ભગવાન શ્રી કૃષ્ણનો ભક્તિ યોગ
એ ક સમયે ઉદ્વવજીએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો, 'હે ભગવંત! બ્રહ્મવાદી મહાત્માઓ આત્મકલ્યાણનાં અનેક સાધનો સૂચવે છે. એના માટે આપે શંુ કહેવાનું છે? શું આ બધા સાધનો મહત્ત્વનાં છે ખરા? અથવા આમાં કયું સાધન શ્રેષ્ઠ છે? એક વખતે આપે જ પરમાત્માને અવ્યક્ત મૌન ભક્તિથી ભજવવાનું કહ્યું છે. વળી આપે એમ પણ કહ્યું છે કે, 'મારી અનન્યભાવે જે પુરુષ ભક્તિ કરે છે, તેનું ચિત્ત સંસારમાંથી હટીને મારામાં સ્થિર થાય છે.''
ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરમાં જણાવ્યું કે, 'હે પ્રિય ઉદ્ધવ! મારી વાણી એક સમયે વેદના નામથી સુવિખ્યાત હતી, તે કાળ ક્રમે આવેલ પ્રલયને કારણે લુપ્ત થઈ ગઈ. પરંતુ ફરી જ્યારે સૃષ્ટિનું નવસર્જન થયું ત્યારે તેના માટે મેં બ્રહ્માજીને ઉપદેશ કર્યો. આમાં મારા ભાગવત ધર્મનું જ સવિસ્તર વર્ણન છે. એમાં મેં સદાચારપૂર્વક તથા ભક્તિભાવપૂર્વક મનને મારામાં કેવી રીતે લગાડવું તે વિશદતા પૂર્વક સમજાવ્યું છે. બ્રહ્માજી પોતાના જ્યેષ્ઠ પુત્ર સ્વયંભૂ મનુને અને તેમને આ ભાગવત ધર્મનાં મહિમાનો ઉપદેશ સાત પ્રજાપતિ મહર્ષિઓને કર્યો હતો. ત્યાર બાદ આ મહર્ષિઓનાં સંતાનોએ આ ધર્મ શીખીને જીવનમાં ઉતાર્યો.
જોકે મનુષ્ય પોતપોતાની પ્રકૃતિ, એમનાં સ્વભાવ, એમની ઈચ્છાઓ, સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ અનુસાર, એ વેદવાણીનો ભિન્ન ભિન્ન અર્થ ગ્રહણ કરે છે. હે પુરુષોમાં ઉત્તમ ઉદ્ધવ! સૌની બુધ્ધિ મારી માયાથી (શ્રીકૃષ્ણની) આસક્ત થઈ ગઈ છે. એટલે જ આ લોકો પોતપોતાની રુચિ પ્રમાણે તથા પોતપોતાનાં કર્મ સંસ્કાર અનુસાર ઈશ્વર અને મોક્ષપ્રાપ્તિનાં સાધનો એક નહીં પણ અનેક દર્શાવે છે.
જે સુખ મારા ભક્તને મારામાં મળે છે, તેવું બીજાને નશ્વર પદાર્થોમાંથી ક્યાં મળે છે? જે બધી રીતે નિરપેક્ષ, નિસ્પૃહ બની ગયો છે. જેને પોતાના કર્મ કે તેના ફળ પ્રત્યે આસક્તિ નથી અને જેણે પોતાનું અંતઃકરણ સંપૂર્ણપણે જ સમર્પણ કરી દીધું છે, એવા જ મારા પ્રિય અનન્ય ભક્તનાં આત્મામાં પરમાનંદ સ્વરૂપે સ્ફુરુ છું. એનાથી ભક્તને જે સુખાનંદનો અનુભવ થાય છે તેવો એ વિષયલોલુપ પ્રાણીઓને કઈ રીતે મળે? જે કોઈ આ લોક કે પરલોકના કોઈપણ જાતનાં પદાર્થ કે સુખની સ્વપ્નમાં પણ ઈચ્છા રાખતો નથી, જેને ક્યારેય ભૌતિક પદાર્થો સંગ્રહ કરવાની આદત નથી. જેણે પાંચ બાહ્ય, પાંચ અતિતેન્દ્રય સહીત દશેય ઈન્દ્રિયોથી મનને વશ કર્યું છે.
જે સ્વભાવ શાંત અને સમદર્શી છે, જેને કોઈની અપેક્ષા નથી, જે હર ઘડી સુખ-સંતોષનો અનુભવ કરે છે, જે જગત-સંસારની ચિંતાઓથી અલિપ્ત થઈને, મારા જ મનન-ચિંતનમાં લીન રહે છે, છતાંય રાગ-દ્વેષથી દૂર રહીને સર્વે પ્રત્યે સમાન દૃષ્ટિ રાખીને સરખો વ્યવહાર રાખે છે, એવી સ્થિતપ્રજ્ઞા વ્યક્તિ વિશે એવું હું વિચારું છું કે, એમનાં ચરણની ધૂળ મારા પર પડે ને હું પવિત્ર થઈ જાઉં.
જેમ સુવર્ણને અગ્નિમાં તપાવવાથી તેની અશુધ્ધિઓ દૂર થઈ જાય છે અને તે પોતાનું મુળ શુધ્ધ રૂપ ચમકાવે છે. એજ પ્રમાણે મારા ભક્તિ યોગથી આત્મા, કર્મ વાસનાઓથી મુક્ત થઈને મારામાં જ તે ભળી જાય છે, કારણ કે હું જ એમનું મુળ વાસ્તવિક સ્વરૂપ છું.
- પરેશ અંતાણી