Get The App

'ચેત, સૂર્યાસ્ત થશે અને કમળની પાંખડીઓ બીડાઈ જશે'

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
'ચેત, સૂર્યાસ્ત થશે અને કમળની પાંખડીઓ બીડાઈ જશે' 1 - image

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

ભ્રમર અનાયાસે ઉપવનની બહાર આવી ગયો અને ઊડતો ઊડતો નજીકની ગટરના કિનારા પર જઈને બેઠો, એટલામાં ગટરની નીચેથી કીડો બહાર આવ્યો ને ભ્રમરની પાસે બેઠો. ભ્રમર તો ધીરેથી ઊડીને ગુંજારવ કરવા લાગ્યો. ભ્રમરગુંજનથી આકર્ષાઈને એ કીડો પણ ભ્રમર સાથે ઊડવા લાગ્યો. થોડું પરિભ્રમણ કરી બન્ને સાથે પાછા ગટરના કિનારે આવીને બેસી ગયા.

બીજે દિવસે ભ્રમરનો ગુંજારવ સાંભળીને કીડો ગટરની પાળી નીચેના નાના ભોંયરામાંથી બહાર આવી જાય છે. થોડા દિવસ આ નિત્યક્રમ ચાલ્યો. જોતજોતામાં ઉપવનનો ભ્રમર અને ગટરનો કીડો એકબીજાના દોસ્ત બની ગયા. દરરોજ એકવાર તો બન્નેને મળવાનું થતું. એક દિવસ કીડાએ ભ્રમરને કહ્યું કે, 'આપણે દોસ્ત તો બની ગયા છીએ પણ મિત્ર, તેં મારું ઘર જોયું નથી, તો આજે તું તું મારે ઘરે ચાલ.' ભ્રમર કહે છે, 'દોસ્ત ના, સામે જ ઉપવનમાં મારું ઘર છે. હું ત્યાં ચાલ્યો જઈશ.' પરંતુ કીડાએ હઠ પકડી. આગ્રહને વશ થઈ ભ્રમર ગટર નીચેના દરમાં કીડાને ઘરે ગયો. બાજુમાં જ ગટરનું ગંદુ પાણી વહી રહ્યુંહતું, સખત દુર્ગંધ આવતી હતી. ભ્રમર કહે, 'તું આવી ભયંકર ગંદી જગ્યામાં કેમ રહી શકે છે ? જો, અહીં કેટલી દુર્ગંધ આવે છે અને આ ભયંકરક કાદવ-કીચડ તું કેમ ખાઈ શકે છે ? તું મારે ત્યાં આવ. તને સુગંધનો દરિયો મળશે ને સ્વાદિષ્ટ મધુર ભોજન મળશે.ળ

કીડો કહે, 'તારી ભૂલ થાય છે. અહીં નું હવામાન તો બહું સારું છે ને અહીં છે એવું મિષ્ટભોજન ક્યાંય મળવાની શક્યતા નથી. અહીંના સુંદર વાતાવરણમાં રહેવાનું ને આવું મિષ્ટાન આરોગવાનું તો જેના ભાગ્યમાં હોય તેને મળે.' ભ્રમર કહે, 'દોસ્ત, તને મારી વાતોથી નહીં સમજાય. સ્વંય તું મારી સાથે મારા ઘરે ચાલ. મારું ઉપવન, તેની ચોતરફ પ્રસરતી સુગંધ અને ભોજનનો સ્વાદ લીધા પછી તને ચોક્કસ લાગશે કે મેં આવું ખાધું નથી, જોયું નથી!' કીડો કહે, 'ના ભાઈ, મારે તારા ઉપવનમાં નથી આવવું. મને અહીં મજા જ મજા છે.' ભ્રમરે બહુ આગ્રહ કર્યો જેથી કીડો જવા તૈયાર થયો, પણ મનમાં વિચારે છે કે, 'ત્યાં ખાવાનું કેવુ હશે ? મને નહીં ભાવે તો હું ભૂખે મરી જઈશ.' માટે એ થોડો કાદવનો ટુકડો મોમાં બન્ને સાઈડ ગલોફામાં નીચે દબાવી દે છે.

