'શિવમહિમ્ન : સ્તોત્ર'નાં રચયિતા શ્રી પુષ્પદંત-પરિચય
- (આ રચનાનું કારણ અને હેતુ)
ભગવાન શિવજીએ અન્ય રાક્ષસો સાથે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે શિવજીનાં શરીરમાંથી પરસેવાનું એકટીપું પૃથ્વી ઉપર પડયુ તે વાસ્તુ પુરુષ કહેવાયો. તેમાં વાસ્તુપુરુષનાં કોઠાઓમાં સ્થાપવામાં આવતા દેવોનો
ઉલ્લેખ છે
ભ ગવાન-શિવ, (મહાદેવ)નાં અસંખ્ય પદો, સ્તુતિઓ- ગીતો-ભજનો- અન્ય અનેક કૃતિઓ છે. પરંતુ તે દરેકમાં શિવજીની મહિમાનું વર્ણન કરનારું ભક્ત શ્રી પુષ્પદંતનું શિવમહિમ્ન:સ્તોત્ર ખૂબ જ લોકપ્રિય અને પ્રચલિત છે. અનેક ભાષાઓમાં આનું ટ્રાન્સલેશન થયેલું છે. અને આ સ્તોત્ર શિવજીને પ્રસન્ન કરનારૃં છે. ઘણા આચાર્યોએ આનું વર્ણન-તથા વિવરણ કરેલું છે. જેના મનસુખસાવલિયાનું આના વિશેનું વર્ણન લોકોપયોગી અને સરળભાષામાં છે. આ સ્તોત્રમાં કુલ મળીને ૪૩ શ્લોકો છે. જેમાં શરૂઆતનાં ૨૯ શ્લોકો શિખરિણી છંદમાં છે અને બાકીના હરિણી-માલિની- અનુષ્ટુપ તથા વસંતતિલકા છંદમાં રચાયેલા છે.
ભક્ત કવિ
પુષ્પદંત પરિચય
શ્રી પુષ્પદંત એક ગંધર્વરાજ હતા તેનાં દાંત ખરેખર કંદપુષ્પની માફક કળીઓ સમાન ધોળા અને સુંદર હતા. તેથી તે 'પુષ્પદંત' તરીકે પ્રસિધ્ધ થયા હતા. તેઓ શરીરે સુંદર-અને ગુણ-ભક્તિ તથા ઐશ્વર્યથી શોભતા હતા. તે શિવભક્ત હતા. શિવજીનાં માનીતા ગણ હતા. તે વાત તેમણે જ પોતાના રચેલા સ્તોત્રમાંથી જણાવેલ છે.
શ્રી પુષ્પદંત સંવત ૧૪૮૦ પહેલા થયા હોય તેવું અનુમાન ઇતિહાસ કારો માને છે. કેટલાક એવું માને છે કે પુષ્પદંતગઢવી જાતિમાં થયા હોય તેવું પણ માને છે. પરંતુ તેનો ખાસ ચોક્કસ આધાર નથી. તેઓની વિશેષ માહિતીઓ ઉપલબ્ધ નથી.
પુષ્પદંત રૂપી પુષ્પમાંથી આ મહિન્મસ્તોત્રના રૂપમાં આ સ્તુતિની પ્રગટતી પવિત્રતા, શોભા, મોહકતા, અને મહેકનો લાભ આપણે સહુએ શિવ-આરાધના રૂપે લેવો એજ સમજદારી છે.
ભગવાન શિવજીએ અન્ય રાક્ષસો સાથે જ્યારે યુદ્ધ કર્યું ત્યારે શિવજીનાં શરીરમાંથી પરસેવાનું એકટીપું પૃથ્વી ઉપર પડયુ તે વાસ્તુ પુરુષ કહેવાયો. તેમાં વાસ્તુપુરુષનાં કોઠાઓમાં સ્થાપવામાં આવતા દેવોનો ઉલ્લેખ છે. તેના મધ્યનાં સાત કોઠાઓમાં જે સાત દેવોની સ્થાપના કરવામાં આવે છે. જે નંદી, સુગ્રીવ, પુષ્પદંત, વરુણ, અસુર, શેષ અને પાપયક્ષા. આમાના પુષ્પદંત તે મહિન્મસ્તોત્રના રચયિતા હોવા જોઈએ. કારણકે વાસ્તુશાસ્ત્ર પણ શિવનાં ઐશ્ચર્યમાંથી જ પ્રગટયું છે. અને એમાં શિવનાં એક મહત્ત્વનાં ગણ નન્દીનો પણ ઉલ્લેખ છે.
