Get The App

'આત્મ શક્તિ' એજ ખરી 'દિવ્ય શક્તિ' છે

Updated: Oct 8th, 2025

GS TEAM

Google News
Google News
'આત્મ શક્તિ' એજ ખરી 'દિવ્ય શક્તિ' છે 1 - image

સંત કબીરજીનો એક આપણા સહુના માટે દોહો છે કે આપણામાં જ ઇશ્વરે દિવ્યશક્તિ આપી છે. જે આપણે બીજાની મદદ માટે દોડયા કરીએ છીએ, ભટક્યા કરીએ છીએ. આનું નામ છે દિવ્ય ચેતના-દિવ્યશક્તિ.

જ્યોં તિલ માહિ તેલ હૈ

જ્યો ચકમક મેં આગ ।।

તેરા સાંઈ તૂજ હી મેં હૈ,

જાગ સકે તો જાગ ।। (સંત કબીર)

જેવી રીતે તેલ સમાયેલું છે અને ચકમકમાં આગ રહેલી છે એવી રીતે તારો ભગવાન દિવ્યશક્તિરૂપે તારામાં જ સમાયેલો છે. તું જાગી શકે તો જાગી જા.

આ જગતમાં સૌથી મોટામાં મોટી શક્તિ તે આત્મશક્તિ છે. કારણ કે બ્રહ્માંડના અધિપતિ પરમકૃપાળુ પરમાત્માએ આપણા હૃદયમાં જન્મતાની સાથે જ આપેલી છે. બીજા પાસે મદદ માગવા જવાના બદલે ખુદ પોતાના ઉપર ભરોસો રાખવો કારણ કે મદદ કરનાર બીજી કોઈપણ વ્યક્તિ કરતા એ સમર્થ શક્તિ આપણી અંદર જ છે. (અનુભવામૃત) ર્રૃેિ ય્ર્ઙ્ઘ ૈજ ૈહજૈઙ્ઘી અર્ે  આપણે જ આપણા ઘડવૈયા છીએ. આપણે જ આપણા તારણહાર છીએ. આપણામાં જ રહેલી દિવ્યશક્તિ એ જ પરમાત્માની શક્તિ છે.

ચાણક્યએ એમ કહેલું મેં પંચામૃતમાં વાંચેલું છે કે જેના કાર્યમાં ટાઢ, તડકો, ભય, પ્રીતિ, સમૃદ્ધિ કે અસમૃદ્ધિ વિઘ્ન કરી શકતા નથી તે જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મનોબળ દ્રઢ અને હિમ્મત હોય તો દુનિયાની કોઈ તાકાત આપણને સફળ થતા રોકી શકે નહીં. ગમે તેવી મુશ્કેલીઓની વચ્ચે પણ આપણી સાહસ યાત્રા ચાલુ રહે છે. તો મંઝીલ-મુકામ સુધી પહોંચી શકાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કોઈ કામ હાથ પર લઈએ અને મુશ્કેલી આવે કોઈ પ્રશ્નો ઉભા થાય ત્યારે હિમ્મત હાર્યા વિના અને હાર માન્યા વિના હિમ્મત રાખવી.

અડચણો ત્યારે જ દેખાય છે જ્યારે આપણે ધ્યેય પરથી આંખ ખસેડી લઈએ છીએ. (હેન્રી ફોર્ડ) આપણને ઇશ્વરે દિવ્ય શક્તિ આપેલી છે. જે અખૂટ છે.

કથામૃત :- અમેરિકાના યુટાહ રાજ્યના પોલ રોકિશની એક વાત છે. એ નાનો હતો ત્યારે તાંબાની ખાણ પાસે એનું કુટુંબ રહેતું હતું. એ વિસ્તારમા ંપહેલા તો સુંદર જંગલ હતું. પણ તાંબાની ખાણ પાસે નખાયેલી ભઠ્ઠીમાંથી નીકળતા 'સલ્ફર ડાયોક્સાઈડ' જેવા ઝેરી વાયુને લીધે ધીમે ધીમે આખું જંગલ સાફ થઈ ગયું.

આ વિસ્તારમાં જે કોઈ આવતું તેને તે ચૌદ હજાર એકરમાં પથરાયેલી આ જમીનમાં એક પણ ઝાડ, પક્ષી, પ્રાણી કે ઘાસનું તણખલું પણ જોવા મળતું ન હતું. આ ઉજ્જડ અને કાળી પડી ગયેલી જમીનમાંથી સતત વાસ આવતી હતી. એટલે લોકો આ જગ્યા વિશે ફાવે તેમ બોલતા. પોલને આ સાંભળીને ઘણું દુ:ખ થતું હતું. એકવાર એણે મનથી જ નક્કી કર્યું કે હું આ જમીનને પહેલાના જેવી જ હરીભરી કરીશ.

