'સમીપ રહેવાથી સંબંધ સમજાય છે' .
- લાંબી મુલાકાતો, લાંબો સહવાસ, લાંબી નિકટતા માણસનું અસલી વ્યક્તિત્વ છતું કરી દે છે. છતાં માણસ પોતાનો બચાવ કરે છે. સર્કસમાં ઝૂલા અને દોરડા પર બેલેન્સ રાખી ખેલ કરતા કલાકારો ઘરમાં સર્કસ જેવા ખેલ કરતા નથી !
બૃહદ્દેવતામાં ઇક્ષ્વાકુ વંશના રાજા ત્રિવૃષ્ણની કથા આવે છે. રાજાના પુત્રનું નામ ત્ર્યરૂણ હતું. એકવાર રાજમાર્ગ પર ત્ર્યરૂણના રથચક્રની ધરી બગડી ગઈ. ત્યાંથી પસાર થતા રાજ-પુરોહિતના પુત્ર વૃશજાને તેનું સમારકામ કરી આપ્યું. બસ, ત્યારથી બન્ને વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ.
વૃષજાન જ્ઞાની જ નહિ બહાદુર યોધ્ધો હતો. તે શ્રેષ્ઠ રથી હતો. બન્ને મિત્રો ક્યારેક મળતા. મોજમસ્તી કરતા વૃશજાનને રાજપુત્ર ત્ર્યરૂણ શાલીન, વિવેકી, અને લાગણીશીલ લાગતો. એક દિવસ રાજાને દિગ્વિજય યાત્રા કરવાની ઇચ્છા થઈ. રાજાએ વૃશજાનને સારથિપદ સ્વીકારવાનો આગ્રહ કર્યો. તેણે પ્રસન્નતાથી 'હા' ભણી. હવે બન્ને મિત્રોને વારેઘડીએ મળવાનું થતું. નિકટતા વધવા લાગી. એક દિવસ યાત્રા સમાપ્ત કરી સૌ પાછા ફરી રહ્યા હતા. રાજા ઉત્સાહમાં હતા. તેમને જેમ બને તેમ જલદી રાજમહેલ પહોંચવું હતું. તેમણે કહ્યું,' સારથિ રથ ઝડપથી ચલાવ, ખૂબ ઝડપથી. વૃશજાને રથની ગતિ તેજ કરી. સૂરજ આથમવાની તૈયારીમાં હતો. અચાનક રથ એક ધક્કાથી રોકાઈ ગયો. 'મહારાજ, અનર્થ થઈ ગયો. રથના પૈડા નીચે કચડાઈને એક બ્રાહ્મણ મરી ગયા લાગે છે. રાજા ગુસ્સે થઈ ગયા. એલેફલ બોલવા લાગ્યા. ત્ર્યરૂણ પણ ક્રોધે ભરાયો. વૃશજાનને આશ્ચર્ય થયું. આટલાં વર્ષોમાં બન્ને મિત્ર વચ્ચે આવો અણબનાવ પહેલી વાર બન્યો હતો. વૃશજાન શેહ ખાઈ ગયો. મિત્રતાના થર નીચે આવો ગુસ્સો અને અહમ્ પણ હોઈ શકે તેવું તેણે પ્રથમવાર અનુભવ્યું. વૃશજાને કહ્યું, 'મહારાજ, દિગ્વિજય યાત્રાનું શ્રેય, તેનો લાભ આપને મળતો હોય તો આ બ્રહ્મહત્યાનું પાપ પણ આપના શીરે લાગે ! મેં તો આપના કહેવાથી રથની ગતિ વધારી હતી. એમાં મારો કોઈ વાંક... ત્યાં જ ત્ર્યરૂણ ઉશ્કેરાઈ ગયો. ચૂપ ! રાજા સાથે જીભાજોડી કરે છે !! આ કલંકનું મૂળ તું જ છે. હવે તું મારા રાજ્યમાં રહેવાને લાયક નથી. હું અત્યારે જ તને દેશનિકાલ કરૃં છું !! વૃશજાન હેબતાઈ ગયો. તેણે વિચાર્યું, આપદિ મિત્ર પરીક્ષા સંક્ટ સમયે જ મિત્રની પરીક્ષા થાય છે. રાજપુત્ર સાથેની સમીપતા તેને ભારે પડી! કોઈપણ આગ શરૂઆતમાં હૂંફ આપે પણ સાવ નજીક જઈએ એટલે એ જ આગ દઝાડી દે. વૃશજાન સ્વામાની હતો. રથમાંથી ઊતર્યો. રાજાને નમન કર્યું અને ચાલવા લાગ્યો. પણ ત્યાં જ તેણે જોયું, ટક્કર ખાઈને પડેલો બ્રાહ્મણ કણસી રહ્યો હતો. તે મર્યો નહોતો. ઘાયલ થયો હતો. છતાં વૃશજાન ચાલતો થયો. ઘેર ગયો પિતાને બનેલી ઘટના સમજાવી. પિતા શાસ્ત્રજ્ઞા હતા. 'બેટા, તું એકલો નહિ, આપણે સૌ રાજ્ય છોડીને જતાં રહીશું. પુરોહિત કુટુંબે રાજ્ય ત્યાગ કર્યો. ત્ર્યરૂણે ઘવાયેલા બ્રાહ્મણની ચિકિત્સા કરાવી. પણ હવે તેનું મન દુખવા લાગ્યું, બગીચો છોડી જનાર માળીને ફલોય ભૂલતાં નથી તો મિત્રતા છોડી જનાર સ્વમાની મિત્રને કેવી રીતે ભૂલાય ? રાજાએ પુરોહિત પરિવારને શોધી માફી માગી અને તેમને સન્માનપૂર્વક રાજ્યદરબારમાં યોગ્ય સ્થાન આપ્યું.
