6 જુલાઈથી ચાતુર્માસ .
- ધર્મ-જ્ઞાન-વૈરાગ્ય ભક્તિની સિદ્ધિ કરાવતો માસ - ચાતુર્માસ
હિન્દુ ધર્મમાં અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ-એકાદશીના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ ચાતુર્માસ દરમિયાન ગુરૂપૂર્ણિમા, હિંડોળા, જયાપાર્વતી વ્રત, એવરત-જીવરત વ્રત, નાગપાંચમ, શીતળા સાતમ, જન્માષ્ટમી, પવિત્રા એકાદશી, રક્ષાબંધન, ગણેશચતુર્થી, જળઝીલણી એકાદશી, દશેરા, શ્રાદ્ધપર્વ, નવરાત્રી, ભાદરવી અમાસ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની જ્યંતી, શરદપૂર્ણિમા, દિવાળી, નૂતનવર્ષ, લાભપાંચમ આદિ અનેક ધાર્મિક તહેવારો-ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. મંદિરો આ ચાર મહિના સુધી ધ્યાન-ભજન-કથા-કીર્તનથી ગુંજે ઉઠે છે. સૌ ભાવિક ભક્તો-ભક્તિના સાગરમાં રસતરબોળ બને છે. વર્ષ દરમિયાન કુલ ચોવીસ એકાદશી આવે છે. જેમાં ચાતુર્માસમાં આવતી નવ એકાદશીનું સવિશેષ મહત્ત્વ હોય છે અને તેમાં પણ ત્રણ એકાદશીનું સૌથી મહત્ત્વ વધારે હોય છે. અષાઢ સુદ એકાદશીએ ભગવાન શયન કરે છે એટલે કે, પોઢી જાય છે તેથી આ એકાદશીનું નામ દેવપોઢી એકાદશી પાડવામાં આવ્યું. ભાદરવા સુદ એકાદશી આવે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે તેથી તેને પાર્શ્વવર્તીની એકાદશી કહેવામાં આવે છે. અને કારતક સુદ એકાદશી એ ભગવાન જાગે છે તેથી તેને દેવઉઠી એકાદશી કહેવામાં આવે છે. આ સર્વે એકાદશીએ નકોરડો ઉપવાસ કરવો જોઈએ તેવું શાસ્ત્રોમાં નિરૂપણ છે. પરંતુ જે આ ચોવીશ એકાદશીઓના દિવસે નકોરડો ઉપવાસ ના કરી શકતા હોય તેમણે ચાતુર્માસમાં આવતી નવ એકાદશીના ઉપવાસ અવશ્ય કરવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. આ ચાતુર્માસ દરમિયાન ધ્યાન, ભજન કીર્તન કરીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ ચાર સાધનને સિદ્ધ કરવા એ તે તેની ફલશ્રુતિ છે.
ધર્મ : ભગવાનની મૂર્તિને આત્માને વિષે અખંડ ધારી રહેવું તે આત્માનો ધર્મ છે અને સ્થૂળ સૂક્ષ્મ દેહે કરીને સર્વે નિયમ પાળવા એ દેહનો ધર્મ છે.
જ્ઞાન : ભગવાનને સર્વથી પર સદા મૂર્તિમાન જાણીને, બ્રહ્મરૂપ એવો જે પોતાનો આત્મા તેને વિષે ભગવાનને જોવા તેને જ્ઞાન કહેવાય.
વૈરાગ્ય : ભગવાન વિના બીજે ક્યાંય પ્રીતિ ન રહે તે વૈરાગ્ય કહેવાય.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