ભક્તિ ક્રિયા નથી, સાધના છે .
- ભક્તિ શરીરથી કરવાની ક્રિયા નથી. 'ચૈતસિક' સાધના છે. સ્નાન કરવાથી દેહશુધ્ધિ થાય પણ રૂટીન ભક્તિથી આત્મશુધ્ધિ ભાગ્યે જ થાય છે
હ નુમાનજી સીતાજીની ભાળ મેળવવા લંકા તરફ જાય છે રસ્તામાં મૈનાક, સુરસા, સિંહિકા અને લંકીની મળે છે. તેમની સાથે યથાયોગ્ય વ્યવહાર કરીને લંકામાં દાખલ થાય છે. ત્યાં તેમની નજર એક એવા ઘર પર પડે છે જેની દિવાલ પર શ્રીરામના ધનુષ્ય બાણ જેવાં આયુધો ચિતરેલાં છે. ઘરના આંગણામાં તુલશીનો છોડ લહેરાઈ રહ્યો છે. અંદરથી 'શ્રી રામ'નો ધ્વનિ વાતાવરણને પવિત્ર કરી રહ્યો છે. હનુમાનજી થોભી જાય છે. તેમને લાગે છે કે લંકામાં શ્રીરામનું નામ લેનાર વ્યક્તિ રાક્ષસ ના હોઈ શકે. તે ઘરમાં જાય છે. વિભીષણને મળે છે. બન્ને એકબીજાનો પરિચય આપે છે. હનુમાનજીને વિભીષણની ભીની આંખોમાં પ્રભુમિલનની આતુરતા દેખાય છે. બન્ને ગદ્દગદ થાય છે. હનુમાનજીના પૂછવાથી વિભીષણ સીતાજી સુધી પહોંચવાનો રસ્તો બતાવે છે. છૂટા પડતી વખતે આંખોમાં અશ્રુ સાથે વિભીષણ હનુમાનજીના ચરણે પડી પૂછે છે ''હે તાત ! જેમ કઠોર દાંતો વચ્ચે કોમળ જીભ બીતી બીતી રહે એમ હું લંકામાં રહું છું - તાત કબહું મોહિ અનાથા. કરિહરિં કૃપા ભાનુકુલ નાથા - શું મને અનાથ સમજીને શ્રીરામ મારા પર કૃપા કરશે ?'' હનુમાનજી થોડીવાર વિભીષણને જોયા કરે છે પછી બે હાથથી પકડી ઊભા કરે છે - ''ભાઈ, તમે શ્રીરામના ભક્ત છો એ સાચું, તમને એમનામાં શ્રધ્ધા છે એય સાચું પણ ફક્ત 'રામ... રામ...'નું રટણ કરવું એ પૂરતું નથી. તમારે શ્રીરામનું કામ કરવાની જરૂર છે. એક બાજુ લંકામાં સીતામાતા કેદ છે. બીજી બાજુ શ્રીરામ સમુદ્રપાર તેમના વિરહમાં આંસુ સારી રહ્યા છે. આવા સમયે લંકામાં વસતા તમારા જેવા ભક્તનું એક જ લક્ષ્ય હોવું જોઈએ. સીતા રામનું મિલન કેવી રીતે થઈ શકે એ વિષે વિચારવું. ગમે તેવા દુર્ગમ સંજોગોનો સામનો કરવા જાતને પ્રભુ-કાર્ય માટે તૈયાર કરવી. ભક્તિ કરતાં જીવનમાં થતા ભગવદ્ કાર્યોની ગુણવતા ઊંચી હોય છે. પ્રભુનું કામ કરવું એ રામનું રટણ કરવાથી પણ શ્રેષ્ઠ ભક્તિ છે.'' ત્યાર પછી વિભીષણ રાવણને સખત શબ્દોમાં સમજાવે છે અને શ્રીરામના શરણે જાય છે.