મિત્રતા જ નહિ કોઈપણ સંબંધને ફાયદા કે નુકસાન તરીકે નહિ સંવેદન તરીકે જોવો જોઈએ. દૂરથી આવતા મનભાવન સૂર-તરંગો દિલના રૃંવાટે રૃંવાટે નશીલી ગોષ્ઠિ કરતા હોય છે પણ એ જ તરંગો ઠેઠ કાને આવીને અથડાય તો ઘોંઘટથી કાનમાં ધાક ઉભી કરી દે છે.
જાણીતા રોમેન્ટિક ગીતકાર-કવિ જાવેદ અખ્તરે ૧૯૭૨માં હનીછાયા સાથે લગ્ન કર્યા હતો. છ-સાત વર્ષના લગ્નની સમીપતામાં હનીને ધીરેધીરે જાવેદ સાહેબના નાના નાના દોષો દેખાવા લાગ્યા.
છૂટાછેડાનું કારણ ગમે તે હોય પણ વર્ષો પછી હનીછાયાએ જાહેરમાં કહ્યું કે જાવેદ અતિ ઘમંડી છે. ત્યારપછી તેમના લગ્ન શબાના આઝમી સાથે થયા. શબાનાએ લગ્ન ટકાવી રાખ્યાં. એક મુલાકાતમાં તેમણે કહ્યું, 'બધા ભલે જાવેદને રોમેન્ટિક કવિ ગણે પણ આટલાં વર્ષોના સહજીવનથી હું ખાત્રીપૂર્વક કહું છું કે તેના શરીરમાં રોમાન્સનું એક હાડકું પણ નથી !' લાંબી મુલાકાતો, લાંબો સહવાસ, લાંબી નિકટતા માણસનું અસલી વ્યક્તિત્વ છતું કરી દે છે. છતાં માણસ પોતાનો બચાવ કરે છે. શબાનાના ઉપરના વકતવ્યનાં જવાબમાં જાવેદસાહેબ કહે છે,' ભાઈ, સર્કસમાં ઝૂલા અને દોરડા પર બેલેન્સ રાખી ખેલ કરતા કલાકારો ઘરમાં સર્કસ જેવા ખેલ કરતા નથી ! મતલબ કે પ્રેમ, લાગણી, સંવેદન, એકબીજા પ્રત્યે દેખાતી કાળજી - આ બધું પ્રસંગ પૂરતું જ છે. દેખાવ છે, દંભ છે, પ્રદર્શન છે. જાતને સંસ્કારી દેખાડવાની પ્રવૃત્તિ માત્ર છે.
Everyone is eagle-eyed to see another’s Faults and Deformity- ભલે એ સાચું લાગે છે કે દરેક જણ એકબીજાના દોષો અને ખામીઓને ગરૂડ જેવી વેધક નજરે શોધતો રહે છે પણ બીજાના ચારિત્ર્યની ખરાઈ કરવા તેના અંગત જીવનમાં ઉંડા ઉતરવામાં કશો સાર નથી. જરૂર છે ખુદના દોષો અને ખામીઓ શોધી તેને દૂર કરવાની. જે આદર્શવાદી કે ભક્તિમાર્ગી છે તે જાતને મઠારવામાં સમય ખર્ચે છે. માણસના આત્મકલ્યાણક સ્વભાવની અસર બીજાને આત્મનિરીક્ષણ કરવાની પ્રેરણા આપે છે. બંગાળના રાણા ઘાટ પાસે રહેતા કૃષ્ણયાન્તી મોટા વેપારી હતા. એકવાર એક અંગ્રેજ વેપારીએ તેમની પાસે ચોખાનો સોદો કર્યો. એ વખતે જુબાનથી સોદા થતાં થોડા સમયમાં ચોખાનો ભાવ અનેકગણો વધી ગયો. કૃષ્ણપાન્તીએ વેપારીને બોલાવ્યો. વાત કરી. ચોખા વહાણમાં ચઢાવવા ગોદીમાં આવી ગયા. પણ અંગ્રેજ વેપારીને તેમની પ્રામાણિકતા સ્પર્શી ગઈ કહ્યું. 'મિસ્ટર પાન્તી, તમારા જેવા ધર્માત્મા પુરૂષની સત્યનિષ્ઠાનો ગેરલાભ મારાથી ના લેવાય. એવું કરૃં તો મારૃં આ વહાણ ડૂબી જાય !' માણસને આવા આદર્શવાદી સદ્ગુણોનો ચેપ લાગવો જોઈએ. સાચા માણસની સમીપ જવાથી સ્વભાવ સુધરવો જોઈએ.
બીજને જમીનની ઠેઠ સમીપ રાખવાથી ચમત્કાર થાય છે. નવા અંકુરો ફૂટે છે. જીવનની લીલાશ પ્રગટે છે જીવનમાં મહેંક ફેલાવતો પવિત્ર સંબંધ તો કાનમાં અત્તરનો ફાયો ગોઠવાઈ જાય તેમ ગોઠવાઈ જતો
હોય છે.
- સુરેન્દ્ર શાહ