જે મનુષ્યને પોતાની જીવનયાત્રામાં ઉત્તમ કે શ્રેષ્ઠ વિચારવાની કળા આવડી જાય તે જીવનનાં સર્વક્ષેત્રે ઉત્તરોત્તર સફળતાનાં શિખરો સર કરી શકે. સ્વાભાવિક છે - ઉત્તમ વિચારે મનુષ્યને રોજિંદી દરેક નાની-મોટી ક્રિયામાં આનંદ-પ્રસન્નતાની અવશ્ય અનુભૂતિ થાય. શ્રેષ્ઠ વિચારકળા એટલે વિચારવાની હકારાત્મક દ્રષ્ટિ, નજર, કૌશલ્ય કળા સાથેની સહજ સુઝ-બુઝ. વાસ્તવમાં કોઈ વિષય વસ્તુ સંદર્ભે ઊંડાણભર્યો, ઝીણવટભર્યો પ્રયાસ કરીએ તે જે તે મનુષ્યની દ્રષ્ટિ બને, દ્રષ્ટિ વિકસિત બનતાં શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતામાં વિચારો ફેરવાય. અહીં શ્રેષ્ઠ વિચારકળામાં જીવનશૈલી-કાર્યશૈલી જોવા મળતાં વિચારો ઉચ્ચકર્મો, સત્કાર્યો, મંગલભાવો, શુભત્વભર્યા ભાવોમાં પરિણમે જેમ કે 'હું શુદ્ધ છું' - 'હું બ્રહ્મ છું' હું કાયમ બીજાનું ભલું થાય તેવા કર્મ કરું - સેવા કરું - દાન કરું, બીજાને સુખી કરવા માટે મોટું જીવન સમર્પિત કરું તો સુખી થઈ શકાય.
મનુષ્યએ સત્યપ્રિય અને હિતકર બોલવું-વિચારવું તે શ્રેષ્ઠ વાક્-શોચ વિચાર બની રહે છે - જે મનુષ્યનાં મન-મસ્તિષ્ક અને અંતરમનમાં માધુર્યબળ, શાલિનતા, દિવ્યતા અને સૌમ્યતાથી ભરી દે છે તેથી જ કહી શકાય કે - રચનાત્મક, સર્જનશીલ વિચારધારા એ માનવીની આગવી પ્રતિભાનું ઘડતર કરે ! વળી - 'હકારાત્મક અભિગમ'ની વિચારસરણી તેમજ ગુણગ્રાહી દર્શને જીવનસફરમાં મનુષ્યને જે તે મુશ્કિલ-કઠિન કે વિટંબણાનાં સમયે માર્ગદર્શક ઉપયોગી બની રહે. ઇશ્વરનું અદ્ભુત સર્જન એવા મનુષ્યના આનંદી સુંદરજીવન માટે વિચાર સ્પષ્ટતા, વિચાર સ્વચ્છતા અને વિચાર શાશ્વતતા આવશ્યક છે તેથી જ શ્રેષ્ઠ વિચારકળા-ઉત્કૃષ્ટ ભાવો મનુષ્ય માટે અમૂલ્ય વિચારવૈભવ ભરી જ્ઞાન સંપન્ન સંપત્તિનું નિર્માણ કરે. આવો આપણે સૌ માનવી સુખ-શાંતિ-આનંદ-પ્રસન્નતા માટે શુદ્ધ ચિત્તે અને સદ્ભાવભર્યા દ્રષ્ટિકોણ દ્વારા જ્ઞાન-કૌશલ્ય પ્રાપ્તિએ સાથે સાથે તેની સૌમાં વહેંચણીએ સ્વની માનવયાત્રા દિવ્ય-ભવ્ય સૌંદર્યવાન બનાવવા પ્રયત્નશીલ-ઉર્જાવાન બનીએ.
શુભમ્ ભવતુ- સૌનું મંગલ હો એવી ભાવઊર્મિ !
- કમલેશ હરિપ્રસાદ દવે


