અતિથિ દેવો ભવ: .
જાણે બારેય મેઘ એક સાથે ખાંગા થયા હોય તેવો મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. માણસ પોતાનો હાથ પણ ન જોઈ શકે એવો કાજળ ઘેરી રાત્રી જામી રહી હતી. ભક્ત દંપતી સુવાની તૈયારી કરી રહ્યું હતું. ત્યાં જ એમને બારણે ટકોરા પડયા. અત્યારે આવા વરસાદમાં કોણ હશે? પત્ની એ ધીરા સ્વરે પૂછયું - અતિથી સિવાય અત્યારે કોણ હોય? અતિથી દેવો ભવ. બિચારા વરસાદમાં પલળેલા હશે. જલ્દી જલ્દી બારણા ખોલો દેવી! પત્નીને સુચના આપતા ભક્ત બોલ્યા પત્નીએ બારણું ખોલ્યું. તો ઉંબરામાં ચાર અતિથીઓ ઉભા હતા. ભક્ત એ હૈયાનાં હેતથી એમનું સ્વાગત કર્યું. કાદવથી ખરડાયેલા એમનાં પગ ધોવડાવી એમને અત્યંત આદરપૂર્વક એમને ઘરમાં લઇ ગયા. અતિથીઓએ ભીના વસ્ત્રો કાઢી કોરા વસ્ત્રો પહેરી લીધા. ભીનાં વસ્ત્રો વળગણી પર સુકવી દીધા. સ્વચ્છ આસન પર અતિથીઓને બેસાડી સંત અંદરનાં ઓરડામાં બેઠેલી પત્ની પાસે ગયા. દેવી અતિથી ભૂખ્યા લાગે છે. એમનાં માટે ભોજનની તૈયારી કરો. પણ નાથ લાકડા બધા પાણીમાં પલળી ગયા છે. દિવસનાં તડકામાં સુકાયા પછી કામમાં આવે એમ છે. ઇંધણી વિના રસોઈ કેમ કરવી? તમે રસોઈની સામગ્રગી તો પહેલા બહાર કાઢો. હું થોડીવારમાં લાકડાનો પ્રબંધ કરી લાવું છું. થોડી વાર પછી અંતે તો લાકડાનો ઢગલો પત્ની સમક્ષ કરી દીધો. લાકડા આવતા તો પત્ની તો રસોઈ બનાવવામાં પ્રવૃત્ત થઇ ગયા. પત્નીએ સ્ફુર્તીથી એક કલાકમાં બાજરીનાં રોટલા અને શાક તૈયાર કરી નાંખ્યા. આ અરસામાં વરસાદ પણ રહી ગયો હતો. ભોજન કર્યા બાદ અતિથીઓ આગળ પ્રયાણ કરવાની તૈયારી કરવા લાગ્યા. એમને આગ્રહ કરતાં સંત બોલ્યા. અરે અત્યારે રાત વેળાએ ક્યાં જશો ? અહીં જ સુઈ રહો. એક બે દીવસ અહીં વિશ્રામ કરશો તો આપના સત્સંગનો લ્હાવો પણ અમને મળશે. બાપજી વરસાદ રહી ગયો છે. અત્યારે જવાની રજા આપો. અમારે એવું તાકીદનું કામ છે કે સવાર પડતા પહેલા તો મુકામે પહોંચી જવું જરૂરી છે. અતિથીઓનાં કામની અગત્યતા જાણી સંતે વધુ રોકવાનો આગ્રહ ન કર્યો. સંતની વહાલ ભરી વિદાય લઇ અતિથી વિદાય થયા. અંતે તો અતિથી સાથે બેસીને જ ભોજન કર્યું હતું. એટલે એ તો અતિથીને વિદાય આપી સુવાનાં ઓરડામાં ચાલ્યા ગયા. પત્ની વાસણ માંજવા બેસી ગયા. વાસણ માંજી વાસણ અભરાઈ ઉપર બરાબર ગોઠવી વધેલા ભોજનનો ઢાંક ઢબુરો કરી સુવાના ઓરડામાં પત્ની દાખલ થયા. એમનાં પગ આગળ વધતાં અટકી ગયા. હંમેશ, લાકડાનાં ઢોલીયામાં પોઢતા પતિદેવ આજે જમીન ઉપર પથારી પાથરી ને સુતા હતા. પત્ની એમની સમીપ જઇને ઉભા રહ્યા. પણ હજી જાગતા જ હતા. પથારીમાં બેઠા થઇ જતાં એ બોલ્યા. કેમ કાંઈ અચરજ લાગે છે ? હા અચરજ તો લાગે જને ? આપ જેનાં ઉપર પોઢો છો તે ઢોલીયો ક્યાં ગયો ? આપ જમીન ઉપર કેમ સુતા છો ? દેવી ઢોલીયો તો આજે અતિથી સેવાનાં કામમાં આવી ગયો. આપની વાતમાં કાંઈ સમજ પડી નહીં. અતિથીઓ માટે તમે જે રસોઈ કરી એ આ લાકડાનાં ઢોલીયા ઉપર કરી. મે કુહાડીથી કકડા કરી નાંખ્યા એટલે તમને ખબર નથી. ભીના લાકડાથી રસોઈ થાય એમ નહોતી. રસોઈ તૈયાર ન થાત તો આપણે ઢોલીયાં ધન્ય બની ગયો. ઢોલીયો તો બે-ચાર દિવસમા નવો તૈયાર થઇને આવશે. પણ અતિથી સેવાની તક આજે ચૂકી જાત તો કાયમ માટે મારી નિંદર ઉડી જાત. આમ કહી પતિ તો થોડીવાર પછી ઘસઘસાટ ઉંઘી ગયા. જમીન ઉપર પાથરેલી પથારી ઉપર પતિદેવ એવી રીતે પોઢયા કે જાણે છત્રપલંગ પર પાથરેલી એક મણની તળાઈ પર સુતા હોય. પતિદેવની આ અતિથી ભાવના ને પત્ની મનોમન વંદી રહી. આંગણે આવેલા અતિથીની સેવા કરી આતિથ્ય ધર્મ બજવનારા એ યજમાન હતા મહારાષ્ટ્રનાં વિખ્યાત સંત એકનાથ.
- ચેતન એસ. ત્રિવેદી