આત્મવત સર્વભૂતેષુ .
- અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો એક ગામમાં છુપાયા હતા. એ ગામમાં એક દૈત્ય દરરોજ એક ઘરમાંથી એક નરબલિ માગતો હતો. પાંડવો જે બ્રાહ્મણીને ત્યાં રહેતા હતા. એના જ પુત્રનો એક દિવસ વારો આવ્યો
ભા રતીય સંસ્કૃતિના મૂળમાં અધ્યાત્મ રહેલું છે અને અધ્યાત્મના મૂળમાં વહેંચીને ખાવાની, આપવાની, ત્યાગની તથા બલિદાનની ભાવના રહેલી છે. 'આત્મવત સર્વભૂતેષુલ્લ નો ભાવ ભારતીય આધ્યાત્મિક ચિંતનની ધરી છે. જેનામાં આવો ભાવ હોય તેને બધાં પ્રાણીઓમાં એક જ પ્રભુની હાજરી દેખાય છે. પછી એના મનમાં તથા દ્રષ્ટિકોણમાં સ્વાર્થ, સંકીર્ણતા, ક્ષુદ્રતા, લોભ મારુ-તારુની ભાવના વગેરે રહેતા નથી.
જ્યારે આપણને બધાં જ પ્રાણીઓમાં એક જ સત્તા કામ કરતી જોવા મળે છે ત્યારે આપણને સમજાઈ જાય છે કે કૃપા કે કોપ, કરુણા કે ક્રોધ એ બધાં એક જ દૈવીસત્તાનાં બે જુદાં જુદાં રૂપો છે. એ જાણ્યા પછી માણસના મનમાંથી સ્વાર્થ તથા સંકુચિતતા દૂર થઈ જાય છે. પછી એનામાં આપવાની ભાવના, કરુણા, ત્યાગ તથા બલિદાનની ભાવના પેદા થાય છે. એને જ બીજા શબ્દોમાં અધ્યાત્મ કહી શકાય.
દુર્ભાગ્યવશ આજે અધ્યાત્મનો અર્થ ભગવાન પાસે પોતાની મનોકામનાઓને પૂરી કરાવવી એવો માનવામાં આવે છે. કોઈ ચમત્કાર થઈ જાય અથવા કોઈક ચાલાકીથી જાદુગરી કરે તો લોકો એને આધ્યાત્મિક શક્તિ માની બેસે છે. અધ્યાત્મમાં તો મેળવવાનું ઓછું અને આપવાનું વધારે હોય છે.ળ
શ્રી રામ શર્મા આચાર્યએ કહ્યું - આપણે કલાકો સુધી માળા ફેરવતા હોઈએ કે પૂજાપાઠ કરતાં હોઈએ, પરંતુ જો દુખીઓનું દુખ જોઈને તે દૂર કરવાનો તથા માર્ગ ભૂલેલા લોકોને સાચો માર્ગ બતાવવાનો ભાવ આપણા મનમાં ના જાગે તો એનો અર્થ એ જ છે કે આપણામાં જરાય અધ્યાત્મ ઊતર્યું નથી આપણે અધ્યાત્મના મર્મને સમજી શક્યા નથી.
ભારતીય સંસ્કૃતિએ હંમેશા સેવા, કરુણા, માનવતા, દયા, પરોપકાર, સંહિષ્ણુતા વગેરે પર ભાર મૂક્યો છે. દધીચિનું ઉદાહરણ બધા જાણે છે. તેમણે દેવત્વની માનવતાની રક્ષા માટે પોતાના અસ્થિ પણ આપી દીધાં હતાં. ત્યાગની આ ભાવનાને જ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ માનવામાં આવે છે.
મહાભારતમાં પ્રસિધ્ધ કથા આવે છે કે અજ્ઞાતવાસ દરમ્યાન પાંડવો એક ગામમાં છુપાયા હતા. એ ગામમાં એક દૈત્ય દરરોજ એક ઘરમાંથી એક નરબલિ માગતો હતો. પાંડવો જે બ્રાહ્મણીને ત્યાં રહેતા હતા. એના જ પુત્રનો એક દિવસ વારો આવ્યો. બ્રાહ્મણી રડવા લાગી ત્યારે કુંતાજીએ એને આશ્વાસન આપતાં કહ્યું કે બેન રડીશ નહી. મારા પાંચ પુત્રોમાંથી એક પુત્રને હું મોકલીશ. પછી કુંતાજીએ પોતાના પુત્રોને આ વાત જણાવી તો તેઓ અત્યંત પ્રસન્ન થઈ ગયા કે આજે બીજા કોઈની રક્ષા માટે લોકહિત માટે બલિદાન આપવાનો અવસર મળ્યો છે. પાંચ પાંડવોમાંથી કોણ જશે તેની ચિઠ્ઠીઓ ઉછાળી તો એમાં ભીમનું નામ નીકળ્યું આથી ભીમ અત્યંત ખુશ થઈ ગયો અને તેણે કહ્યું કે આજે મારું ભાગ્ય ખુલી ગયું કારણ કે મને કોઈનો જીવન બચાવવાનો અવસર મળ્યો.
માનસકારે ધર્મની વ્યાખ્યા આપતા કહ્યું છે કે -
પરહિત સરિસ ધરમ નહિ ભાઈ ।
પરપીડા સમ નહી અધમાઈ ।।
એક બાજુ આપણી સંસ્કૃતિમાં ધર્મ તથા અધ્યાત્મની આટલી ઊંચી ભાવના છે, તો બીજી બાજુ આજે લોકો લોટરી લાગવાને સરકારી નોકરી મળવાને, વિદેશ જવાનો અવસર મળવાને, ઘરે પુત્રજન્મ થવાને જ સૌભાગ્ય તથા ભગવાનની કૃપા માને છે. પરંતુ એ સાચું અધ્યાત્મ નથી.
- જયેન્દ્ર ગોકાણી