Get The App

ભીમ અને હિડિમ્બા પ્રેમ અને પરિવર્તનની કથા

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
ભીમ અને હિડિમ્બા પ્રેમ અને પરિવર્તનની કથા 1 - image

લાક્ષાગૃહમાંથી બચીને નીકળેલા પાંચ પાંડવો અને માતા કુંતી એક ગાઢ વનમાં પહોંચે છે. થાકેલા, ભૂખ્યા અને ભયભીત અવસ્થામાં તેઓ વનમાં વિશ્રામ કરે છે. ચારેય ભાઈઓ અને કુંતી નિદ્રાધીન થઈ જાય છે. જ્યારે ભીમ જાગતા રહીને પહેરો ભરે છે. તે જ વનમાં હિડિમ્બ નામનો એક રાક્ષસ રહેતો હતો - વિશાળકાય, ક્રૂર અને માંસાહારી. તેણે મનુષ્યની ગંધ પારખી અને પોતાની બહેન હિડિમ્બાને મોકલી કે જા, આ મનુષ્યોને મારીને લઈ આવ.

હિડિમ્બા વનમાંથી બહાર આવી. પરંતુ ભીમને જોતા જ કંઈક અદ્ભુત ઘટયું. તે વિશાળ, તેજસ્વી અને ગૌરવર્ણ યુવાન ભીમ તેના હૃદયમાં વસી ગયો. હિડિમ્બાએ પોતાનું રાક્ષસી રૂપ ત્યાગ્યું અને એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. તે ભીમ પાસે આવી અને પોતાના મનની વાત કહી, 'હું તને પ્રેમ કરું છું. તું મારી સાથે વિવાહ કર.' ભીમે સ્પષ્ટ ના પાડી. 'હું એક રાક્ષસી સાથે લગ્ન ન કરી શકું.' એટલામાં હિડિમ્બ ક્રોધિત થઈ ત્યાં આવી પહોંચ્યો. તેણે હિડિમ્બાને ધિક્કારી અને ભીમ પર આક્રમણ કર્યું. ભીમ અને હિડિમ્બ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. અંતે ભીમે હિડિમ્બનો વધ કર્યો.

ત્યારબાદ માતા કુંતી અને યુધિષ્ઠિર જાગી ગયા. હિડિમ્બાએ કુંતીના ચરણ પકડયા અને વિનંતી કરી. ત્યારે માતા કુંતી અને યુધિષ્ઠિરે આ વિવાહની અનુમતિ આપી, પણ એક શરતે કે હિડિમ્બા દિવસ દરમિયાન ભીમની સાથે રહેશે અને રાત પડતા જ ભીમ પોતાના ભાઈઓ પાસે પાછા આવી જશે. આ લગ્નથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ ઘટોત્કચ રાખવામાં આવ્યું. તે મહાભારતના યુદ્ધમાં પાંડવોનો મહત્વનો યોદ્ધા બન્યો.

એક રાક્ષસીમાં જાગ્યો માનવીય પ્રેમ

આ કથાનો સૌથી ઊંડો સંદેશ એ છે કે પ્રેમ કોઈ પરિચય, વંશ કે પ્રજાતિનો મોહતાજ નથી હોતો. હિડિમ્બા રાક્ષસ કુળની હતી અને ભીમ ક્ષત્રિય કુળના. બંને વચ્ચે ન તો ભાષાની સમાનતા હતી, ન સંસ્કારોની કે ન સામાજિક સ્તરની. તેમ છતાં હિડિમ્બાનું હૃદય ભીમ તરફ આકર્ષાયું. આ પ્રેમની એ શક્તિ છે જે બુદ્ધિથી નહીં, પણ આત્માથી ઉત્પન્ન થાય છે.

મહાભારત અહીં એક સાહસિક દાર્શનિક પ્રશ્ન પૂછે છે કે : શું મનુષ્યતા માત્ર મનુષ્યો પૂરતી સીમિત છે ? હિડિમ્બાનો પ્રેમ, તેનું સમર્પણ, માતા કુંતી પ્રત્યેની તેની નમ્રતા - આ બધું દર્શાવે છે કે સદ્ગુણો કોઈ જ્ઞાાતિ કે પ્રજાતિની જાગીર નથી.

બે ધારાઓના મિલન પર સમાજની નજર

આજના સમાજમાં ભીમ-હિડિમ્બાની કથા અસાધારણ રીતે પ્રાસંગિક છે. આજે પણ જ્યારે બે ભિન્ન જ્ઞાાતિ, પ્રદેશ કે સંસ્કૃતિના યુવાનો પ્રેમ કરે છે, ત્યારે સમાજ હિડિમ્બની જેમ આક્રમક બની જાય છે. જે સમાજ મહાભારતને આદર્શ માને છે, તે ભૂલી જાય છે કે તે જ ગ્રંથમાં એક રાક્ષસીના પ્રેમને સન્માન મળ્યું હતું.

હિડિમ્બાની કથા એ પણ જણાવે છે કે સ્ત્રીનું પ્રેમમાં પહેલ કરવું એ કોઈ નિષેધ નથી. તેણે નિર્ભયતા અને સન્માન સાથે ભીમ સાથે પોતાના મનની વાત મૂકી હતી. ઘટોત્કચનો જન્મ એ સંદેશ આપે છે કે વિવિધતામાંથી જન્મેલુ સંતાન સમાજનું રક્ષણ કરે છે, તેને નબળો પાડતી નથી.

પ્રેમ રાક્ષસને મનુષ્ય બનાવે, ત્યારે જ યોગ્ય

યાદ રહે કે પ્રેમનો પ્રસ્તાવ એક રાક્ષસીએ આપ્યો હતો, ક્ષત્રિયે નહીં. સંદેશ સ્પષ્ટ છે-જો કોઈ હિડિમ્બાનું હૃદય પરિવર્તન થાય અથવા તે પોતાના રાક્ષસ કુળને ત્યાગીને સન્માનિત જીવન જીવવા માંગતી હોય, તો દરેક ભીમે તેને સાથ આપવો જોઈએ. મૂળ સંદેશ એ છે કે રાક્ષસ અને મનુષ્યના મિલનમાં મનુષ્ય ક્યાંક રાક્ષસ ન બની જાય, પણ રાક્ષસે મનુષ્ય બનવું પડે, તો જ પ્રેમકથા આગળ વધવી જોઈએ.

નિષ્કર્ષ :

ભીમ અને હિડિમ્બાની આ કથા સાબિત કરે છે કે મહાભારત માત્ર યુદ્ધની ગાથા નથી, પરંતુ માનવીય સંબંધોની ગહન તપાસ છે. પ્રેમ જ્ઞાાતિ, પ્રજાતિ, વર્ણ કે કુળ જોતો નથી. પ્રેમની આ જ સનાતન વ્યાખ્યા છે અને મહાભારત તેનું સાક્ષી છે.