Get The App

સુદામા દરિદ્ર હોવાનું કારણ .

Updated: Aug 31st, 2022

GS TEAM

Google News
Google News
સુદામા દરિદ્ર હોવાનું કારણ                    . 1 - image

- સુદામાના ત્યાગનો, ઉપકારનો, પ્રેમનો બદલો ચુકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો. પરમ જ્ઞાાની વિદ્વાન વિપ્ર મિત્રના પ્રેમ માટે તરસતો રહ્યો, તે કરૂણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો

સુ દામાના સંબંધમાં એક મોટી શંકા થાય તેવું તેમનું ચરિત્ર લખાયેલું/ કથાકારો દ્વારા વાંચવા/ સાંભળવા મળે છે... કે સુદામા એક વિદ્વાન બ્રાહ્મણ હતાં. પોતાના બાલ સખા કૃષ્ણથી છુપાવીને ચણા કેવી રીતે ખાઈ શકે ? આજ ભાગવત પર ચર્ચા કરતાં એક વ્યાખાનકારે આ શંકાનું નિરાકરણ કર્યું જે દરેકે સમજવું જરૂરી છે. જેથી સુદામાના દરિદ્રયતાની સાચી સમજ આવે. ફેલાયેલી ભ્રાંતિ દૂર થાય. સુદામાની દરિદ્રતા અને ચોરી પાછળ એક બહું જ મોટી રોચક અને ત્યાગ-પૂર્ણ કથા છે.

એક અત્યંત ગરીબ નિર્ધન ઘરડી ડોશી ભિક્ષા માંગી જીવન નિર્વાહ કરતી હતી. એક સમય એવો આવ્યો કે, તેને પાંચ દિવસ ભિક્ષા ન મળી તે રોજ પાણી પીને ભગવાનનું નામ લઈ સૂઈ જતી. છઠ્ઠા દિવસે તેને ભિક્ષામાં બે મુઠી ચણા મલ્યા. પોતાની ઝુંપડી પહોંચતા પહોંચતા રાત થઈ ગઈ. ડોશીએ વિચાર કર્યો કે, આ ચણા અત્યારે નહિ, સવારે ઠાકોરજીને ભોગ લગાવીને ખઈશ. આવો વિચાર કરી ચણા કપડા બાંધી રાખી દીધા અને વાસુદેવનું નામ જપતાં જપતાં સૂઈ ગઈ. ડોશીના સૂતા પછી એક ચોર ચોરી કરવા માટે તેની ઝુંપડીમાં આવ્યો. ચોરે ચણાની પોટલી જોઈ સમજ્યો કે આમાં સોનાના સિક્કા બાંધ્યા છે અત: તેને ઉપાડી લીધી. ચોરનો પગરવ સાંભળી ડોશી જાગી ગઈ અને બૂમો પાડવા લાગી. બૂમો સાંભળી આજુબાજુના લોકો એકઠાં થઈ ગયા. બધા ચોરને પકડવા દોડયા. ચણાની પોટલી લઈ ભાગેલા ચોરે પકડાઈ જવાના ભયથી તે સાંદીપન મુનિના આશ્રમમાં છુપાઈ ગયો. આ સાંદીપન મુનિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામા શિક્ષણ ગ્રહણ કરી રહ્યા હતા. ચોરનો પગરવ સાંભળીને ગુરૂમાતાને લાગ્યું કે કોઈ આશ્રમમાં આવ્યું છે. ગુરૂમાતાએ પોકાર કર્યો કોણ છે ? ગુરૂમાતાએ પોતાની તરફ આવતા જોઈ ચોર ચણાની પોટલી ત્યાંજ છોડીને ભાગી ગયો. આ બાજુ ભૂખથી વ્યાકુળ ડોશીએ જાણ્યું કે ચણાની પોટલી ચોર ઉઠાવી ભાગી ગયો છે. તો તેણે શ્રાપ આપ્યો. "મૂજ દીનહીન અસહાયના ચણા જે કોઈ ખાશે તે દરિદ્ર થઈ જશે." આ બાજુ આશ્રમમાં ઝાડૂ લગાવતાં સમયે ગુરૂમાતાને તે ચણાની પોટલી મળી. ગુરૂમાતાએ પોટલી ખોલીને જોયું તો તેમાં ચણા હતા. તે સમયે સુદામા અને શ્રીકૃષ્ણ જંગલમાં લાકડા વિણવા જઈ રહ્યા હતા. ગુરૂમાતાએ તે ચણાની પોટલી સુદામાને દેતાં કહ્યું. બેટા ! જ્યારે ભૂખ લાગે તો તમે બન્ને આ ચણા ખાજો. સુદામા તો જન્મજાત બ્રહ્મજ્ઞાાની હતા. તેમણે જેવી ચણાની પોટલી હાથમાં લીધી. બધું જ રહસ્ય જાણી ગયા. સુદામાએ વિચાર કર્યો ગુરૂમાતાએ કહ્યું છે કે, આ ચણા બન્ને બરાબર વહેંચીને ખાજો પણ આ ચણા તો શ્રાપિત છે. જો હું ચણા ત્રિભુવનપતિ શ્રીકૃષ્ણને ખાવા આપીશ તો મારા પ્રભુની સાથે સાથે ત્રણે લોક દરિદ્ર થઈ જશે. નહિ-નહિ હું આવું હરગિઝ નહી થવા દઉં. મારા જીવિત રહેતાં "પ્રભુ" દરિદ્ર થાય ! એવંજ હું કદાપિ નહિ કરું ! હું આ ચણા ખાઈ જઈશ પણ કૃષ્ણને નહિ ખાવા દઉં ! અને સુદામાએ કૃષ્ણથી છુપાવીને બધા ચણા ખાઈ લીધા. અભિશ્રાપિત ચણા ખાઈને સુદામાએ દરિદ્રતા વ્હોરી લીધી પણ પોતાના સખા શ્રીકૃષ્ણને બચાવી લીધા. અદ્વિતીય ત્યાગનું ઉદાહરણ. પ્રસ્તુત કરવા વાહલા સુદામાએ ચોરી-છુપી ચણા ખાવાનો અપયશ પમ સહન કર્યો. તો બહું અન્યાયી ગેરસમજણ દેતી કથાની ખરી હકિકત સમજાવતાં ગહન શંકાનું નિવારણ થયું.