પોલનું કુટુંબ પછી તો બીજા સ્થળે રહેવા ગયું, પરંતુ તેના મનમાં આ વાત ખસી નહિ. થોડા વખત બાદ ફરી તેને આ વિસ્તારમાં જવાનું થયું. ત્યાં તાંબાની ખાણ પાસેની ભઠ્ઠીની ઓફિસમાં ગયો અને એ વિસ્તારમાં પહેલા જેવું જંગલ ઉભું થાય તે માટે ત્યાં પૂછયું તો તેને ત્યાંથી જવાબ મળ્યો : 'ના.'

'મને ઝાડ ઉગાડવા પ્રયત્ન કરવા દેશો ?' એમ પણ તેણે પૂછયું તો તેના જવાબ પણ 'ના' મળ્યો. આ લોકો પોલને કંઈ કરવા દેવા માગતા ન હતા.

પછી પોલને થયું કે પોતે જે કરવા માગે છે તેની પૂરી જાણકારી એણે મેળવવી જોઈએ. આથી તેણે કોલેજમાં જઈને વનસ્પતિ શાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો. કોલેજમાં એક એવા પ્રોફેસરના પરિચયમાં એ આવ્યો જે તે વિસ્તારના પર્યાવરણના નિષ્ણાત હતા. આ પ્રોફેસરનો મત પણ એવો હતો કે એ ઉજ્જડ જમીન ઉપર વૃક્ષો ઉગાડવાનો વિચાર સાવ મુર્ખાઈ ભરેલો છે. એ વિસ્તારમાં પહેલા જેવું જંગલ ઉભું કરવામાં વીસ હજાર વર્ષો લાગે ! તારી આખી જીંદગી આમાં વેડફી નાખીશ તો પણ કંઈ વળવાનું નથી.

પ્રોફેસરની આ વાત માનીને પોતાનું જીવન બીજી રીતે ગોઠવવાનું શરૂ કર્યું. જોગાનુજોગ એનું રહેવાનું ઉજ્જડ વિસ્તારની નજીક જ ગોઠવાયું. લગ્ન કર્યા, બાળકો પણ થયા પરંતુ પહેલા જેવું જંગલ ફરી ઉભુ કરવાનું ભૂલાયું ન હોતું. એણે વૃક્ષ વિશે નિરંતર અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. તે વિચાર તેના મનમાં ને મનમાં ઘોળાયા કરતો હતો.

ઉદ્યમ :- એવામાં એવું એક રાતે બન્યું હતું કે એકાએક તે જાગી ગયો. એને થયું કે કાર્ય ભલે ગમે તેટલું ભગીરથ હોય. પણ ઉદ્યમનું એક પણ ડગલું બસ છે. એ ન્યાયે એ તો ઉપડયો. ઝાડ વાવવા તેણ જે રોપા તૈયાર કર્યા હતા તે ઉપાડી શકાય તેટલા ઉપાડી નીકળી પડયો. રાતના અંધારામાં ગુપચુપ પેલી ઉજ્જડ જમીન ઉપર જઈને તેણે ઝાડના રોપા રોપવા માંડયા. સતત સાત કલાક તે રોપા રોપ્યા.

એક અઠવાડિયા પછી ફરીવાર એ જ પ્રમાણે કર્યું. આમ દર અઠવાડિયે પેલી ઉજ્જડ જમીન પર ગુપચુપ જઈને તેણે જાતજાતના ઝાડ પાન અને ઘાસ ઉગાડવા માટે રોપા રોપ્યા કર્યા. પણ ઘણાખરા સુકાઈ ગયા. ખાસ કંઈ ઉગ્યા નહિ.

આમ છતાં, તેણે મહિનાઓ સુધી નહિ પણ વરસો સુધી આમ કરવાનું સતત ચાલુ રાખ્યું. પંદર વરસની સતત આવી એકધારી મહેનતને લીધે ફરતા ઝાડ થયા તો ઘેંટા-બકરા ચરાવવાની બેકાળજીને લીધે બધું સાફ થઈ ગયું.

આ જોઈને પોલ ભાંગી ગયો, રડી પડયો પરંતુ તે હિંમત હાર્યો નહિ. ફરી ઉભો થયો અને રોપા રોપવાનું ફરીથી ચાલુ કર્યું. પણ કુદરતે એની કપરી કસોટી કરવા માંડી કે પ્રતિકૂળતાની ફોજ ખડી થઈ ગઈ. ગાત્રો થીજવી દે એવા પવનનાં સુસવાટા, બળબળતી ગરમી, ધસી પડતી ભેખડો, પૂરનાં પાણી વગેરેના કારણે એનું કર્યું બધું ધૂળમાં મળી જતું.

