમ ગોર્કીના પિતા શરાબી અને અત્યાચારી હતા. તે કમાતા ઓછું અને નશો વધારે કરતા. મેકિસમને અને તેની મા-ને રોજ માર પડતો. તે રડી પડતો. મા દુઃખી થતી. ''બેટા, મને ખબર છે તે જુલમી છે. આપણી પાસે અત્યારે અહીંથી છટકવાનો કોઈ ઉપાય નથી. ભલે મારે પણ આ નાનકડું ઘર તો છે. ભલે પેટ ભરીને નહિ પણ જીવાય એટલું ખાવાનું તો મળે છે! જાતની સલામતી માટે ના છૂટકે સમાધાન કરવું પડે. સોનું ભઠ્ઠીમાં ઓગળીને હથોડીના ઘા સહન કરીને આભુષણ બને છે. તું પણ એક દિવસ હીરની માફક ચમકી ઊઠીશ.!!'' મેકિસમ જૂના પુસ્તકોની દુકાને નોકરી કરતાં, નાની-મોટી મજૂરી કરતાં કરતાં ભણ્યો અને વિશ્વવિખ્યાત સાહિત્યકાર બન્યો. What You can't get of - get into whole heartedly. જો આવેલી ૫રિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો ના દેખાય, તો તે પરિસ્થિતિનો મનથી સ્વીકાર કરી લેવો. કારણ કે We can not change anything untile we accept it - સ્વીકાર કર્યા વિના કોઈ વસ્તુ બદલી શકાતી નથી.

વંટોળ વખતે ઊભા રહેતા તાડના ઊંચા વૃક્ષ કરતાં ઝંઝાવાત વખતે સહેજ નમી જનાર લીલાઘાસમાં બચવાની શક્યતા વધી જાય છે. થોડુંક ચલાવી લઈ સાચા સમયની રાહ જોનાર ધીરજવાનનું મસ્તક છેવટે ઉન્નત રહે છે. સલામતી માટે કરાતા સંઘર્ષની પાછળ બુધ્ધિપૂર્વકની સમાધાનવૃત્તિ એક જાતની દૂરંદેશી ગણાય છે.

- સુરેન્દ્ર શાહ