ફુલ રંગબેરંગી હોય પણ તેમાં સુવાસ ના હોય તો તે શોભતું નથી. એમ 'ન શોભતે ક્રિયાહીન ભક્તિ' પ્રભુનું કાર્ય કરવાના સ્વભાવ વગરની બેઠાડુ ભક્તિ પણ શોભતી નથી. માણસ રોજ સવારે બ્રશ કરે, સ્નાન કરે, ચા-નાસ્તો કરે એમ નિત્યક્રમની માફક ઈષ્ટદેવ સામે બેસી મંત્રજાપ કે પાઠ કરે તો એ દેહધર્મ જેવી એક સામાન્ય ક્રિયા થઈ જાય છે. નિયમિત પૂજા-પાઠ-ધ્યાન જરૂરી છે પણ તે યંત્રવત્ ના થવી જોઈએ. ભક્તિ શરીરથી કરવાની ક્રિયા નથી. 'ચૈતસિક' સાધના છે. સ્નાન કરવાથી દેહશુધ્ધિ થાય પણ રૂટીન ભક્તિથી આત્મશુધ્ધિ ભાગ્યે જ થાય છે.
શ્રીકૃષ્ણ ગીતામાં આ જ વાતની ખાત્રી જુદી રીતે આપે છે. 'યો માં પશ્યતિ સર્વત્ર' જે દરેક જગ્યાએ મને જુએ છે. અને 'સર્વં ચ મયિ પશ્યતિ' બધાને મારામાં જુએ છે એની નજરથી હું જરાય દૂર થતો નથી. એટલે કે હરદમ તેના વિચારોમાં, તેના અંત:કરણમાં મોજૂદ રહું છું.
સંત જ્ઞાનેશ્વર નદીએ સ્નાન કરવા જતા હતા. તેમણે એક છોકરાને નદીમાં ડૂબકાં ખાતાં જોયો. તે તરત દોડયા નદીમાં કૂદીને એ છોકરાને બચાવી કિનારે લઈ આવ્યા. ત્યાં એક સન્યાસી ધ્યાન ધરી રહ્યા હતા. તેમણે પૂછયું - ''એક છોકરો નદીમાં ડૂબી રહ્યો હતો છતાં તમને એનો અવાજ ના સંભળાયો ?'' સન્યાસીએ કહ્યું - ''સંભળાયો હતો પણ ત્યારે હું પ્રભુ-સ્મરણમાં લીન હતો.'' સંત જ્ઞાનેશ્વરે કહ્યું - ''મહાત્મા, તમારી આ કેવી ભક્તિ છે ? પ્રભુએ તમને એક જીવની સેવા કરવાની તક આપી હતી એ તક પણ તમે ચૂકી ગયા ? શું આવી ભક્તિ પ્રભુ સ્વીકારશે ? આ આખી સૃષ્ટિ પ્રભુનો સુંદર બગીચો છે. એ બગડી રહ્યો હોય અને આપણે જોયા કરીએ તો આ માનવદેહ એળે ગયો ગણાય. માનવતા વગરનું ધ્યાન એ સાચી ભક્તિ નથી - દંભ છે. સર્વના હિતમાં રત રહેવાથી જ ભગવદ્ ભક્તિ પ્રાપ્ત થાય છે. (ગીતા.૧૨/૪) કારણ કે આ આખું જગત ઈશ્વરનું જ રૂપ છે. (વાસુદેવ : સર્વમ્)''
એકવાર અખંડ તપ કરતાં પાર્વતીજીએ પણ મગરમચ્છના મોંમાંથી એક બાળકને છોડાવવા જીવનભરની સાધના, ભક્તિ, તપ મગરમચ્છને અર્પણ કર્યું હતું.
સાક્ષાત્કાર પહેલાં ભક્તિમાર્ગના દરેક નાકે ઈશ્વર આપણી પાસે દયા, કરૂણા, માનવતા કે સેવાની જકાત માંગે છે. એ મૂડી વાપરનાર જ આગળ વધી શકે છે, જળ ઉપર જામી ગયેલી લીલ સહેજ હટાવતાં જેમ આખું આકાશ જળમાં દેખાય છે. એમ મન ઉપર જામેલી વિકારોની લીલ હટાવતાં જ આખું વિશ્વ ખુદમાં દેખાવું શરૂ થાય છે, પછી સામે ઊભેલા કોઈ લાચારના આંસુ તો ઠીક એનો ઉતરેલો ચહેરોય ભક્ત જોઈ શકતો નથી. ઈશ્વરને પામવા જતાં માણસ પાસે ભક્તિનું પોટલું હોવું જોઈએ પણ એ પોટલામાં કોઈ જાતનો વિકૃત સામાન ના હોવો જોઈએ. એમાં તો રસ્તે મળતા કોઈ અભાગીની સેવા કરવાનું ભાતું હોવું જોઈએ.
- સુરેન્દ્ર શાહ