Get The App

ભજન એટલે ભગવાનનું ભક્તોએ ભાવથી ગાયેલું ભક્તિગીત

Updated: Jan 7th, 2026

GS TEAM

Google News
Google News
ભજન એટલે ભગવાનનું ભક્તોએ ભાવથી ગાયેલું ભક્તિગીત 1 - image

રાષ્ટ્રીય પર્વ આવે એટલે રાષ્ટ્રગીત ગવાય, નવરાત્રિ આવે તો ગરબા ગવાય, લગ્ન પ્રસંગે ફટાણાં ગવાય, નવજાત શિશુ માટે હાલરડાં ગવાય, વસંત પંચમીએ મા શારદાની સ્તુતિ ગવાય. 

પણ જ્યારે જગત નિયંતા ભગવાનનો ઝુરાપો હોય, ઉત્કટ તાલાવેલી હોય, આત્માની ઓળખનાં અરમાન હોય, આત્મતત્વની જિજ્ઞાાસા હોય ત્યારે નાભિના ઊંડાણમાંથી, અંતરાત્માના અવાજ સાથે, કોઈ નાદ સાથે પ્રભુસાદ ભક્તિસભર પોકાર કરી બ્રહ્મ સાથે સંધાન કરવા કોઈ ગીત લલકારે એને જગત ભજન કહે છે.

ભજન એટલે ભગવાનનું, ભગવાન માટે, ભક્તોએ ભાવથી ગાયેલું ભાવસભર ભાનપૂર્વક ગાયેલું ભક્તિગીત. ભજન ગાનારને જગત ભગત કહે છે. ભગત માટે ભજન સ્વજન હોય છે, ભગવાનનો ભરોસો હોય છે અને એ આધારે આપણો આદિકવિ ભક્ત નરસૈયો હાથમાં કરતાલ લઈ ગાઈ ઊઠે કે, 'મારી હૂંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી' - ત્યારે સ્વર્ગ છોડી ધરતી પર આવી ચપટી વગાડતાં હૂંડીની મૂડી ચૂકતે કરે ત્યારે 'શ્રીકૃષ્ણ સદા સહાયતે' - આપણે સૌએ બોલવું પડશે કારણ આ પ્રમાણ તો હાજરાહજૂર છે. આ છે ભજનની તાકાત.

ગુજરાતી ભાષાના સાહિત્યના મુખ્ય બે પ્રકાર છે : ગદ્ય અને પદ્ય. જેમાં વળી પાછા પદ્યના કુલ ૨૫ પ્રકારો છે જે પૈકીનો એક પ્રકાર ભજન છે. પણ જાણીને આશ્ચર્ય થાય તેવી એક વાત એ છે કે આ ભજનના ય કુલ ૩૩ (તેંત્રીસ) પ્રકાર છે. આવો જાણીએ : કીર્તન, કાફી, કટારી, ચાદર, ચાબખા, ચૂંદડી, ચરખો, છપ્પા, ઝાલરી, પ્રાર્થના, પ્રભાતી, પ્યાલો, પ્રભાતિયાં, બારમાસી, પદ, ભમરો, માળા, મોરલો, રામગરી, સંધ્યા, સોળા, સલોકા, સરજુ, સાવળ, ધોળ, બંગલો, હેલો, આરાધ, આગમ, આંબો, આરણ્યું, અવળવાણી અને આરતી. ૩૩ ભજનો ૩૩ કોટિ (પ્રકાર) દેવતાઓ જેવા કે : ૧૨ આદિત્ય; ૧૧ રૂદ્ર, ૮ વિશ્વાવસુ એ ૨ અશ્વિનીકુમારો - ને પ્રસન્ન કરવાનો પ્રછન્ન ગર્ભિત અર્થ છે. ભજન તો ભગતનું આધારકાર્ડ છે.

ભજનની વાત કરીએ તો નરસિંહ મહેતાનો પહેલો નંબર આવે. વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે - એ ફક્ત ૧૦ લીટીનું જ છે પણ જો આ ભજન પ્રમાણે જીવન જીવે તો પછી તેને મંદિરે જવાની જરૂર જ રહેતી નથી - એક વાર આ ભજન વાંચી તો જુઓ ! સુખને એક અવસર તો આપો ! દ્વારકામાં દિલ હતું આ એટલે સાહ્યબી મેવાડની ત્યાગી હતી એ મીરાં કહે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ - ત્યારે ઝેરનો પ્યાલો અમૃત બની જાય છે - વાહ રે ! મારા શામળિયા. તને ય ભજનનો ચટકો લાગ્યો છે! ભક્ત, ભજન અને ભગવાનનો આવો ત્રિવેણી સંગમ થાય ને ત્યારે ત્યાં પ્રયાગરાજ તીર્થ સાક્ષાત્ રચાઈ જાય છે.

ભજન એ સંતોની વાણી છે, ગહન અનુભવની સરસ સરવાણી છે, અંતરની અભિલાષા છે. માંહ્યલાની મોંઘેરી જણસ છે. પ્રભુનો પરિતોષ છે, ખુદની ખુદાની અનુભૂતિ સાથેની અભિવ્યક્તિ છે, આત્મા અનુમંતા હોય છે અને સર્જનહાર સાક્ષી હોય છે, ભક્તિની ભરપૂર શક્તિ હોય છે.

ભજન મનનું મનન અને ચિત્તનું ચિંતન હોય છે. આચરણનું વ્યાકરણ હોય છે. અહીં દ્રષ્ટા, દ્રષ્ટિ અને દ્રષ્ય, જ્ઞાાતા, જ્ઞાાન અને જ્ઞોય, કર્તા, કર્મ અને કરણ, પૂજ્ય, પૂજક અને પૂજન, ભગત, ભજન અને ભગવાનના નિજાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદની પરમ પરાકાષ્ઠા સાથે જ્યાં જ્યાં ભજન ગવાય છે ત્યાં ધર્મની ધરતી ઉપર ગંગા, યમુના, સરસ્વતીનો એવો ત્રિવેણી સંગમ રચાય છે જ્યાં અંતરપટ ખુલી મોક્ષના અક્ષરધામના દરવાજા ખુલી જાય છે. એટલે જ કહ્યું છે કે : 'હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જોઈ રે.'

- પી. એમ. પરમાર