ભક્તિથી ધબકતું, વૈરાગ્યથી વિભૂષિત અને સેવાની સૌરભ પ્રસરાવતું મંદિર એટલે પ્રમુખસ્વામી મહારાજ દ્વારા સર્જિત ગોહીલવાડનું નવલું નજરાણું બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર... ભક્તિ અને કલાથી નીતરતું આ મનોરમ્ય મંદિર ભાવનગર અને ગોહીલવાડની શાન બની ગયું છે.
અક્ષરવાડીના છાત્રાલયમાં ૨૨૫ વિદ્યાર્થીઓ પ્રેરણાસભર કાર્યક્રમોના સથવારે સહજાનંદી સંસ્કાર, ટેલેન્ટ, સદ્ગુણોની ખીલવણી સાથે શ્રેષ્ઢ જીવનઘડતરનું નિર્માણ કરી રહ્યા છે. આમ અક્ષરવાડી મંદિર અનેક લોકોના જીવન ઉજાળી રહ્યું છે.
આ વર્ષે શ્રી સ્વામિનારાયણ મંદિર, અક્ષરવાડી, ભાવનગરને ૨૦ વર્ષ પુર્ણ થઈ રહ્યા હોય તા.૨-૪-૨૦૨૬ થી તા.૧૫-૪-૨૦૨૬ સુધી પૂજ્ય મહંતસ્વામી મહારાજના ભાવનગર ખાતેના રોકાણ દરમ્યાન મંદિરનો દ્વિદશાબ્દી મહોત્સવ ઉજવાશે. સવારે પૂજ્ય મહંતસ્વામીની પ્રાત: પૂજાના દર્શનનો અલભ્ય લાભ તેમજ સાયં સભાઓમાં પ્રેરણાત્મક કાર્યક્રમોની પ્રસ્તુતિ થશે.
અક્ષરવાડી પરિસરમાં પૂ.સ્વામીશ્રી દ્વારા તપોમૂર્તિ નીલકંઠવાણી મહારાજની ૨૦ ફુટ ઊંચી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. પૂ.મહંતસ્વામીને વધાવવા પૂ.સંતો અને હરિભક્તોમાં અનેરો ઉત્સાહ- થનગનાટ દ્રષ્ટિગોચર થાય છે. ભાવનગર ખાતે કોઠારી પૂ.યોગવિજયસ્વામી અને સંત નિર્દેશક પૂ.ત્યાગરાજ સ્વામીના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
- કિશોર ગજજર


