''સદ્ગુરુની કૃપાથી લોક પરલોક બન્ને સુધરે'' .
ભગવાન અને સદ્ગુરુની કૃપા દૃષ્ટિથી આધ્યાત્મિક માર્ગે જીવનું કલ્યાણ થાય છે. આત્મીય ભાવથી હરિ સ્મરણ એજ ઉત્તમ માર્ગ છે. ભક્તિની શક્તિથી સકારાત્મક વિચારો સત્કર્મો કરવા માટે પ્રેરણારૂપ બને છે. નિયમ-ધર્મની આજ્ઞામાં રહીને પ્રભુને ભજવાથી નીત્ય પૂજા પાઠ કરવાથી સંસારીક જીવનમાં પણ બદલાવ આવે છે. પ્રભુની કૃપાથી જે માંગ્યું નથી એ પણ મળ્યું છે. બીજાને જીવાડવા જીવી લઇએ જીંદગી. પોતાના માટે બધા જીવે છે પરંતુ બીજાને માટે કંઇક કરવું એજ માનવ સેવા છે. મનુષ્ય જ્યારે નિઃસ્વાર્થ ભાવે કોઇ કાર્ય કરે છે ત્યારે એનું કાર્ય સેવા, સમર્પણ ભાવ સાથે એનો આત્મવિશ્વાસ દૃઢ થાય છે. સકારાત્મક વિચારો, વાણી અને વર્તન દ્વારા વ્યક્તિનો વ્યવહાર દીપી ઉઠે છે. સંસારમાં રહીને પણ માનવ સેવા એજ પ્રભુ સેવા છે. માનવધર્મ નિભાવી જાણે એનું જીવન આધ્યાત્મિક માર્ગે પ્રભુભક્તિ, ગુરુભક્તિ, સત્સંગ હરિસ્મરણ કર્યા બરાબર છે. ભગવાન અને ગુરુની કૃપાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. મનુષ્યનાં જીવનમાં જેવો સંગ એવો રંગ લાગ્યા વિના રહેતો નથી.
મનુષ્યના જીવનમાં જ્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તી થાય છે ત્યારે અનીતિ, અંધશ્રદ્ધા, અનિષ્ટ તત્વો જરાયે સ્પર્શતા નથી. મનુષ્યનો વ્યવહાર પણ દીપી ઉઠે છે જ્યારે સાચા સદ્ગુરુ મળે છે ત્યારે મનુષ્યનાં જીવનમાં અંધકાર દૂર થાય છે. સદ્ગુરુ જ્ઞાનનો પ્રકાશ પાથરીને નવી દિશા વ્યક્તિનું જીવન બદલી નાખે છે. આ જીવને જગદીશ સાથે અંતરનાં તાર જોડાઈ જાય છે પછી હૃદય મંદિરનાં દ્વાર ખુલી જાય છે. મનુષ્યનાં જીવનમાં સદ્ગુરુની કૃપાદૃષ્ટિથી જીવનું કલ્યાણ થાય છે. સમગ્ર સૃષ્ટિ સુંદર લાગે છે. જીવનાં કલ્યાણ અર્થે ભગવાને પણ મનુષ્યાવતાર ધારણ કરવો પડયો છે. શ્રીકૃષ્ણ ભગવાને સાંદીપનિઋષિ અને શ્રીરામચન્દ્રજીએ વિશ્વામિત્રી અને વશિષ્ટ ઋષિને ગુરુ કર્યા હતા. સહજાનંદ સ્વામીએ રામાનંદ સ્વામીને ગુરુ કર્યા હતા.ભગવાને પણ ગુરુની આવશ્યક્તા રહી હતી આપણે તો સંસારીક સામાન્ય માનવી રહ્યા. જીવનમાં સાચા સદ્ગુરુ મળવાથી આપણું જીવન દિવ્ય બને. આપણા જીવન પથને જ્ઞાનનાં પ્રકાશથી અજવાળું કરી આપે છે. અષાઢસુદ પૂનમના દિવસે ગુરુનું પૂજન કરી એમના ચરણો વંદન કરીને આશીર્વાદ પ્રાપ્ત કરીએ. પ્રભુએ જે આપ્યું છે એમાં સંતોષ રાખીને સંપ સેવા સમર્પણ ભાવ સાથે કાર્ય કરતા રહીશું.
સાચા સદ્ગુરુ મળવાથી જ જીવનું કલ્યાણ થાય છે. ગુરુત્વમાં જ દેવત્વ સમાયેલું છે. ધર્મ-ભક્તિ અને સત્સંગને સાચા અર્થમાં જીવનમાં ઉતારીને આચરણ મૂકીશું. તેમજ પ્રભુની કૃપા અને ગુરુના આશીર્વાદથી સદ્ગુણોનાં સંસ્કારથી આ જીવન સફરનો આનંદ ભક્તિભાવથી પ્રભુને ગમતું જીવન જીવીશું. માનવ સેવા એજ પ્રભુ સેવામાં મન જોડાયેલું રહેવાથી પ્રભુનો રાજીપો રહે છે. સદ્ગુરુની કૃપાથી લોક પરલોક બન્ને સુધરે છે. સંસારિક જીવનમાં પ્રભુની કૃપા અને ગુરુના આશીર્વાદથી જીવનમાં આત્મીય આનંદની અનુભૂતિ જરૂર થાય છે. મનુષ્યનાં જીવનમાં સુખ-શાંતિ અને આનંદ રહે છે.
- કિરણભાઈ આર. પંચાલ