મહિમ્નસ્તોત્રની
રચના અને હેતુ
આ મહિમ્ન: સ્તોત્રની રચના ચંદ્રમૌલિ ભગવાન શિવના દાસ એવા ગંધર્વરાજ પુષ્પદંત, ખરેખર શિવનાં રોષથી પોતાના મહિમાથી ભ્રષ્ટ થયો હતો. તેથી મહાદેવને પ્રસન્ન કરવા આ અતિશય દિવ્યમહિમ્ન સ્તોત્રની રચના કરી છે.
આ શ્લોકમાં કવિ આ સ્તોત્રની રચનાનું પ્રયોજન જણાવે છે. પોતે ગન્ધર્વરાજ હતો. પરંતુ મહાદેવનાં રોષનો ભોગ બનવાથી તેમને પ્રસન્ન કરવા માટે આ સ્તોત્રની રચના કર્યાનું પુષ્પદંત જણાવે છે.
શિવે શા માટે તેના ઉપર ક્રોધ કર્યો હતો ?
૧) શિવજીના સાનિધ્યમાં રહેનારા પુષ્પદંતે એકવાર ભગવાન શિવજીને ચઢાવવામાં આવતી જે વસ્તુઓ, દ્રવ્ય, પુષ્પ કે ધૂપ-બિલિપત્ર વિગેરેને શિવ નિર્માલ્ય તરીકે ગણવામાં આવે છે. એક વખત પુષ્પદંતે ભૂલથી જ તે શિવનિર્મલ્ય વસ્તુઓનો અનાદર કરી ઉપયોગ કર્યો. નિયમભંગથી થનાર તે અપરાધ બની ગયો. તેથી ભગવાન શિવજીએ તેને શ્રાપ આપી તેની આકાશમાં ઉડવાની શક્તિ નાશપામી અને ગાન્ધર્વનો તેમને મહિમા આ રીતે ઘટી ગયો. તેથી તેણે શિવજી પાસે ક્ષમા માંગી શિવમહિમ્ન : નામના અત્યંત સુંદર અને અલૌકિક સ્તોત્ર રચીને ભગવાન શિવજીનું ગુણગાન કર્યું. અને શિવજી પ્રસન્ન થયા તથા પુષ્પ દંતને ફરી મહિમાવાન બનાવ્યો.
૨) બીજી એક દંતકથા પ્રમાણે ગંધર્વરાજ પુષ્પદંત કાશીનરેશનાં ઉદ્યાન-બગીચામાંથી દરરોજ રાત્રિએ ફુલોની ચોરી કરવા આવતા. કોઈને આ ખબર ન હતી. રોજ રોજ ફુલો ઓછા થવાથી રાજાને તેની જાણ થઈ કે રોજ કોઈ આવીને ફુલો ચોરી જાય છે. જેથી રાજાએ ત્યાં રસ્તામાં શિવનિર્માલ્ય વસ્તુ તરીકે લિલીપત્રાદિ મૂકી દીધા. એક રાત્રીએ પુષ્પોની ચોરી કરીને ઉતાવળે ભાગતા પુષ્પદંતથી તે શિવનિર્માલ્યનું ઉલ્લંઘન થઈ ગયું. ત્યારે શિવનિર્માલ્ય વસ્તુના ઉલ્લંઘન થવાથી શિવજીનાં શાપથી તે જે સુક્ષ્મરૂપ ઘટીને આવતો હતો. તે શક્તિ નાશ થવાથી તે પોતાનાં મૂળ સ્વરૂપમાં આવી જતા તે રાજાનો ગુનેગાર બની ગયો અને પકડાઈ ગયો. ત્યારે શિવજીની ક્ષમા માગીને મહિન્મસ્તોત્રની રચના થયાનું વિદ્વાનો ગણાવે છે.
પરંતુ પુષ્પદંત નામ અપૂર્વ અને અજોડ છે. તેણે રચેલા આ સ્તોત્રની તાજગી, કોમળતા, મોહકતા અને પ્રાર્થનાનું સ્વરૂપ જોતા પુષ્પદંત નામ સાર્થક લાગે છે. જેના દાંત પુષ્પો જેવા હોય, એની જીભ, હૃદય, વાણી અને વર્તન પણ પુષ્પમય હોય તેવો આભાસ થાય છે.