એક રાતે તે ત્યાં ગયો ત્યારે જોયું કે હાઈ વે પરનાં રસ્તા સમા કરનારાઓ એમને જોઈને ટન બંધ માટી તો ત્યાંથી લઈ ગયેલા પણ પોતે પરિશ્રમપૂર્વક સાથે પોલે રોપેલા બધા રોપા પણ તેઓ લઈ ગયા. બધું જ સફાચટ.

આ બધું બન્યું છતાં એ નાસીપાસ થયો નહિ. એણે રોપા રોપવાનું ચાલુ જ રાખ્યું.. બસ ચાલુ જ રાખ્યું.

કસોટી તો કૂદરત કરતી જ હતી. પણ સત્તાવાળાની નારાજી. કાયદાઓની કનડગત. રસ્તાઓનું સમારકામ કરનારાઓની તારાજી. આવી બધી પ્રતિકૂળતા છતાં પોલે તો દર અઠવાડિયે ત્યાં જવાનું અને કામ કરવાનું ચાલુ જ રાખ્યું. આવું વરસો સુધી કર્યે જ રાખ્યું. બસ કર્યે જ રાખ્યું.

આવી એકધારી સતત સાધના એળે થોડી જ જાય ? ધીમે ધીમે બહુ ધીમે ધીમે પોલના પરિશ્રમનું ફળ એવું થવા માંડયું. ઝાડ-છોડનાં મૂળ નખાયા. બધું જ ઉગવા લાગ્યું. આમ પૂરક બનવા ઉંદર, સસલા વગેરે પણ આવ્યા. વળી ભઠ્ઠીના માલિકોએ આખરે પોલને કામ કરવાની મંજૂરી પણ આપી દીધી.

સમય જતા એવું બન્યું કે સરકાર પણ પર્યાવરણ વિશે જાગૃત થઈ અને આ અંગે જે કંઈ થઈ શકે તે કરવા રાજકીય દબાણ પણ ઉભું થવા લાગ્યું. પછી એવું બન્યું કે ભઠ્ઠીના માલિકોએ જ પોલને પર્યાવરણ સુધારવાનું કામ કરવા નોકરીએ રાખ્યો ! પોલ તો આ કામ કરતો જ હતો. કંપનીએ તેને મશીનરી, માણસો વગેરે મદદ માટે આપ્યા. અને કામની પ્રગતિ વેગ પકડવા લાગી.

પરિણામ :- અને હવે તો ચૌદ હજાર એકરની આ વિશાળ જમીન ઉપર જાતજાતનાં ઝાડપાન, ઘાસ વગેરેથી તે હર્યુંભર્યું, હરિયાળું જંગલ ઉભું થઈ ગયું. વળી સાબર, ગરુડ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ પણ ત્યાં આવીને વસવા લાગ્યા.

પર્યાવરણને ક્ષેત્રે પોલની આ અનોખી સિદ્ધિની કદર પણ પછી તો ઘણી થઈ. યુટાહ રાજ્યને આ અંગેના લગભગ બધાં ય પારિતોષિકો એને મળ્યા.

પોલને આ અંગે પૂછતા તેણે કહ્યું : મેં તો એમ માનેલું કે હું જે કામ શરૂ કરીશ તેનું ફળ તો મારા અવસાન પછી જોવા મળશે. આ કાર્ય પાછળ પોલે એની આખી જીંદગી ખર્ચી નાખી. કિશોરવયે એમણે આ કામ હાથ ધર્યું હતું. પણ વાળ ધોળા થઈ ગયા પછી એ કામ પૂર્ણ થયું.

અશક્યને પણ તે પુરુષાર્થ, હિમ્મત અને વિશ્વાસથી શક્ય કરી બતાવ્યું. આપણે પણ તેનામાંથી પ્રેરણા લઈ મુશ્કેલીઓમાં પણ હિંમત અને પુરુષાર્થ કરી તેનો સામનો કરી સતત ધ્યેય સુધી કાર્યરત રહેવું જોઈએ (સદ્ગુણ પ્રેરક પ્રસંગોમાંથી)

ઉત્તમ ધ્યેય, પુરુષાર્થ, હિમ્મત અને વિશ્વાસ એ જ આપણા સહુના માટે ગુરુમંત્ર છે. જીવનને ધારણ કરનારા સદ્ગુણો તરફ ચિત્ત કેમ વળે એ આપણા હાથની વાત છે એ જ આ પ્રસંગનું હાર્દ છે. ।। ઇતિ।। આમ આત્મશક્તિ એ જ ખરી દિવ્ય શક્તિ છે.

- ડૉ. ઉમાકાંત જે. જોષી