હવે ખબર પડી કે કૃષ્ણને પટરાણીઓ કરતાંય રાજ પાટ કરતાંય સુદામો જ કેમ વ્હાલો હતો ? એ કાનો કાનુડો તો હતો જ પણ એ યુગપુરુષ પણ હતો. સુદામાના ત્યાગનો, ઉપકારનો, પ્રેમનો બદલો ચુકવવા એ ત્રણ ભુવનનો નાથ પણ અસમર્થ હતો. પરમ જ્ઞાાની વિદ્વાન વિપ્ર મિત્રના પ્રેમ માટે તરસતો રહ્યો, તે કરૂણ રહી ધીરજ ધરી મિત્ર વિરહને આજીવન સહેતો રહ્યો. ઉઘાડા પગે દોડ મુકી એ દ્વારિકાના ધણીએ એને છાતી સરસો ચાંપવા માટે તો પટરાણીઓ સામે એ મેલા ઘેલા કપડામાં દરિદ્ર થયેલ સુદામાના પગ ધોયા લૂછયા ચરણામૃત ગ્રહણ કર્યું એ જગતના નાથ એ વિરાટ સ્વરૂપે તાંદુલ ચાવીને દરિદ્રતા ટાળવા સંકલ્પબદ્ધ થયા એ સખા કેશવ એ મિત્ર માધવ. મિત્રતાની વ્યાખ્યા આપવામાં સુદામા કૃષ્ણએ બધા માપને, પરિમાણને પણ વામણા બનાવી દીધા.