શિવમહિમ્ન:સ્તોત્ર-
વાણીનું વર્ણન
પુષ્પદંત કહે છે કે : મહિમ્ન: સ્તવન જેવું ઉત્તમ બીજુ કોઈ સ્તવન કે સ્તોત્ર નથી. ખરેખર મહિમ્ન: સ્તોત્રનો મહિમા અદ્ભૂત છે. શ્રી પુષ્પદંતનું અંતર શિવની શ્રદ્ધાથી અને ભક્તિથી છલોછલ ઉભરાતું હતું એટલે એમાંથી વ્હેલું આ સ્તુતિગાન દિવ્યવાણીનું સ્વરૂપ ધારણ કરે છે. અને આ સ્તુતિ જ્યારે પ્રયાસથી નહિ. પરંતુ પુરા પ્રેમભાવથી ઉતરી હોય, ત્યારે એ ઇશ્વરની કૃપાનો અવતાર બને છે. આમ, વાણી આદિનાં સર્જક.
નટરાજ ભગવાન શિવે, સ્વયં ભક્તકવિ પુષ્પદંતના ઉર-આંગણમાં સરસ્વતીનું નર્તન કરાવ્યું તેનું જ નામ 'શિવમહિમ્નસ્તોત્ર.'
આ સ્તોત્રમાં કઠોરતા અને કોમળતાનું સુંદર મિશ્રણ છે. ભગવાન અર્ધનારીશ્વરનાં દેહમાં સ્ત્રીત્વ અને પુરુષત્વ બન્ને હોય છે. તેમની આ સ્તુતિમાં સ્ત્રી સહજલાલિત્ય અને પુરુષ સહજ કઠોરતાનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. તેની પ્રથમ બે પંક્તિમાં કઠોર અને કિલષ્ટ છે. પરંતુ અંતિમ બે પંક્તિઓ કોમલ અને લલિત છે.
પુષ્પદંતની વાણીમાં માધુર્યથી છલકાતી અને અમૃત નિર્માણ કરનારૃં તત્વ જોવા મળે છે. પુષ્પદંત ગન્ધર્વરાજ હતા તેથી જન્મજાત ગાયન,વાદન, અને સંગીતની કળામાં કુશળહોય તે પણ સ્વાભાવિક છે. તેથી સમગ્ર શિવમહિમ્ન સ્તોત્રમાં શબ્દોની પસંદગી પણ અતિશય મધૂર અને હૃદયને સ્પર્શે તેવું છે. જે લયબદ્ધ ગાય શકાય તેવી છે.
આપણે પણ આ સ્તોત્રને કંઠમાં કે કર્ણમાં ગાઈ-સાંભળીને તેની પ્રેમળજ્યોતિમાં શિવરૂપનો સાક્ષાત્કાર કરીએ એમાંજ જીવનની સાર્થકતા છે. શિવમહિમ્ન: સ્તોત્ર એક અમૃત સમાન છે. શિવજીનાં નાના, મોટા, તમામ સ્વરૂપને આમાં નમસ્કાર કરેલા છે. નમો :નમ, નમોનમ, કહીને પ્રિયદવ: સ્મરહર, ત્રિનયન, વગેરે શિવજીનાં સ્વરૂપોને નમસ્કાર ભક્તિપૂર્વક કરેલા છે. આમ આ શિવમહિમ્ન સ્તોત્ર આપણામાં પણ શિવજી પ્રત્યેનો પ્રેમભાવ ભક્તિભાવ, સમર્પણભાવો ઉત્પન્ન કરી જાય છે. અને આપણને શિવમય બનાવી દે છે. (મનસુખ સાવલિયા)
શિવમહિમ્ન: સ્તોત્રની ફળશ્રુતિ
દેવી, દાનવો અને માનવોથી પૂજાતું, સ્વર્ગ, અને મોક્ષનાં કારણરૂપ એક માત્ર કારણરૂપ, પુષ્પદંતે રચેલા આ અમોઘ 'શિવમહિમ્ન: સ્તોત્રનો જે કોઈ મનુષ્ય હાથ જોડી, અનન્યભાવ પ્રેમભાવે પાઠ કરશે તેનું કિન્નરો (શિવજીનાં ગણો) પણ ગુણગાન કરશે અને તે શિવલોકમાં શિવનું સાયુજય પામશે.ળ
જે મનુષ્ય આ મહિમ્ન: સ્તોત્રનો એકવાર, બે વાર કે ત્રણવાર પાઠ કરે છે તે શિવલોકમાં જાય છે અને ભગવાન શિવની સાથે આનંદ કરે છે.
મહાદેવ શ્રી શિવજીને તથા મહિમ્ન સ્તોત્રના રચયિતા શ્રી પુષ્પદંતને શિવજીનાં સ્મરણ સાથે વારંવાર નમસ્કાર..નમસ્કાર..
- ડો. ઉમાકાંત.જે.જોષી