Get The App

આત્મજ્ઞાન થતાં જ તેની અસર બહાર દેખાય છે

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
આત્મજ્ઞાન થતાં જ તેની અસર બહાર દેખાય છે 1 - image

- ભીતરના કોડિયામાં દીવો પ્રગટે એટલે બહાર અજવાળું ફેલાયા વગર રહેતું નથી. પાંખ ભીડીને બેઠેલું પંખી પાંખો ખોલે એટલે આકાશમાં સંચાર થયા વગર રહેતો નથી. બીજમાંથી અંકુર ફૂટે એટલે માટી સુગંધાયા વગર રહેતી નથી

વર્ધમાન આઠેક વર્ષના થયા ત્યારે તેમને વિદ્યાગુરૂ પાસે ભણવા મૂકવામાં આવ્યા. શિલ્પવિદ્યાની સાથે સાથે અનેક વિદ્યાઓ શીખ્યા પણ કોઈ વિદ્યા તેમને સંતોષ ના આપી શકી. જીવ તરસ્યો જ રહ્યો. રાજ ખટપટમાં પડી રાજાધિરાજ બનવાની તેમને કોઈ ઈચ્છા નહોતી. હરીફરીને એક જ વિચાર આવતો. ''મનુષ્ય જન્મનો આ અનુપમ અને અપૂર્વ અવસર છે. આ જન્મમાં ચૂકી જવાશે તો સમ્ય્ગજ્ઞાન થવું દુર્લભ થઈ જશે.'' (સૂત્રકૃતાંગ ૨-૧૫) ગૃહત્યાગ કરી સાધુ થઈ જવાનો વિચાર ઘણી વાર થતો પણ માતા-પિતાનો ઉત્કટ પ્રેમ તેમને જકડી રાખતો. છતાં ભીતર એક બીજ રોપાઈ ગયું હતું. માતા-પિતાના આગ્રહથી તેમણે યશોદા સાથે લગ્ન કર્યાં. ગૃહસ્થાશ્રમ દરમ્યાન પણ તેમના આચાર-વિચાર દીક્ષા લીધેલા મુનિ જેવા લાગતા. અઠયાવીસ વરસની ઉંમરે માતા-પિતા સ્વર્ગે સીધાવ્યા. માતા-પિતાની હાજરીમાં દીક્ષા ના લેવાની પ્રતિક્ષામાંથી તે મુક્ત થઈ ગયા. પછી મોટાભાઈને દીક્ષા વિષે વાત કરી. મોટાભાઈ નંદિવર્ધને બે વરસ ગૃહસ્થ જીવન વીતાવવાનો આગ્રહ કર્યો. તેમણે બળજબરી ના કરી, દલીલ ના કરી, ઉતાવળ ના કરી. ચૂપચાપ અનાસક્ત ભાવથી જીવતા રહ્યા. બીજ ફળદ્રુપતા ધારણ કરી રહ્યું હતું.

ભીતરના કોડિયામાં દીવો પ્રગટે એટલે બહાર અજવાળું ફેલાયા વગર રહેતું નથી. પાંખ ભીડીને બેઠેલું પંખી પાંખો ખોલે એટલે આકાશમાં સંચાર થયા વગર રહેતો નથી. બીજમાંથી અંકુર ફૂટે એટલે માટી સુગંધાયા વગર રહેતી નથી. પત્ની યશોદા સાથે પતિ તરીકે, મોટાભાઈ અને બહેન સુદર્શના સાથે સ્નેહાળ ભાઈ તરીકે અને બીજાઓ સાથે ખૂબ જ સૌજન્યતાથી વર્તતા. કમળ પાણીમાં રહેવા છતાં અલિપ્ત રહે તેમ જીવતા. લીલા પાંદડા પર પડેલા ઝાકળના ટીપાંની માફક ઈન્દ્રિયકર્મોની કશી છાપ છોડયા વગર સરી જતા. દરેકને તેમના વર્તનમાં હૂંફાળી સુંવાળપ અનુભવાતી. એક અપ્રતિમ તેજ દેખાતું.

કોઈને બીજ મળી જાય એનો અર્થ એ નથી થતો કે તેને ફૂલ મળી ગયું. આ ગેરસમજથી તે સુગંધ અને સૌદર્યથી વંચિત રહી જાય છે. બીજમાં સુગંધ કે સૌંદર્ય નથી હોતું. બીજમાં સંભાવના હોય છે. બીજમાં ફૂલ છુપાયેલું હોય છે પણ બીજ એ ફૂલ નથી. જે છુપાયેલું છે તે પ્રગટ થવાનું બાકી છે. અવ્યક્તને વ્યક્ત થવાનું, સંભવિતને વાસ્તવિક થવાનું, સ્વપ્નને સત્ય થવાનું બાકી રહે છે, એ સંભાવનાને સત્ય કરવા વર્ધમાને ગૃહત્યાગ કર્યો હતો. ઊંડુ વિચારીએ તો સમજાય કે તેમણે નિજગૃહની શોધમાં ગૃહત્યાગ કર્યો હતો. કોઈ કિનારે પડેલાં છીપલાં છોડી મોતીની શોધંમા દરિયામાં ઉતરે તેને ભાગેડુ ના કહેવાય. સાધુ તરીકે બેંતાળીસ વર્ષ વીતાવ્યા બાદ તેમને કૈવલ્યપ્રાપ્તિ થઈ અને વર્ધમાન મહાવીર અર્હંત ભગવાન બન્યા.

