Get The App

ઉધઈનું બીજું નામ એટલે : ઈર્ષા

Updated: Sep 3rd, 2025

GS TEAM

Google News
Google News
ઉધઈનું બીજું નામ એટલે : ઈર્ષા 1 - image

કુદરતે બધાને અલગ અલગ રૂપરંગ આપ્યા છે. તેમ છતાં અચરજની વાત એ છે કે, દરેકને બીજી વ્યક્તિમાં પોતાનાથી કંઈક વિશેષ દેખાય છે. દેખાવ, ગુણ, પદ, પૈસો બધાની પાસે એકસરખા નથી હોતા. વ્યક્તિનો ઉછેર, ઘરનું વાતાવરણ, ઘરના સંસ્કાર, આસપાસનું વાતાવરણ, સંગત-સોબત વગેરે વ્યક્તિના ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ તમામ પરિબળોથી માણસનો સ્વભાવ ઘડાય છે. માણસના ગુણો-દુર્ગુણો આમાંથી જ ઉદભવે છે.

ઈર્ષા એક એવો દુગુર્ણ છે, જે માણસ છુપાવે તો પણ સપાટી ઉપર આવી જ જાય છે. માણસની ભાષા, વર્તન અને આંખોના હાવભાવ ઈર્ષાળુ હોવાનો પુરાવો આપી જ દે છે. આમ જોવા જઈએ તો ઈર્ષા એક પ્રકારની માનસિક બીમારી જ છે. કોઈનું સારું ન જોઈ શકનાર યા તો સામેની વ્યક્તિમાં રહેલી વિશેષતાનો પોતાનામાં અભાવ જણાય ત્યારે વ્યક્તિ ઈર્ષાથી પીડિત રહેવા લાગે છે. કારણ વગર પછીએ દરેક વ્યક્તિમાં કમીઓ શોધવા લાગે છે. જેની ઈર્ષા થતી હોય એને તો કશો ફેર પડતો નથી. ફેર તો માત્ર ઈર્ષા કરનારને જ પડે છે. એ આનંદથી વંચિત રહી જાય છે. એનું મોઢું હંમેશા ફુલેલું જ જોવા મળે છે.

ઈર્ષાળુને કોઈની સાથે બનતું ન હોવાથી તેનો સ્વભાવ ઝગડાળું બની જતો હોય છે. પરિણામે એ કોઈમાં ભળી ન જવાને કારણે એકલો પડતો જાય છે. અંદરખાને આ એકલતા એને ઉધઈની જેમ કોરી ખાય છે. બીજાને પણ પોતાના જેવા ઝેરીલા ધારી લેવાથી એ પોતાની સારીખોટી વાત છુપાવે રાખે છે, જેથી અકારણ ગુસ્સો, ઉદ્દંડતા અને ઉધ્ધતાઈ એના સ્વભાવમાં ડેરા નાખે છે.

ચોરીછુપીથી પ્રવેશ કરતી ઉધઈ આખા મકાનને જેમ ભયંકર નુકશાન કરી શકે છે તેમ મનુષ્યરૂપી આ ભાડાના મકાનને ઈર્ષાથી બચવા સત્સંગ, ચિંતન-મનન, વાંચનનો યોગ્ય ઉપયોગ જરૂરી થઈ પડે છે. આ તમારા ભાડાના મકાનને સ્વચ્છ, સુંદર અને ચકાચક રાખવા ઈર્ષાની ઉધઈ તમારા મન પ્રદેશમાં પ્રવેશ ન કરે એટલી તકેદારી તો રાખવી જ રહી નહિ તો ભગવાને બક્ષેલા સુંદર રૂપરંગમાં નૂર જ નહીં બચે. કારણ કે ઈર્ષા તમને અંદરથી કોરી ખાશે. ઈર્ષા તમને મૂડમાં નહીં રહેવા દે. માટે ઈર્ષાને બદલે કોકની પ્રસંશા કરો. કોકની વિશેષતાને બિરદાવો. એને આવકાર આપો.

- દિલીપ રાવલ