For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રેમ લક્ષણા ભક્તિ .

Updated: Apr 24th, 2024

પ્રેમ લક્ષણા ભક્તિ                                       .

- પ્રેમરૂપી ગંગાથી જ ભક્તિની પિપાસા ભાંગે છે. ઈશ્વરનાં નામ-જપ-સ્મરણ ધાર્યાં ફળ આપે છે. પ્રેમનો પવિત્ર સ્પર્શ પ્રભુ દર્શનની પરિક્રમા કરાવે છે.

ગુ જરાતના ભક્ત કવિ નરસિંહ મહેતાના શબ્દો છે.

ભૂતળ ભક્તિ પદારથ મોટું

બ્રહ્મ લોકમાં નાહીં રે...

આ ભૂમિ પર ભક્તિ રૂપી પદાર્થ, મોટો, અલભ્ય અને આસ્તીય છે જે બ્રહ્મલોકમાં પણ પ્રાપ્ય નથી. પ્રેમ લક્ષણા ભક્તિ એ ભક્તિના વિવિધ પ્રકારોમાં અલગ સ્થાન ધરાવે છે. આ પ્રકારની ભક્તિનું પહેલું લક્ષણ જ પ્રેમ છે, પછી તે રાધા-કૃષ્ણનો પ્રેમ હોય, મીરા-ગિરધરનો હોય કે નરસિંહ-શામળિયાજીનો હોય. પ્રેમયુક્ત ભક્તિનો અન્ય કોઈ પર્યાય નથી. ભક્તિ અને પ્રેમ અન્યોન્ય સાથે જોડાયેલાં છે. એક જ સિક્કાની બે બાજુ છે. ભક્તિ કરતાં કરતાં હજી કોઈની લાજ ગઈ હોય તેવું જાણવામાં નથી. પ્રભુની પ્રાપ્તિ માટેનો પ્રથમ સોપાન જ ભક્તિ અને પ્રેમ છે. પ્રેમની પારાશીશી જ ઈશ્વરની પ્રાપ્તિનું સાધન છે. પ્રેમને ભલે ઢાઈ અક્ષર કહેવાયો હોય પરંતુ પ્રભુને પામવા માટે પ્રેમની કોઈ સીમા નથી.

પ્રભુ પ્રાપ્તિનો માર્ગ પ્રેમ થકી જ સરળ બને છે. પ્રેમથી પ્રભુ જલ્દી રીઝાય છે. પ્રેમ આંતરિક લાગણી છે, મનના ભાવો છે. દિલની દુહાઈ છે. ભક્તિનો મારગ શુરાનો કહેવાય છે પરંતુ પ્રેમ રૂપી પદાર્થ ભક્તિ માર્ગે આવતા અંતરાયોને દુર કરી દે છે.

ભગવાન શ્રી કૃષ્ણ સુદામાના પ્રેમને કારણે જ ખુલ્લા પગે તેમને મળવા અને સત્કારવા દોડી આવેલા. એ જ શ્રી કૃષ્ણએ મીરાબાઈના પ્રેમને લીધે જ તેમનામાં સમાવી લીધેલાં તો નરસિંહના અનેક કાર્યો શ્રી કૃષ્ણે પ્રેમના રંગે રંગાઈને જ કરેલાં. ચૈતન્ય મહાપ્રભુ (ગૌરાંગ) શ્રી કૃષ્ણનો જ અવતાર હતા. તેમનું પ્રેમ ભર્યું કીર્તન ભક્તો તથા સામાન્ય માનવીઓને કૃષ્ણ ભક્તિ કરવા પ્રેરણા કરતું રહ્યું છે.

પ્રભુ શ્રી રામને કેવટની નૌકામાં ગંગા પાર ઉતારવામાં આવ્યા હતા. આમાં કેવટનો એટલે કે છેવટના માણસનો પ્રભુ પ્રત્યેનો પ્રેમ જ પ્રદર્શિત થાય છે. પ્રેમનો પાવન સ્પર્શ પ્રભુનાં ચરણ પખાળવા પ્રેરણા કરે છે. શબરીની વર્ષો સુધીની પ્રતિક્ષા રામ પ્રત્યેના ભક્તિમય પ્રેમની સાક્ષી છે તો અહલ્યા ઉદ્ધાર પ્રેમની પરીસીમા બતાવે છે.

પ્રેમ લક્ષણા ભક્તિ અંગે તાર્કિક વિચાર કરીએ તો શબ્દને એ શક્તિથી જેનો સામાન્યથી જુદો અને વાસ્તવિક અર્થ પ્રકટ થાય છે તેને લક્ષણા કહે છે. ગીતામાં કહ્યું છે :

"પુરૂષ: સ પર: પાર્થ ભક્ત્યા લભસ્તુ અનન્યયા"

અર્થાત તે પરબ્રહ્મ અનન્ય પ્રેમ લક્ષણા ભક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે, જે નવધા વિગેરે દરેક પ્રકારની ઉપાસના પદ્ધતિઓથી જુદી છે. અખંડ મુક્તિની પ્રાપ્તિ પણ અનન્ય પ્રેમ દ્વારા પ્રાપ્ત થાય છે. 

કબીરજીએ બ્રહ્મની પ્રાપ્તિ માટે અનેક માર્ગો અપનાવ્યા. તેમણે વૈકુંઠ શુન્યની પણ અનુભૂતિ કરી. અંતમાં પ્રેમનો સાચો રાહ પકડયો ત્યારે તેમને અલખ અગોચર બ્રહ્મની પ્રાપ્તિ થઈ.

પ્રેમ લક્ષણા ભક્તિમાં પ્રેમ રસ પીનારને ભક્તિનો આનંદ મળે છે. ભક્તિ કરનાર ભક્તની ભીડ ગિરધર ગોપાલ જ ભાંગે છે. શામળીયો ભાવનાનો ભૂખ્યો છે. પ્રેમરૂપી ગંગાથી જ ભક્તિની પિપાસા ભાંગે છે. ઈશ્વરનાં નામ-જપ-સ્મરણ ધાર્યાં ફળ આપે છે. પ્રેમનો પવિત્ર સ્પર્શ પ્રભુ દર્શનની પરિક્રમા કરાવે છે.

પ્રેમ લક્ષણા ભક્તિનો આનંદ અનેરો હોય છે. પ્રેમની બંસીના સુરોમાં ભક્તિની સરિતા વહે છે. આપણાં સારાં લક્ષણો, સુવિચાર, સત્કર્મ પ્રભુ પ્રાપ્તિ સહજ અને સરળ બનાવે છે. આવો, આપણે પણ પ્રેમ લક્ષણા ભક્તિની યમુનામાં સ્નાન કરીને પવિત્રતા પ્રાપ્ત કરીએ. જય શ્રી કૃષ્ણ !

- ભરત અંજારિયા

Gujarat