'મન એવ મનુષ્યાણામ કારણમ્ બંધ મોક્ષયો' આપણું મન જ બંધન અને મોક્ષનું કારણ છે. મન પેરેશુટ જેવું હોય છે. એ ત્યારે જ કામ કરે છે જ્યારે તે ખૂલે છે. અણીના વખતે અથવા સાચો સંકેત મળતાં પડી રહેલું મન ખૂલે છે. ખૂલેલા મનમાં ભક્તિ કે સમ્યગદર્શનની હવા ભરાય છે અને જીવ લૌકિક અથડામણથી બચી જાય છે. સમજ પડતાં જ તેની અસર દેખાય છે.

સંત એકનાથજીના આશ્રમમાં ઘણા જિજ્ઞાસુઓ ધ્યાન સાધના અને સત્સંગ માટે આવતા હતા. પુરણ નામનો એક છોકરો તેની વિધવા મા સાથે આવ્યો હતો. સૌ તેને ખીજવતા હતા. કામ-ધંધો ના કરવો પડે એટલે પેટ ભરવા માતાને લઈને રહેવા આવ્યો છે પુરણ કશો જવાબ ના આપતો. ટીકાઓ હસતે મોઢે સહી લેતો. ગુરૂજીના પ્રવચનો ધ્યાનથી સાંભળતો. આશ્રમના નાના મોટા કામમાં હાજર રહેતો. ગુરૂજી તો ઠીક આશ્રમવાસીઓની પણ સેવા કરતો. એકનાથજી તેના વ્યવહારથી ખુશ હતા. તેમને તેના સદ્ભાવી વ્યવહારમાં મનની પરિપકવતા દેખાતી. અંતરગુહામાં સમજણના આગિયા ઝબૂકે એટલે તેનું તેજ બહાર દેખાયા વગર રહેતું નથી. જીવનની અંતિમ ઘડીઓમાં એકનાથજીએ સૌને ભેગા કર્યાે તે એક આધ્યાત્મિક ગ્રંથ લખી રહ્યા હતા. ''હું જે ગ્રંથ લખી રહ્યો છું. જો તે અધૂરો રહી જાય તો પુરણ પાસે પુરો કરાવજો.'' ઘણાએ કહ્યું 'ગુરૂજી તમારો પુત્ર હરિ જ્ઞાની છે. લાયક છે. ''સંત એકનાથજીએ કહ્યું - હા, હરિ મારો પુત્ર છે. લાયક પણ છે. પણ જ્ઞાનનો વારસો પુત્રને નહિ શિષ્યને અપાય.'' તેમના મૃત્યુ બાદ હરિએ ગ્રંથ પુરો કરવાનો જીદ કરી પણ તે સફળ ના થયો. છેવટે તે ગ્રંથ પુરણે સમાપ્ત કર્યો.

અંતર્જ્ઞાનનો અર્થ એ નથી કે આપણને ઈશ્વર મળી ગયા. અંતર્જ્ઞાનનો અર્થ એ છે પરમતત્વની ઝલક મળી ગઈ. પછી માનવ જીવનને સાબિત કરવા કશું ઉમરેવાની જરૂર રહેતી નથી. બલકે લક્ષ્ય સુધી પહોંચવા જે નકામું છે, નગણ્ય છે, નિરર્થક છે, નડતરરૂપ છે તેને છોડવાનું છે. ભાર જેટલો ઓછો હશે એટલું ઝડપથી ચલાશે. એકવાર ખરાખોટાની આકલન શક્તિ કેળવાઈ જાય પછી બાકીનું જીવન કેવડાના પડાની જેમ સુગંધાઈ જાય છે.

અંગુલીમાલે આસપાસના ગામોમાં હાહાકાર મચાવી દીધો હતો. લોકોને મારી તેમની આંગળીઓનો હાર બનાવી પહેરતો. તે એક દિવસ ભગવાન બુધ્ધના સંસર્ગમાં આવ્યો. બુધ્ધના એક જ તેજીલા વાક્યથી તેની હૃદયગુફાનું અંધારૃં કાયમ માટે દૂર થઈ ગયું. તે મુંડન કરાવી, કાષાયવસ્ત્ર પરિધાન કરી ભિક્ષુસંઘમાં જોડાયો. લોકોએ માથું ફૂટી ગયું ત્યાં સુધી માર્યો, પણ તે હસતો રહ્યો. તે ભીતરથી એટલો પરિપક્વ થઈ ગયો હતો કે છેવટે સર્વ હિંસામાંથી મુક્ત થઈ ગયો.

કાચી કેરી પાકી થાય ત્યારે પાકી તો અંદરથી થાય છે. પણ ધીરે ધીરે તેની અસર તેના લક્ષણો (Symtoms) બહાર દેખાય છે. તેનો રંગ, ગંધ અને સ્વાદ પણ બદલાય છે. એમ આત્મજ્ઞાન થતાં જ માણસ ધીરે ધીરે પરિપક્વ થાય છે અને બાહ્ય વર્તનમાં સ્થિરતા અને કુમાશ આવે છે.

- સુરેન્દ્ર શાહ