ભ્રમર અને કીડો ઉપવનમાં આવે છે. ભ્રમર કીડાને ફૂલ પર બેસાડે છે ને કહે છે કે, 'આમાં જે રસ છે તેને તું ચૂસ, એકદમ મધુર લાગશે. આનો આનંદ કંઈક નિરાળો જ છે જે તેં મદી માણ્યો ન હોય તેવો મિષ્ટ રસ માણવા મળશે!' કીડાએ બે-ત્રણ બુંદ રસ ચૂસ્યો અને પછી કહે કે, આમાં કાંઈ વિશેષતા જણાતી નથી. તું કહે છે તેવી મધુરતા પણ નથી.'

ભ્રમર કહે, 'એવું ન બને, ચાલ...' અને ભ્રમર કીડાને એક મોટા ખીલેલા કમળના ફૂલ પર બેસાડીને કહે છે કે, 'આમાંથી ઘુંટો ભરીને રસ પી.' રસ પીતા પીતા કીડો કહે છે કે, 'આમાં પણ કાંઈ વિશેષ નથી, મારા ઘરના આહાર જેવો જ સ્વાદ છે.' ભ્રમર કહે, 'તારા મોઢામાં કાંઈ પહેલાનું હશે, તેં મોઢું સાફ નથી કર્યું લાગતું, ખોલ મોં, મને બતાવ.' કીડો મોં ખોલે છે. ભ્રમર તેના મોઢાનું કીચડ જુએ છે અને તે કીચડ મોંમાંથી કાઢીને દૂર કરે છે અને કહે છે કે, 'હવે રસ પી.' કીડો રસ પીવે છે અને કહે છે કે, 'બહુ જ સ્વાદિષ્ટ છે!' ભ્રમર કહે, 'રસ પહેલાં પણ સ્વાદિષ્ટ હતો પણ તારા મોંના કીચડના સ્વાદને લીધે તેનો સ્વાદ તું  પામી ન શક્યો.'

કીડાને ફૂલોની પરાગ, મિષ્ટ મધ અને ઉપવનની સુગંધથી મજા પડી ગઈ! તે રોકાઈ ગયો. તે ભ્રમરને કહે, 'દોસ્ત હું હવે ગટરમાં નહીં જાઉં, અહીં તારા ઉપવનમાં જ રહીશ' અને કીડો કમળમાંથી રસનું પાન કરે છે. સાંજ પડવા આવી, ભ્રમર કહે, 'હવે કમળફૂલની બહાર નીકળ. હમણાં સૂર્યાસ્ત થશે અને કમળની પાંખડીઓ બીડાઈ જશે તો તારું મૃત્યુ થશે.' ભ્રમરની ચેતવણીથી તે બહાર આવે છે. બસ, આપણે પણ આવી અજ્ઞાન દશામાં મિથ્યાત્વને કારણે વિષય-કષાયરૂપ ગંદકીને પ્રેમ કરીએ છીએ ને એમાં જ સુખ માનીએ છીએ.

પ્રબુદ્ધ કરુણા કરી સદ્ગુરુ આપણને માર્ગ બતાવીને વિરતીના નંદનવનમાં વિહાર કરવા લઈ જઈ અને સાચી દિશા બતાવે છે.

ભ્રમર જેમ કીડાને ચેતવી દે છે કે, 'હવે બસ કર, સૂર્યાસ્ત થતાં કમળપાંખ બીડાશે ને તું મૃત્યુ પામીશ.' એમ, આપણને પણ અતિરાગદ્વેષ, અમર્યાદિત ભોગ-વિલાસની બહાર નીકળવા સદ્ગુરુ ચેતવે છે, જો ચેતી જઈશું અને સત્પુરુષોએ બતાવેલી જીવનશૈલી અપનાવીશું તો જરૂર કલ્યાણનો માર્ગ મળશે.