Get The App

ભાગવતી ભાગીરથ ડોંગરેજી મહારાજ

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
ભાગવતી ભાગીરથ ડોંગરેજી મહારાજ 1 - image

- તેઓ કદી કોઈના ગુરુ થતા નહીં અને ઇશ્વરને ગુરુ બનાવવાનું કહેતા. યજમાનની ખોટી પ્રશંસા ન કરતા અને પોતાની પણ પ્રશંસા-પ્રસિદ્ધિ ન થાય તેની સતત કાળજી રાખતા. તેમણે પોતે કોઈ સંસ્થા સ્થાપી નહિં. નિસ્પૃહ, અનાસક્ત અને સાદર્ગીપૂર્ણ ભક્તિસભર તેમનું જીવન હતું. સીવ્યા વિનાનાં બે વસ્ત્રો, એક ધોતી બીજું ઉપવસ્ત્ર અને લંગોટી પહેરતા. સદાય કથાભ્રમણ કર્યું. કોઈ કાયમી સરનામું રાખ્યું નહીં. ન કશું માગ્યું. ન લીધું. દિવસમાં એક વાર ભોજન લેતા હતા.

૧૯૯૦માં ભાદરવામાં શુકતાલ ખાતે કથા કરતી વખતે પૂ.ડોંગરેજી મહારાજે કહ્યું હતું કે મારી જિંદગીની આ અંતિમ કથા છે ' અને કારતક વદ-૬ના દિવસે તેમણે વિદાય લીધી. અહીં ઉલ્લેખનીય છે કે શુકતાલ એ સ્થળ છે કે જ્યાં શુકદેવજીએ પરીક્ષિતને ભાગવત કથા સંભળાવી હતી. શુકતાલની તેમની અંતિમ કથા બની રહી. માલસર ખાતે ૧૯૭૭માં સમાધિસ્થ થયા ત્યાં મંદિર પાસેના ભોંયરામાં તેઓ ધ્યાન ધરતા. અહીં તેમના કથા નિવાસમાં તેમની પ્રતિમા છે અને આગળ મોટો ચોક છે જ્યાં ૩૦ વર્ષની વયે ડોંગરેજી મહારાજે પ્રથમ ગુજરાતી કથા કરી હતી. પોતાની ભાગવત કથાને સાર્વજનિક સ્થળે અને સાર્વજનિક હેતુ માટે કરવાનું શ્રેય તેમને જાય છે. ભાગવતની ભાગીરથીને તેમણે ઘરના ઉંબરે-ઉંબરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય કર્યું. 'લાલો' કહીને કૃષ્ણપ્રેમ નિતારતા ત્યારે નાભિના ઊંડાણમાંથી તેમનો અનન્ય ભક્તિભાવ પ્રગટ થતો હતો. ગાયકવૃંદ કે સંગીત વિનાની તેમની સીધીસાદી નિર્ભેળ કથામાં જાતે ધૂન કે ભજન બોલે અને લાખો લોકો તે ઝીલતા હતા. ૧૧૦૦ જેટલી કથા કરનાર ડોંગરેજી કદી વિદેશમાં કથા કરવા ગયા નહોતા તે તેમના અધ્યાત્મમાર્ગની વિશિષ્ટતા હતી.

શુકતાલની તેમની અંતિમ કથા બની રહી. ૧૯૪૯માં તેમણે વડોદરામાં સૌપ્રથમ મરાઠી ભાષામાં કથા કરી. જિંદગીની ૧૧૦૦ કથાઓમાંથી ૩૩ કથાઓ તેમણે વડોદરામાં ૬૦ કિ.મી. દૂર ડભોઈ પાસે આવેલા માલસર ખાતે અંગારેશ્વર અને સત્યનારાયણ મંદિર ખાતે નર્મદા તટે કરી હતી. મંદિરના સ્થાપક માધવદાસજી મહારાજને તેમણે ગુરુ તરીકે મનોમન સ્વીકાર્યા હતા અને તેમની પ્રતિમા સમક્ષ દર વર્ષે પોષ માસમાં ત્યાં ભાગવત કથા કરતા હતા. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પડદાવલી ગામનો તેમનો પરિવાર ચાર પેઢીથી વડોદરામાં સ્થાયી થયો હતો. ડોંગરેજીનો જન્મ તેમના મોસાળ ઇન્દોર ખાતે મામાને ત્યાં ૧૫-૨-૧૯૨૬ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ રામચંદ્ર ડોંગરે તથા પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે અને માતાનું નામ કમલાદેવી હતું. ડોંગરેજીએ પ્રાથમિક અભ્યાસ વડોદરા ખાતે કર્યો હતો અને ૮ વર્ષની વયે ઉપનયન સંસ્કાર સમયે તેમનું ગુપ્ત નામ જ્ઞાાનેશ્વર રખાયું હતું. ૧૯૩૯માં અમદાવાદના સંન્યાસ આશ્રમમાં વેદાંતનું શિક્ષણ પ્રાપ્ત કરીને પંઢરપુર ખાતે પુરાણ અને સંસ્કૃતનો અભ્યાસ કરીને બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી વેદાંતશાસ્ત્રની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા. બનારસમાં તેઓ વડોદરાના નરસિંહ શાસ્ત્રીના સંપર્કમાં આવ્યા અને પ્રથમ મરાઠી કથા વડોદરામાં કરીને કથાકાર્યનો આરંભ કર્યો હતો. જિંદગીભર ભાગવત કથાનો ધોધ વહેવડાવનાર ડોંગરેજીને તેમની કથાભૂમિ માલસર ખાતે જળસમાધિ આપવામાં આવી.

તેમની સ્મૃતિમાં માલસરમાં ડોંગરેજી સેવાભક્તિ આશ્રમની સ્થાપના કરાઈ છે. કથાકાર તરીકે તેમની અનેક વિશિષ્ટતાઓ હતી. તેઓ કદી કોઈના ગુરુ થતા નહીં અને ઇશ્વરને ગુરુ બનાવવાનું કહેતા. યજમાનની ખોટી પ્રશંસા ન કરતા અને પોતાની પણ પ્રશંસા-પ્રસિદ્ધિ ન થાય તેની સતત કાળજી રાખતા. તેમણે પોતે કોઈ સંસ્થા સ્થાપી નહીં. નિસ્પૃહ, અનાસક્ત અને સાદગીપૂર્ણ ભક્તિસભર તેમનું જીવન હતું. સીવ્યા વિનાનાં બે વસ્ત્રો, એક ધોતી બીજું ઉપવસ્ત્ર અને લંગોટી પહેરતા. સદાય કથાભ્રમણ કર્યું. કોઈ કાયમી સરનામું રાખ્યું નહીં. ન કશું માગ્યું. ન લીધું. દિવસમાં એકવાર ભોજન લેતા હતા.