- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
પાર્વતીબેનના ફળિયાનાં અલગ અલગ ઘરોમાં આઠ-દસ પરિવારો રહે. બપોરના જમણ પછી કામથી પરવારીને કેટલીક બહેનો અલક-મલકની વાતો કરે. આ વાતમેળામાં પાર્વતીબેનને ખાસ રસ નહીં. નવરાશની પળોમાં એ એકાદ કલાક ગાયત્રી મંત્રજાપ કરે કે ગીતાનો સ્વાધ્યાય કરે. પુત્રવધૂ વર્ષા ઘરેથી ભરતકામનો ઉદ્યોગ કરે તેમાંય મદદ કરે અને પૌત્રી ઉમાને સાચવે.
પાંચ-સાત બહેનો બહાર ઓસરીમાં બેઠી હતી. એટલામાં પાર્વતીબેન કપડાં સૂકવવા બહાર આવ્યાં તો બહેનોએ આગ્રહ કર્યો કે, 'થોડી વાર અમારી સાથે બેસો.' એ કહે, 'અત્યારે ઘરમાં કામ ઘણું છે.' બધાં કહે, 'તમે ત્રણ-ચાર દિવસથી ક્યાં આવ્યાં છો ? વર્ષાવહુ કામ કરી લેશે. તમે થોડી વાર તો બેસો.' ને તે બેઠાં. મહિલામંડળના આ વાતમેળામાં પરિવારના સભ્યોની વિશેષતા અને સ્વભાવ વગેરે વિશે વાત ચાલતી હતી. ખાસ કરીને દરેક પોતાની પુત્રવધૂનાં સ્વભાવ, ટેવ, શોખ વગેરે વિશે વાત કરતી હતી.
પાર્વતીબેન બધું સાંભળે પણ મૌન છે. 'પાર્વતીબેન, તમે કાંઈ કેમ બોલતા નથી ?' તો તે કહે, 'મારા પરિવારમાં કોઈની કોઈ વિશેષતા નથી તો હું શું બોલું ?' બધાએ આગ્રહ કરીને કીધું કે, 'કાંઈક તો કહો ને કહો.' પાર્વતીબેન બોલ્યાં :
દીકરી મારી સાકર જેવી, જમાઈ ગોળનો ગાંગડો,
દીકરો તો મીઠાની ચપટી, ને વહુ તો કાશ્મીરી મરચું.
એ જ સમયે વર્ષા ફળિયામાં તડકો દેવા કઠોળ રાખેલાં તે લેવા આવી અને પાર્વતીબેનની આ બે પંક્તિ સાંભળી અને વિચારમગ્ન થઈ ગયા. એને થયું કે, 'સાસુમાને પરિવાર માટે આવી કેવી વિચિત્ર વાત કરી ?' જેમ જેમ વિચાર કરતી ગઈ તેમ તેમ તે દુ:ખી થતી ગઈ.
