શ્રુત અને શીલનો અનુબંધ સફળ જીવનનો રાજમાર્ગ
- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
ભગવાન મહાવીરની વાણી ઠાણાંગ સુત્ર 'આગમ'માં ચાર પ્રકારના પુષ્પોનું વર્ણન કરવામાં આવ્યું છે - એક પુષ્પ એવું હોય છે કે જેમાં રૂપ-સૌંદર્ય તો હોય છે, પરંતુ સુગંધ નથી હોતી. બીજા પ્રકારના ફુલ-પુષ્પમાં સુગંધ-સુરભિ તો હોય છે, પરંતુ તેમાં સૌંદર્ય નથી હોતું. ત્રીજા પ્રકારના પુષ્પમાં અદ્ભુત રૂપ-સૌંદર્ય હોય છે અને સુગંધ પણ હોય છે. ચોથા પ્રકારના ફુલ-પુષ્પમાં સૌંદર્ય કે સુગંધ કશું નથી હોતું. દાખલા તરીકે કેસુડાનાં ફૂલ. તેનું સૌંદર્ય તો ખુબ જ આકર્ષક હોય છે, પરંતુ તેમાં સુગંધ હોતી જ નથી. બકુલ પુષ્પની વાત કરીએ તો તે માદક સુગંધનો ભંડાર છે. પોતાની સુરભિથી તે દૂર-દૂર રહેલા ભ્રમરોને પણ આકર્ષિત કરી શકે છે અને તેનાથી દૂર રહેલા મનુષ્યને પણ મુગ્ધ કરી શકે છે, પરંતુ જેવા આપણે તે ફૂલની નજીક પહોંચીએ એને જોઇએ તો એ ફૂલમાં રૂપ-સૌંદર્યનો બિલકુલ અભાવ દેખાતાં આપણી મુગ્ધતા વિસરાળ થઇ જાય છે. જસ્મીનના પુષ્પમાં રૂપ-સૌદર્ય બન્ને છે. ગુલાબના ફૂલમાં અદ્ભુત રૂપ હોય છે, જોવાવાળાના ચિત્તને આકર્ષિત કરે છે અને સાથે સાથે તે સુગંધનો ભંડાર પણ છે. ચોથા પ્રકારના પુષ્પ આક છે, જેને આપણે અંકોડા ફૂલરૂપે ઓળખીએ છીએ જે મદાર પુષ્પરૂપે પણ જાણીતું છે. આ ફૂલોમાં ન તો કોઇ રૂપ-સૌંદર્ય છે કે ન તો કોઇ સુગંધ આવા ફૂલો કોઇને ગમતા નથી.
આ જ રીતે શ્રમણ ભગવાન મહાવીરે માનવસમાજના મનુષ્યોનું ચાર પ્રકારમાં વર્ગીકરણ કર્યું છે. એક મનુષ્ય એવો છે જે શ્રુતસંપન્ન છે. જ્ઞાની તો છે પણ શીલસંપન્ન નથી. બીજા પ્રકારનો મનુષ્ય એવો છે જે શીલસંપન્ન છે પરંતુ શ્રુતસંપન્ન નથી. ત્રીજા પ્રકારનો મનુષ્ય એ છે કે જે શ્રુતસંપન્ન પણ છે અને શીલસંપન્ન પણ છે. ચોથા પ્રકારના મનુષ્ય એવા છે જે શ્રુતસંપન્ન પણ નથી અને શીલસંપન્ન પણ નથી. એટલે આવા મનુષ્યો પાસે ચારિત્ર કે જ્ઞાન કશું જ નથી. માનવસમાજનું આ વર્ગીકરણ મનોવૈજ્ઞાનિકના આધાર પર કરવામાં આવ્યું છે. એનું કારણ એ છે કે માનવસમાજમાં એક એવી માન્યતા પ્રસ્થાપિત થયેલી છે કે, જે મનુષ્ય પાસે ઉમદા ચારિત્ર છે અને જ્ઞાન પણ છે એ વ્યક્તિને જ સમાજમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે, તેમાં તથ્ય અને સત્ય બંને છે. વ્યક્તિના જીવનમાં આ બન્ને તત્ત્વોની ઉપસ્થિતિ હોય તે જરૂરી છે. જો કે, આ ગુણનો અભાવ હોય તો તેનું જીવન અધૂરું છે, જેને આદર્શ જીવન માનવામાં આવતું નથી. શ્રુત અને શીલ એટલે જ્ઞાન અને ચારિત્ર એટલે સદાચારયુક્ત જીવન વ્યક્તિના જીવનને સુખમય અને શાંતિમય બનાવી શકે છે.
જો મનુષ્ય જીવનમાં શ્રુત એટલે જ્ઞાનનો પ્રકાશ હોય પરંતુ શીલ-સદાચારની સુગંધ ન હોય તો એ જીવનને શ્રેષ્ઠ જીવન તરીકે સ્વીકારી શકાય નહીં અને જેનું જીવન શીલ અને સદાચારથી સભર હોય પરંતુ તેનામાં જ્ઞાન ન હોય તો તેનામાં સારાસારનો વિવેક, હેય, ઉપાદેયની સમજણ જ ન આવે. હેય અને ઉપાદેય એટલે શું ગ્રહણ કરવા જેવું, સ્વીકારવા જેવું છે અને શું છોડવા જેવું એટલે અસ્વીકાર કરવા જેવું છે તેની સમજ ન હોય તો તેનું જીવન અધૂરું કહી શકાય. એકાંગી જીવન કહેવાય. આવું એકાંગી જીવન આદર્શ જીવન ન કહી શકાય. ભારતીય સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિમાં શીલ અને શ્રુતને જીવનનાં બે અભિન્ન અંગોરૂપે સ્વીકારવામાં આવ્યાં છે. આ સફળ-જીવનનો મૂલાધાર છે. અનેકાંગ શ્રુત અને શીલના સમન્વયથી જ સંપ્રાપ્ત બને છે. જ્ઞાન અને ક્રિયા તથા વિચાર અને આચાર જ જીવનને પૂર્ણતા તરફ દોરી જનાર રાજમાર્ગ છે.
જે ફૂલમાં સૌંદર્ય અને સુગંધ નથી, એનું મહત્વ નથી. જન-મનમાં એ ગ્રાહ્ય થતું નથી. એ જ રીતે હકીકતમાં એ જ માનવીનું જીવન ધન્ય છે કે જેના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ અને સદાચારની સુરભિ-સુગંધ અભિપ્રેત છે.
શ્રુત એટલે જ્ઞાન અને આ જ્ઞાન જ અંધારામાં પડેલા આત્માને ઓળખવાનો દીવો છે. જ્ઞાન જ આત્માનો મૂળ ગુણ છે અને શીલ સદાચાર વિનાનું માત્ર રૂપ-સૌંદર્યવાળું વ્યક્તિત્વ સડી ગયેલા લાકડા પર સુંદર સનમાઈકા ચોંટાડવા બરાબર છે જે માત્ર પોકળ છે. માટે જ જ્ઞાનીઓએ શ્રુત અને શીલના પવિત્ર અનુબંધને સફળ જીવનનો રાજમાર્ગ તરીકે બતાવ્યો છે.