Get The App

"ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું"

Updated: Feb 22nd, 2023

GS TEAM

Google News
Google News
"ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું" 1 - image


- જીવાત્મા એક યાત્રિક છે અને ભગવાનના ધામમાં જવા નીકળ્યો છે પણ ભગવાનનું ધામ ઘણું છેટું છે. માટે ભગવાન ભજી લેવા.

આ દુનિયાના મોટાભાગના માણસોને સુખ શાંતિ જોઈએ છીએ. સુખ શાંતિ ભગવાન પાસેથી આપણને મળશે એવું પણ સૌ જાણે છે. છતાં પણ ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનનું ભજન કરનારા કેટલા ? ભગવાન ભજવા માટે સમય કાઢવો એ સહુને કઠણ પડે છે. ભગવાનની નજીક જવા માટેના દાખડા કરવાને બદલે માણસ મનોરંજનમાં અને ઊંઘમાં સમય વેડફી નાંખે છે. પરંતુ ગાફલાઈ જે રાખે તેનાથી ભક્તિ થઈ શકતી નથી. આપણે ચેતી જવું જોઈએ.

સદ્ગુરૂ શ્રી ગુણાતીતનંદ સ્વામી કહે છે કે વ્હેલા ઉઠીને ભજન કરશે ત્યારે જીવનો મોક્ષ થશે. અલ્પ આયુષ્ય, ટૂંકી બુદ્ધિ ને અનંત વિકલ્પો. એમાં પોતાનું કલ્યાણ સાધી લેવું હોય તો ગાફલાઈ ન ચાલે, ખબરદાર થઈને ભગવાન ભજી લે તો જ કલ્યાણ થાય.

એકવાર તીર્થયાત્રા દરમિયાન એક ઠેકાણે ધર્મશાળામાં વ્હેલી સવારે ચોકીદારે પોકાર કર્યો કે, "છેટે જાવું હોય તો વ્હેલાં જાગજો."

જો બારીકીથી આ શબ્દોનો અર્થ સમજીએ તો, જીવાત્મા એક યાત્રિક છે અને ભગવાનના ધામમાં જવા નીકળ્યો છે પણ ભગવાનનું ધામ ઘણું છેટું છે. માટે ભગવાન ભજી લેવા.

કરજીસણ ગામમાં અગરોજી ને અમરોજી એમ બન્ને ભાઈઓ રહે. તેમની ઉપર જ્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પત્ર આવ્યો કે, તમને સાધુ કરવા છે. તો બંનેએ ઈચ્છા દર્શાવી. પછી તેમના માતુશ્રીની પરવાનગીથી બંને ભાઈ સાધુ થવા તરત નીકળી ગયા. કારણ કે જ્યારે ભગવાન ભજવાનો વેગ લાગે ત્યારે ગુણવાન દીકરો, ગુણવાન સ્ત્રી, સારું ઘર... આ બધું મુકવું ન પડે, આપ મેળે જ મુકાઈ જાય. કારણ કે એમણે જીવનમાં નક્કી કરી લીધું હતું કે, ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું.

પોથલપુરના હરજી ઠક્કરને ભગવાન ભજવાનો વેગ લાગ્યો ત્યારે એ જમાનામાં એક લાખની ઉઘરાણી પડતી મુકીને ગઢપુર શ્રીજીમહારાજનાં દર્શને આવ્યા હતા.

શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે મનુષ્યરૂપે દર્શન આપતા હતા ત્યારે કેટલાય સંતો રાત્રે મોડે સુધી પણ દર્શન-સેવા-સમાગમ કરવા તેમની સમીપે જ બેસી રહેતા હતા... એવા ખપવાળા હતા.

અને કેટલાકને એવું લાગતું કે, સમય ક્યાં વયો જાવાનો છે,

આપણે શું વિચારીએ છીએ? 

ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું તે સમય ક્યાં વયો જાવાનો છે... પરંતુ જેમને ભગવાન ભજી લેવાનો ખપ હોય તેમનું ઊંઘ કંઈ ન બગાડી શકે. જૂના સંતોમાંથી એક સંત રાત્રે કથા-વાર્તા-નિયમ પતાવ્યા પછી કોથળાની વચ્ચે સુકા દાતણ અને કાંકરા ભરી પથારી કરતા... ત્યારે તેમને એક હરિભક્તે કારણ પૂછતાં, તેમણે જણાવ્યું કે... રાત્રે પડખું ફરતા આ દેહને થોડું લાગે તો ઊંઘ ઊડી જાય અને ઉઠીને ભગવાનનું ભજન થાય... પણ જો સુંવાળી પથારી કરીએ તો આ દેહ સવાર સુધી પડયો રહે છે ને ભજન ન થાય.

જેને ભગવાન ભજવાનો આવો ખપ હોય તેને ભગવાનને પામવા ઢુંકડા લઈ જાય. તેથી આપણે પણ આવા વડીલ સંતો હરિભક્તોના જીવનમાંથી શીખવાનું છે. ખપ રાખીને ભગવાન ભજી લેવા... તેમાં કોઈનો વાદ લઈને રાહ ન જોવી... વ્હેલા જાગીને ભગવાન ભજી લેવા...

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Tags :