- દરેકને દોષમુક્ત થવું છે. નક્કી પગલાં ભરી અવગુણો દૂર કરવા છે. પણ ઇન્દ્રિયોની ધાક જતી નથી. લોભ, લોભ કે કામનાની લાલચ એવું જોર કરે છે કે તેની સામે બગાવત થઈ શકતી નથી
રાવણનો જન્મ શ્રેષ્ઠ ગુણસંપન્ન, ઉચ્ચકુળમાં થયો હતો. તે મુનિવર વિશ્રવા અને માતા કૈકસીનો પુત્ર હતો. વિદ્વાન હતો. અસ્ત્રજ્ઞા હતો. તેનામાં કૈલાસપર્વત ઉઠાવી શકે, બાણોથી સૂર્યની ગતિ રોકી શકે, પૃથ્વીને ડોલાવી શકે, એટલી તાકાત હતી. માનવ જેવા તુચ્છ જીવોને તે મગતરાં ગણતો. તેણે બ્રહ્મા પાસે વરદાન પ્રાપ્ત કર્યુ ંહતું. (સુવર્ણનાગયક્ષાણાં.... વા.રા.ઉત્તરકાંડ) ગરૂડ, નાગ, યક્ષ, દૈત્ય, દાનવ, રાક્ષસ અને દેવોથી પણ તેનું મૃત્યુ ના થાય. ઉપરાંત (છન્દતસ્તવ રૂપં ચ...) તે પોતાના મનથી જ્યારે ઇચ્છે, જેવું ઇચ્છે તેવું રૂપ ધારણ કરી શકે. આવા શક્તિશાળી રાવણને ત્રણેય લોકમાં પરાજિત કરી શકે એવું કોઈ નહોતું.
સોનાની લંકા, અપાર ધન, છલકાતો વૈભવ, સુંદરીઓથી ભરેલા મહાલયો, એક હથ્થુ સત્તા, અટ્ટહાસ્યથી થથરતી પ્રજા, પડયો બોલ ઝીલનારા ગુલામ સેવકો... આવું અતુલ્ય અધધધ... સુખ રાવણ પાસે હતું. તેને તેનું જીવન અળખામણું બનાવવા, મેલુ બનાવવા, અપ્રિય બનાવવાનું કોઈ કારણ નહોતું. છતાં શૂર્પણખાની વાતમાં આવી તેણે સીતાજીનું અપહરણ કર્યું. સીતાને લલચાવી. પોતાની જાતને રામ કરતાં શ્રેષ્ઠ બતાવી હુંકાર કર્યો. ત્યારે સીતાજીએ તેને સારા અને ખોટાનો, એનો અને રામ વચ્ચેનો ભેદ બતાવ્યો. 'મારા રામ સર્વગુણ સંપન્ન છે. વિશાળ વડલાની માફક તેમના આશ્રયમાં જે આવે તેને શીતળ છાયા આપે છે. તારામાં અને રામમાં સિંહ અને શિયાળ, સોનું અને સીસું, ચંદન અને કીચડ અમૃત અને કાંજી.... (અરણ્યકાંડ) જેટલું અંતર છે.' પણ છાકટા થઈને ઉન્માદની ટોચે બેઠેલા રાવણને જે જોઈ એ જોઈએ જ !! તેની કુટિલ વૃત્તિ પાછળ તેના દુષિત પ્રેરકબળો હાજર રહેતા. વિજયની ઘેલછા, અહંકાર, ઇર્ષ્યા, હરિફાઈ, કામના, અવિવેક.... હિતોપદેશમાં હ્યું છે, ખોરાક, ઊંઘ, ભય અને મૈથુન. પશુ અને માનવમાં એક સરખાં છે પરંતુ તેમને જુદા પાડનાર એક જ વાત છે. એ છે સારા અને ખોટાને પારખવાનો વિવેક. જે સજાગ છે તે ખોટી વૃત્તિઓના હુમલાથી બચી જાય છે. આપણી નબળાઈ જો સસલા જેવી ગભરૂ હશે તો લાલચનો વાઘ તેને ગમે ત્યારે હડપ કરી લેશે.
