- હરિબાવાએ આંમલીનું દાતણ કરીને તેની ચીરી જમીનમાં રોપી દીધી. તે ચીરીમાંથી આંમલીનું ઝાડ થયું. દેવળબાએ પણ એક ચીરી રોપી તેમાંથી આમલીનું ઝાડ થોડું વાંકુ થયું
ભારતીય સંસ્કૃતિ ધાર્મિકતા, માનવતા, શ્રધ્ધા, વિશ્વાસ, આસ્થા અને ભાવના જેવા અમૂલ્ય આધાર સ્થંભો પર આલિશાન ઈમારત સ્વરૂપે અડીખમ ઉભી છે. એક સમય એવો હતો જ્યારે ગુરૂ આદેશ, ગુરૂ વચન, ગુરૂમંત્ર, ગુરૂવાણી અને ગુરૂદીક્ષાને પ્રથમ સ્થાન મળતું હતું. સમયાંતરે આજે આ સ્થાન વત્તું ઓછું છે. પણ લુપ્ત થયું નથી. ગુરૂ પરંપરા યથાવત છે.
'ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂબિન મિટે ન ભેદ
ગુરૂ બિન સંસય ન મિટે, ચાહે વાંચો ચારે વેદલ્લ
ગુરૂ વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના રિધ્ધિ સિધ્ધિ નથી, સિધ્ધિ વિના પ્રગતિ નથી, પ્રગતિ વિના સફળતા નથી, જીવનની સાર્થકતા નથી.
આશરે પાંચસો વર્ષ પહેલાં હરિબાવા ગોસાઈ, દેવળબા અને શિષ્ય પિતાંબરદાસ નર્મદા પરિક્રમા કરતા હતા. નર્મદા કિનારે ફરતા ફરતા ભરૂચ તાલુકાના મહેગામ ગામે આવી ગયા. આ જગ્યા યોગ્ય લાગી. બાવાએ ગામના પાદરે નાની ઝૂંપડી બનાવી જેને મઠ કહેવાય છે. આજે આ સ્થળનું નામ મઠ મહેગામ છે. દર વર્ષે શિવરાત્રીના બીજા દિવસે આ સ્થળે મેળો ભરાય છે. બે દિવસ સુધી આ મેળામાં અસંખ્ય માનવીઓ ગુરૂ શિષ્યની સમાધિના દર્શન કરે છે અને શિષ્યના મહિમાને યાદ કરે છે.
હરિબાવા અને દેવળબા આમલીનું દાતણ કરતા હતા. શિષ્ય પિતાંબરદાસ દાતણ લઈ આવ્યા. હરિબાવાએ દાતણ કરતી વખતે મોઢામાંથી જે થુંક અને મેલું પ્રવાહી નીકળતું હતું તે એક થાળીમાં ભેગું કર્યું અને પિતાંબરને કહ્યું કે આ થાળીમાનું મેલું પ્રવાહી કીડી મકોડી ખાઈ ન શકે તથા પવિત્ર અને કુંવારી જગ્યાએ દાટી આવજે કે જ્યાં કોઈનું પગલું પણ ન પડયું હોય.
શિષ્ય પિતાંબર ગુરૂના આદેશ પ્રમાણે જગ્યા શોધવા લાગ્યા. ફરી ફરીને થાકી ગયા પણ કુંવારી અને પવિત્ર જગ્યા ન મળી. છેવટે તેણે વિચાર્યું કે આ મેલું પ્રવાહી હું પી જાઉં, મારું શરીર પવિત્ર છે. હું કુંવારો છું. શિષ્ય તેને પી ગયો. આ પ્રમાણે દરરોજ નિયમ ચાલુ રહ્યો. એકાદ વર્ષ પછી હરિબાવાએ પૂછયું કે બેટા તું કઈ જગ્યાએ આ મેલુ પ્રવાહી દાટી આવે છે... એટલે શિષ્યે કહ્યું કે ગુરૂજી આ ધરતી પર કોઈ જગ્યા પવિત્ર અને કુંવારી નથી એટલે એ થાળી ભરેલું પ્રવાહી હું પી જતો હતો. કારણ કે હું પવિત્ર અને કુંવારો છું. આ સાંભળી હરિબાવા અને દેવળબા ગદગદિત થઈ ગયાં. તેમણે શિષ્યને જણાવ્યું કે હવે અમે બંને સમાધિ લઈશું પછી તું સમાધિ લેજે. પ્રથમ તારી પૂજા થશે પછી અમારી પૂજા થશે. સમાધિ લેતા પહેલાં હરિબાવાએ આંમલીનું દાતણ કરીને તેની ચીરી જમીનમાં રોપી દીધી તે ચીરીમાંથી આંમલીનું ઝાડ થયું. દેવળબાએ પણ એક ચીરી રોપી તેમાંથી આમલીનું ઝાડ થોડું વાંકુ થયું. આજે પણ આંબલો અને આંબલીનાં ઝાડ સાક્ષી છે. ગુરૂ આદેશ મુજબ હવે પિતાંબરે સમાધિ લીધી. તેણે સમાધિ લેતા પહેલાં એક વૃક્ષની ડાળી જમીનમાં રોપી તે ઝાડ આજે વિશાળ વૃક્ષ બની ગયું છે. આ ત્રણ વૃક્ષો અને સમાધિ ગુરૂ શિષ્યના મહિમાને સમજાવે છે. આપણને શ્રધ્ધાના તાંતણે બાંધે છે.


