''જીવદયા-જીવકરુણા'' સંદર્ભે સમજ આપતો જૈનગ્રંથોનો શબ્દ છે - આયુતુલા પયાસ. ઇશ્વરે વિવિધ સ્વરૂપે જીવો-સજીવોનું અદ્ભુત સર્જન કર્યું છે. જેમકે મનુષ્ય, પ્રાણીસૃષ્ટિ-પંખીજગત અને દરિયાઈ નાનાં-મોટાં જીવો. આ સર્વ ઇશ્વરે સર્જન કરેલ જીવો સૃષ્ટિ ઉપર જીવન માટેનાં સમાન અધિકારી છે. મનુષ્યની જેમ! ''સૃષ્ટિનાં સર્વજીવો જીવનને અધિકારપાત્ર'' - આ સંદેશ ભગવાન મહાવીર સ્વામીનો છે. જ્યારે મનુષ્ય જગતનાં સર્વજીવોનાં અસ્તિત્વનો સ્વીકાર કરે છે ત્યાં મનુષ્યની અંદર-ભીતરમાં 'સહ-અસ્તિત્વનો ભાવ' (peaceful co-existence) સંવેદના-સદ્ભાવ સ્વરૂપે પ્રકટે છે - વ્યાપક બને છે. આ ચિંતનનો સરળ માર્ગ છે જેની ફળશ્રુતિરૂપે બહુમૂલ્ય ''અહિંસા''ની વિચારધારાનો ઉદય થાય છે.
ઉપરોક્ત પ્રેરક અને સહજ સંદેશો બે શબ્દો આપે છે - આયુતુલા પયાસ. મનુષ્યમાં સૃષ્ટિનાં જીવો પ્રત્યે દયા, અનુકંપા-કરુણા તેમજ મમત્વભર્યો સમભાવ પ્રકટે ત્યાં સમજવું 'અહિંસા'નો વ્યાપ વધ્યો છે - ઉદારતાભર્યા સમભાવનું સર્જન ઉદ્ભવસ્થાને છે. મનુષ્યની જેમ સૃષ્ટિમાં જીવતાં પશુ-પંખીઓ પોતાની ભૂખ-તરસ તૃષ્ટ કરે છે - (ગાય-કૂતરાંને રોટલી આપવી, કબુતર-મોર-પોપટ જેવા પક્ષીઓને દાણા-પાણી-ચણ આપવી એ મનુષ્યની અનિવાર્ય ફરજ બની રહે છે) વિશેષ આ શબ્દની વ્યાપકતા રજૂ કરું તો - પશુ-પંખીઓનાં રોગ કે ઇજા-પીડા સમયે યથાયોગ્ય સારવાર-સારસંભાળ રાખવી તેમજ દર્દ-પીડામુક્ત કરવા તેમજ સૃષ્ટિનાં સર્વ જીવોને ક્યારેય ત્રાસ કે ભય આપવો નહીં, આ પ્રકારની મનુષ્યની વિચારધારા અન્ય જીવો, પ્રત્યેની માનવીની નૈતિક ફરજનો ભાગ બની રહે છે.
ભારત દેશ અધ્યાત્મભાવને વરેલો વસુધૈવ કુટુંબની ભાવનાને પ્રબળ કરતો દેશ છે. દરેક ઘરોમાં જીવનદયા-કરુણાનાં સંસ્કારો છે. સૃષ્ટિનાં જીવો પ્રત્યે ઉમદા મૈત્રીપ્રીતિ છે. આ રાષ્ટ્રનો ભવ્ય સાંસ્કૃતિક વારસો છે. જગતનાં સર્વજીવો પ્રત્યે કરુણામય ભાવ છે, અનુકંપા-દયા છે. સાથે સાથે સમભાવ અને ઉદાર મમત્વ છે જે માનવજીવનને સાર્થક કરે છે, મૂલ્યવાન બનાવે છે.
જૈનસંઘો દ્વારા સંચાલિત પાંજરાપોળોનું પશુ-પંખીઓના કલ્યાણ-પાલન પોષણ-સારસંભાળ-સેવા-સુશ્રુષાનું ભગીરથ અને સરાહનીય કાર્ય દિન-પ્રતિદિન વૃદ્ધિ-વિકાસ અને ગતિમાન બની રહ્યું છે જેમાં જીવદયાપ્રેમી જૈનબંધુઓ અને અન્ય ધર્મપ્રેમીઓનો બહુમૂલ્ય ફાળો છે કે જેઓ વંદન અને નમનને અધિકારી છે - ધન્ય જિનશાસન - જૈનસંઘો - પાંજરાપોળોને - જૈનમ્ જયતિ શાસનમ્ - હરિઓમ - સૌનું કલ્યાણ થાઓ, શુભમ્ ભવતુ !
- કમલેશ હરિપ્રસાદ દવે


