Get The App

શ્રી હરિના પ્રીતિપાત્ર સેવક : ગરૂડજી

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
શ્રી હરિના પ્રીતિપાત્ર સેવક : ગરૂડજી 1 - image

શ્રી હરિના પ્રીતિ પ્રાપ્ત તથા પ્રભુપદના પરમ ભક્ત એટલે ગરૂડજી. ગરૂડજી ગીધ જાતિના હતા. પક્ષીઓમાં તેમની જાતિ નિમ્ન ગણાતી પરંતુ સદા સેવા માટે તત્પર ગરૂડજીનું સ્થાન ધર્મની દુનિયામાં અગ્રેસર છે. ગરૂડજીના ભાઈ અરૂણ હતા જે ભગવાન સૂર્યના સારથી મનાય છે. અરૂણને બે પુત્રો હતા તેમાં એક સંપાતિ તથા બીજા જટાયુ. જટાયુએ સીતાજીનું અપહરણ કરીને લઈ જતા રાવણનો સામનો કર્યો હતો અને સીતા માતાનું રક્ષણ કરવાના પ્રયાસો કર્યા હતા.

જટાયુની નજર તીક્ષ્ણ હતી તેના ઉપરથી વિહંગાવલોકન શબ્દ આવ્યો છે. વિહંગનો અર્થ પક્ષી થાય છે. સીતાજી લંકામાં અશોક વાટિકામાં છે તે જાણ જટાયુને થઈ હતી. રાવણે જટાયુની પાંખો કાપી નાખી હતી. રાવણ તથા જટાયુ વચ્ચે યુદ્ધ થયેલું. શ્રી રામની ઉપસ્થિતિમાં જ જટાયુએ પોતાના પ્રાણનો ત્યાગ કરેલો તેથી પ્રભુ શ્રી રામે જટાયુની અંતિમ ક્રિયા પણ કરી હતી.

આજે ધાર્મિક બાબતોમાં જેનું મહત્વનું સ્થાન મનાય છે તેવા ગરૂડજીની વાત કરીશું. ગરૂડજી ભગવાન શ્રી હરિનું વાહન માનવામાં આવે છે. રામાયણ કથામાં પણ આ પક્ષીનો વિસ્તૃત અહેવાલ જોવા મળે છે.

ગરૂડજી પ્રભુપદ પ્રત્યે પ્રીતિ ધરાવતા કુલ ૨૩ ભક્તોમાં એક છે. ગરૂડજી શ્રી વિષ્ણુને પ્રિય છે. ગરૂડજી જ્ઞાની છે, વેદોના જાણકાર છે. શાસ્ત્રોમાં ગરૂડજીનું વર્ણન વિવિધ સ્વરૂપે જોવા મળે છે. ક્યારેક શ્રી હરિનું વાહન, આસન તો ક્યારેક ધજામાં સ્થાન. સામવેદના બે ભેદ છે તે ગરૂડજીની બે પાંખો છે તેથી તેઓ જ્યારે ઉડે છે ત્યારે તેની પાંખો જાણે સામવેદનું ગાન કરતી હોય તેવું લાગે છે. ગરૂડજીની પીઠ પર શ્રી હરિ વિષ્ણુનાં પદચિન્હો સ્થાપિત થયેલાં છે. ગરૂડ ભાગ્યશાળી મનાય છે કારણ કે તેને સદાય શ્રી હરિનો સંગ કરવાની તક મળે છે.

ભગવાન વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના સમયની વાત છે. કાલીયા નાગને ગરૂડજીનો ડર રહેતો હતો તેથી તે યમુનાજીમાં છુપાઈને રહેતા હતા. શ્રી કૃષ્ણે કાલીયા નાગનું દમન કર્યું અને તેને રમણક દ્વિપમાં ચાલ્યા જવાની આજ્ઞા કરી. તેણે ગરૂડના ભયથી પોતે થર થર કાંપે છે. તેવી વાત ઉચ્ચારી. આ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે તારી સહસ્ત્ર ફેણો પર મારાં પદ ચિન્હો અંકિત થઈ ગયાં છે તેથી તને ગરૂડજી મારવા નહીં આવે. મહાભારતમાં ગરૂડજીનાં પરાક્રમ, બળ તથા ચરિત્રનું વર્ણન જોવા મળે છે.

ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું હતું, 'પક્ષીઓમાં હું ગરૂડ છું.' તેમ કહી ગરૂડજી પોતાની વિભૂતિરૂપ ગણ્યા છે. એક પુરાણ રચિત ૧૮ પુરાણોમાં 'ગરૂડ પુરાણ' નામનું એકપુરાણ છે. ગરૂડ પુરાણના વક્તા ગરૂડજી છે તો શ્રોતા કશ્યપજી છે.

ગરૂડજીની માતાનું નામ વિનતા હતું તેના ઉપરથી ગરૂડજી વૈનતેય નામથી ઓળખાય છે. પુરાણો અનુસાર કશ્યપ ઋષિને બે પત્નીઓ હતી. વિનતા અને કદ્રુ. કદ્રુ શેષ, વાસુકી, કાલીય, કકેટિક તથા ચિતલ આદિ સર્પોની માતા હતી. ગરૂડજીની દ્રષ્ટિ તીક્ષ્ણ મનાય છે. પોતાની સૂક્ષ્મ આંખો વડે તે ઉપરથી દુરનું જોઈ શકે છે. આપણાં શાસ્ત્રો તથા પુરાણોમાં ગરૂડજીની અનેક કથાઓ તથા દ્રષ્ટાંત જોવા મળે છે.

ગરૂડજી શ્રી હરિને જ્યાં જવું હોય ત્યાં લઈ જવા સદાય તત્પર હોય છે. ગરૂડજીને ભગવાન વિષ્ણુ સાથે ગાઢ તથા અનોખો નાતો છે. ગરૂડજી પક્ષીઓના રાજા મનાય છે.

ભગવાન શ્રી વિષ્ણુના સહાયક, સેવક તથા ભક્ત એવા ગરૂડજીની ગાથાને વંદન.

- ભરત અંજારિયા