પતિ બાજુના ગામની હાઈસ્કૂલમાં શિક્ષક, તે ઘરે આવતાં જ વર્ષાએ કહ્યું, 'તમારી સ્કૂલની આજુબાજુમાં કોઈ મકાન ભાડેથી મળે કે કેમ તેની તપાસ કરો.' વસંત કહે, 'કેમ ? કોને મકાનની જરૂર છે ?' વર્ષા કહે, 'આપણા માટે'. વસંત કહે, 'કેમ શું થયું, આમ એકાએક ?' વર્ષા કહે, 'આ ઘરમાં હવે આપણે રહી શકીએ એમ નથી. બાને આપણી જરૂર નથી.' 'મને તારી વાતમાં સમજણ પડતી નથી. માંડીને વાત કર તો સમજણ પડે.' મહિલામંડળના વાતમેળામાં બાએ કહેલી બે પંક્તિ બોલતાં વર્ષા કહે કે, 'બા ને દીકરી સાકર જેવી મીઠી લાગે છે અને જમાઈ ગોળ જેવો ગળ્યો, દીકરો એટલે તમે મીઠા જેવા ખારા લાગો છો. હું એટલે કે વહુ તો તીખા મરચાં જેવી લાગું છું; માટે હવે આપણું આ ઘરમાં સ્થાન નથી. બા ભલે દીકરી-જમાઈની મીઠાશ માણે. તમારી ખારાશ ને મારી તીખાશ જો મારાં સાસુને અકળાવતી હોય તો મારે આ ઘરમાં શા સારું રહેવું ?' વસંત કહે, 'બા આવું વિચારે એ મારા માન્યામાં નથી આવતું.' વર્ષા કહે, 'તમે બા આવું બોલ્યાં હતાં કે નહીં તે પૂછી જોજો. એ બોલ્યાં હોય તો મારી વાત માનજો.' રાત્રે સૌ વાળું કર્યા પછી વસંતે પાર્વતીબેનને પૂછયું, 'આજે તમારાં બહેનોમાં શું શું ચર્ચા થઈ અને તમે શું કહેલું ?' પાર્વતીબેને બધી વાત કહી. વસંત કહે, 'શું બા, પરણ્યા પછી દીકરા-વહુ અકારા કે અપ્રિય થઈ જતાં હોય છે ?'
બા કહે, 'ભાઈ આવું નથી. તમે આ પંક્તિઓનો અર્થ બરાબર સમજ્યા નથી. દીકરી સાકર જેવી મીઠી એટલે કે મિષ્ટાન્ન બનાવવા માટે સાકર વપરાય. દરરોજ મિષ્ટાન્ન ન ખવાય. અમુક તહેવારે જ મિષ્ટાન્ન ખવાય. એમ દીકરી દરરોજ પિયરમાં ન શોભે, તહેવારે જ આવે તો શોભે ને પ્રિય લાગે... ને જમાઈ ગોળ જેવા. શુભ કે મંગલ પ્રસંગે ગોળની લાપશી બને, એમ જમાઈ પ્રસંગે આપણે ત્યાં આવે તો જ શોભે. દીકરો મીઠા જેવો એટલે કે બધા જ રસ હોય પણ મીઠું ન હોય તે વ્યંજન ખાવાયોગ્ય નથી. નમકની દિવસમાં ત્રણે ટાઈમ હાજરી જરૂરી છે એમ દીકરાની ઘરમાં હાજરી જરૂરી છે; ને વહુ કાશ્મીરી મરચું; એટલે મરચું રસોઈમાં દરેક ટાઈમે જરૂરી. જો તે ન હોય તો રસોઈ ફીક્કી લાગે, તેમ પુત્રવધૂ વિના ગૃહમંદિર સૂનું લાગે. વળી કાશ્મીરી મરચું ભડકમ કે ભયંકર તીખાશવાળું ન હોય, સામાન્ય તીખું હોય જેથી સ્વાદ વધે ને રસોઈમાં શાક-દાળમાં કલર આવે તેમ અમારી વહુ ઘરનું સૌંદર્ય છે ને પ્રિય છે' આ સાંભળીને વસંતવર્ષાએ હર્ષવિભોર થઈ પાર્વતીનાં ચરણસ્પર્શ કર્યાં.
જ્ઞાાનીઓ કહે છે કે, 'ક્યારેક ઉતાવળે અભિપ્રાય ન બાંધવા. સાંભળેલું બધું જ સાચું છે તેમ ચકાસ્યા વિના ન માની લેવું. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં વિવેકપૂર્ણ વિચાર કરવો. ઉતાવળે નિર્ણય પૂર્વગ્રહયુક્ત પણ હોઈ શકે.' પાર્વતીની પંક્તિ ગાંભિર્યપૂર્ણ અર્થઘટનથી રહસ્યોદ્ઘાટન થતાં, ગેરસમજનાં વાદળ વિખરાતાં સમજણનો સૂરજ ઊગ્યો.


