શ્રીમદ્ દેવી ભાગવતના પ્રથમ સ્કંધના સાતમાં અધ્યાયમાં બ્રહ્માજીએ માતા જગદંબાની સ્તુતિ કરી છે. મધુ કૈટભ ના ભયથી બ્રહ્માજી ભયભીત થયાં તે સમયે બ્રહ્માજી ભગવાન વિષ્ણુના શરણે ગયાં. વિષ્ણુ ભગવાન એ યોગનિંદ્રાને આધિન હતાં. બ્રહ્માજીનો એક શબ્દ પણ સાંભળતાં નહોતાં. ત્યારે બ્રહ્માજીએ યોગનિંદ્રા સ્વરૂપ માતા જગદંબાની સ્તુતિ કરી જે શ્રીમદ્ દેવી ભાગવતના પ્રથમ સ્કંધના સાતમા અધ્યાયમાં પણ છે અને માર્કંડેય પુરાણમાં વર્ણિત દૂર્ગા સપ્તસતિના પ્રથમ અધ્યાયમાં પણ રાત્રિ સૂક્તના નામથી આ સ્તુતિ પ્રસિદ્ધ છે.
બ્રહ્માજી બોલ્યાં - હે દેવી ! હું જાણી ગયો છું કે, તમે ખરેખર આ જગતના કારણસ્વરૂપ છો. સંપૂર્ણ વેદ-વચન આનું સમર્થન કરે છે. આ જ કારણ છે કે ચરાચર જગતને જ્ઞાાન આપનાર પરમપુરુષ ભગવાન વિષ્ણુ આજે ગાઢ નિંદ્રામાં તલ્લીન છે. હે માતા ! તમે બધા પ્રાણીઓના અંત:કરણમાં નિવાસ કરો છો. હે ભવાની ! તમે સગુણરૂપે અનેક લીલાઓ કરો છો. તમારા આ કાર્ય-સામર્થ્યને કોઈ જાણી શકતું નથી. મુનિઓ 'સંધ્યા' નામથી તમારા ગુણોની કલ્પના કરીને સવારે, બપોરે અને સાંજે એમ ત્રણે કાળમાં નિશ્ચિતરૂપે તમારા ધ્યાનમાં લાગેલા રહે છે. હે માતા ! પ્રાણીઓને સત્-અસતનું જ્ઞાાન કરાવનાર તમે જ છો. હે દેવી ! દેવો જેનાથી નિરંતર સુખનો અનુભવ કરે છે તે 'શ્રી' આપનું જ સ્વરૂપ છે. સમસ્ત જગતમાં તમે કીર્તિ, ધૃતિ, કાન્તિ, મતિ, રતિ અને શ્રદ્ધારૂપે બિરાજો છો. તમે સમસ્ત જગતની માતા છો. હે દેવી ! વેદજ્ઞા પુરુષ પણ આપને જાણવા અસમર્થ છે. વેદો પણ આપના સમસ્ત વ્યવહારને જાણી શકતા નથી કારણ કે વેદોની ઉત્પત્તિ પણ આપનાથી જ થયેલી છે. આપનાથી ઉત્પન્ન થયેલું આ સમસ્ત જગત જ આનું પ્રત્યક્ષ પ્રમાણ છે. હે દેવી ! યજ્ઞામાં હવન કરતી વખતે પણ વેદજ્ઞા પુરુષો તમારું 'સ્વાહા' નામનું ઉચ્ચારણ કરે છે અને તે થકી જ દેવતાઓને યજ્ઞાભાગ પ્રાપ્ત થાય છે તેથી દેવતાઓને પોષણ આપનાર પણ આપ જ છો.
હે દેવી ! તમે પહેલાં પણ અમારી રક્ષા કરી છે તે જ રીતે હવે આ દેવોના શત્રુ કૈટભના ભય અને અત્યાચારથી અમારી રક્ષા કરો. હે વરદાયિની દેવી ! હું અત્યંત ભયંકર મધુ અને કૈટભને જોઈને ભયભીત થઈ તમારી શરણમાં આવ્યો છું. હે માતા ! આ દાનવરાજ મધુ અને કૈટભનો તમે સંહાર કરો. હે દેવી ! તમે સમસ્ત જગતની માતા છો. જે વ્યક્તિ તમારી શરણમાં આવીને આપની ઉત્તમ ભક્તિ કરે છે તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરવા તમે સમર્થ છો. હે ભગવતી ! ધી, કાન્તિ, કીર્તિ વગેરે મંગળકારી વૃત્તિઓ તમારા ગુણ છે. તમે જ ભગવતી શક્તિ છો. સમસ્ત ચરાચર જગત તમારામાંથી ઉત્પન્ન થયેલું છે અને જગત આખામાં તમારો પ્રભાવ વ્યાપ્ત છે.
હે માતા ! તમે જ યુગના પ્રારંભમાં ભગવાન વિષ્ણુને જગતનું પોષણ કરવા ઉત્તમ શક્તિ પ્રદાન કરી છે અને તેઓ આજે આપની માયાથી જ નિંદ્રાધીન થયાં છે. હે દેવી ! હું પણ આપના થકી જ ઉત્પન્ન થયેલો છું અને આજે મારું અસ્તિત્ત્વ જોખમાયું છે. હે વિઘ્નેશ્વરી ! આ દાનવો કાળસ્વરૂપ છે અને તેમનાથી આપ જ મારા અસ્તિત્ત્વની રક્ષા કરવા સમર્થ છો. હે જગતજનની ! આપ મારી પર કૃપા કરો અને આ દાનવોનો સંહાર કરી મારી રક્ષા કરો.
આમ, બ્રહ્માજીએ જ્યારે આ પ્રમાણેની ભગવતીની સ્તુતિ કરી ત્યારે માતાએ પ્રસન્ન થઈને દાનવોનો સંહાર કરીને બ્રહ્માજીની રક્ષા કરી. તો આવો આપણે પણ બ્રહ્માજીની આ સ્તુતિને હૃદયસ્થ કરીએ અને માતાની અસિમ કૃપાને પાત્ર બનીએ.
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