કલકત્તામાં સીતારામ ઘોષ સ્ટ્રીટમાં સ્વરૂપચન્દ્ર બંદોપાધ્યાય નામના શ્રીમંત રહેતા હતા. તે ખૂબ ભણેલા, ગણેલા, વિદ્વાન, નિષ્ણાત, સદ્ગુણી અને સદાચારી હતા. કલકત્તાના વિદ્વાનો સાથે તેમને મિત્રતા હતી. સૌ મળતા, ખૂબ ચર્ચાઓ થતી. ક્યારેક દારૂની મહેફિલ જામતી. એક વખત બગીચામાં બનાવેલ વાંસની ઝૂંપડીનું રીપેરીંગ કરાવવાનું હતું. તેમણે કાયમનો જાણીતો કારીગર બોલાવ્યો. 'શંભુ, વાંસનું ઘર રીપેર કરવાનું છે. પટ્ટીઓ ઉખડી ગઈ છે. આજે જ કામ શરૂ કરી દે.' શંભુએ કહ્યું, 'મહાશય, આજે તો નહિ થાય. હા, પરમ દિવસે થઈ જશે !' એટલે સ્વરૂપચન્દ્રએ ખાત્રી મેળવવા કહ્યું, 'પણ પરમ દિવસે થઈ જશેને ? વાયદો નહિ કરેને ?' એટલે શી ખબર શું થયું કે શંભુ બોલી ગયો. 'મહાશય, હું તમારા જેવો દારૂડિયો નથી કે વાયદો ભૂલી જાઉં !! મેં કહ્યું, થઈ જશે મતલબ થઈ જશે.' પણ આ વાત સ્વરૂપચન્દ્રને ચચરી ગઈ. તે વિદ્વાન હતા. સમજુ હતા. લોકોમાં ઠસી ગયેલી માન્યતા જાણતા હતા કે દારૂ પીનાર હોશ ખોઈ બેસે છે. જુઠું બોલી શકે છે. માણસાઈ ખોઈ બેસે છે. વાયદા કરી શકે છે. વિવેક ખોઈ શકે છે. જો મારા બધા ગુણોને આ એક નબળાઈ નડતી હોય તો તેને છોડવી બહેતર છે. અને તેમણે એ જ ક્ષણે પોતાની નબળાઈ ઉપર કાબૂ મેળવી લીધો. દારૂ છોડી દીધો.
દરેકને દોષમુક્ત થવું છે. નક્કી પગલાં ભરી અવગુણો દૂર કરવા છે. પણ ઇન્દ્રિયોની ધાક જતી નથી. લોભ, લોભ કે કામનાની લાલચ એવું જોર કરે છે કે તેની સામે બગાવત થઈ શકતી નથી. દરેક પાસે આત્મકલ્યાણ નહિ કરી શકવાના કારણો હાજર હોય છે. કોઈને પેટની ભૂખનું, કોઈને નોકરીની તાબેદારીનું, કોઈને આબરૂ સાચવવાનું, કોઈને દૂષિત સહવાસનું, કોઈને નસીબનું, કોઈને સંજોગનું પણ એ યાદ રાખવું જરૂરી છે કે જ્યારે સારા થવા ઝઝૂમતા હોઈએ ત્યારે રસ્તામાં આવતી કામનાઓને નજરઅંદાઝ કરવી પડે છે. જો વસંતનો વૈભવ પામવો હોય તો પાનખરની વેદના સહેવી પડે છે. એક સાધકની માફક ક્ષણે ક્ષણ પવિત્રતા માટે, પ્રયાસ કરતાં હોઈએ ત્યારે જો વાળની ધાર જેટલીય નબળાઈ મનમાં આવી જાય તો સાધનામાં વિક્ષેપ આવી શકે છે.
હાઈકોર્ટના ન્યાયાધીશ સર લલ્લુભાઈ શાહના પિતા આશારામ કાઠિયાવાડમાં અમલદાર હતા. ત્યારે લલ્લુભાઈએ તેમનો અભ્યાસ પૂરો કરી દીધો હતો. એક દિવસ બધા મોરબી આવી રહ્યા હતા. ટ્રેનમાં ભીડ હતી. લલ્લુભાઈ અને બીજા છોકરાં થર્ડ ક્લાસના ડબ્બામાં ચઢી ગયા. પિતાજીને જગ્યા ના મળી. તે સેકન્ડ ક્લાસમાં બેસી ગયા. થોડા સ્ટેશનો પછી પિતાજીએ લલ્લુભાઈ સાથે બધાને સેકન્ડ ક્લાસમાં બોલાવી લીધા. બધાએ સેકન્ડ ક્લાસમાં જ મુસાફરી કરી. ટિકિટ થર્ડ ક્લાસની હતી. આ વાત લલ્લુભાઈને ખૂંચી. તેમને ના ગમ્યું. તે નખશિખ ચારિત્ર્યવાન હતા. તેમણે પિતાજીને પૂછયા વગર રેલવે કંપનીને સેકન્ડ ક્લાસનું ભાડું મોકલાવી દીધું. જો કે જ્યારે પિતાજીને આ વાતની ખબર પડી ત્યારે બધાના દેખતાં તેમની પીઠ થપથપાવી અને શાબાશી આપી. પળેપળની સતર્કતા સિવાય ચારિત્ર્યને સાચવવાની. આત્મનિયમનની શક્તિ કેળવાતી નથી.
આપણે સારો વિચાર કરીએ એનો અર્થ એવો નથી કે ખરાબવૃત્તિઓ આપણા કાબૂમાં આવી ગઈ. ખરાબવૃત્તિ તો ગમે ત્યારે ત્રાટકે ! આપણે સંજોગોને તાબે થવા કરતાં અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકીએ. ખોટે રસ્તે આગળ વધવા કરતાં એ રસ્તેથી પાછા વળી શકીએ. ભલે સાધુ સંત જેટલા શુદ્ધ ના બનાય પણ અધર્મથી દૂર રહી જાતને ખરડાતી બચાવી શકીએ. જીવનના ખેતરને ભર્યુંભર્યું રાખવું હોય તો સદ્ગુણોની વાડ બનાવી દુર્ગુણોથી બચાવવું પડશે. સારા બનવા નડતી નબળાઈને દૂર કરવી પડશે.
- સુરેન્દ્ર શાહ


