- લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના અન્નકૂટ ઉત્સવને 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં' સ્થાન પ્રાપ્ત થયું છે !!!
કાર્તિક સુદ પ્રતિપ્રદાનો ઉત્સવ તે અન્નકૂટ ઉત્સવ. અન્નકૂટ ઉત્સવના પ્રેરક કૃષ્ણ ભગવાન છે. વર્ષાના પ્રતાપે ખેતરમાં ઉગેલું અનાજ આસોમાં ઘરમાં આવી જાય, અનાજના ભંડાર ભરાઈ જાય તેથી કાર્તિકના પ્રથમ દિને ગોકુળમાં વર્ષાના દેવ ઇન્દ્રને નૈવેદ્ય ધરવામાં આવતું.
ભગવાન શ્રીકૃષ્ણને આ ઉપાસના રીતિ ન રૂચિ. દેવો તો આખરે સ્વર્ગના પતિ, તેમનો આશરો લઈ સ્વર્ગની જ પ્રાપ્તિ થવાની. ક્યાં ભગવાનનું અક્ષય-પરમધામ અને ક્યાં ક્ષય પામતું સ્વર્ગ ? ક્યાં ભગવાનનું શાશ્વત સુખ અને ક્યાં સ્વર્ગનું વિલાસમય સુખ ? ભગવાને નંદ, વૃષભાનું આદિક વડીલોને સમજાવ્યા. સૌને ભગવાનની વાત મનાઈ ગઈ. ભગવાનની આજ્ઞાથી તે વર્ષે ઇન્દ્રની પૂજા ન કરતા ગોવર્ધનની પૂજા કરી વિવિધ મિષ્ટાન્ન અને શાક વગેરે ખાધ પદાર્થોના ઢગલા કરી કરીને મોટા મોટા પાત્રમાં મૂકયા અને ગોવર્ધન પર્વતને ધરાવ્યા. ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતમાં રહીને જમ્યા તેવી પ્રતીતિ સહુને આવી. અહીંથી શરૂ થયેલ અન્નકૂટોત્સવો ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ભક્તિ પરંપરાની એક અનુપમ પ્રસ્તુતિ બની રહ્યા છે.
સમગ્ર વિશ્વમાં શ્રી સ્વામિનારાયણ મંદિરો, હવેલીઓ, શ્રી જગન્નાથજી મંદિર તેમજ અન્ય મંદિરોમાં ભગવાન સમક્ષ હજારો વાનગીઓનો કલાત્મક અન્નકૂટ રચીને ભગવાનની ભક્તિનું એક અનેરૂ દર્શન કરાવે છે.
ગોવર્ધન પૂજાથી શરૂ થયેલી અન્નકૂટોત્સવની ભક્તિ પરંપરાનું ભગવાનશ્રી સ્વામિનારાયણે નવસંસ્કરણ કર્યુ અને ધર્મે સહિત ભક્તિનો બોધ આપીને તેનો મહિમા વધાર્યો. ભગવાન સ્વામિનારાયણની એ દિવ્ય પ્રેરણાને પૂજય મહંતસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના બારસો કરતાંય વધુ મંદિરોમાં સાકાર કરીને અન્નકૂટોત્સવની પ્રાચીન પરંપરાને વિશેષ દેદીપ્યમાન બનાવી છે.
બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થાના વિશ્વભરના મંદિરોમાં આદિવાસીઓના ગામડાઓથી લઈ વિશ્વના મહાનગરો સુધી સર્વત્ર અન્નકુટોત્સવનો માહોલ પ્રતિવર્ષ ચઢીયાતો અનુભવાય છે.
લંડનના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના અન્નકૂટોત્સવને 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ' માં સ્થાન પ્રાપ્ત થયું છે. સમગ્ર વિશ્વમાં કદાચ સર્વપ્રથમ વખત જ કોઈપણ દેશના સંસદ ભવનમાં અન્નકૂટ ઉત્સવ થયો હોય તો તે બી.એ.પી.એસ. દ્વારા ઇગ્લેન્ડનાં ' હાઉસ ઓફ કોમન્સ' માં ઉજવાયો. ભારતીય ભક્તિ પરંપરાના અન્નકૂટ ઉત્સવને બ્રિટનની પાર્લામેન્ટ સુધી પહોંચાડવાનું ઇતિહાસ- પૃષ્ઢ પ્રમુખસ્વામી મહારાજના હસ્તે ઉમેરાયું છે.
બી.એ.પી.એસ.ના લંડન, શિકાગો, રોબીન્સવીલ, હ્યુસ્ટન, ટોરન્ટો, નૈરોબી, પર્થ, નવીદિલ્હી, અમદાવાદ, રાજકોટ, આણંદ વગેરે સેન્ટરોમાં ઉજવતા અભૂતપૂર્વ મહાઅન્નકૂટનું આકર્ષણ પ્રતિ વર્ષે હજારો ભાવિકોને હૈયે ભક્તિનો નિરાળઓ આનંદ છલકાવે છે.
ભાવનગર ખાતે અક્ષરવાડીમાં પણ અન્નકૂટ ઉત્સવની આગવી જમાવટ હોય છે. અહીં ૧૨૦૦ થી વધુ વાનગીઓનો જમ્બો- વિરાટ કલાત્મક અન્નકૂટ ઠાકોરજી સમક્ષ ધરવામાં આવે છે. ભવ્ય ડેકોરેશન, દિવડાઓનો ઝળહળાટ, અવનવા શણગારથી શોભતી નયનરમ્ય પ્રભુની મૂર્તિઓ, તથા ભાતભાતના ભોજનની સુશોભન સાથેની ધ્યાનાકર્ષક ગોઠવણીના દર્શનથી ભાવનગરના ભાવિકો દંગ રહી જાય છે. અહીં ઘડીભર આંખોનું મટકવું બંધ થઈ જાય એવો અદ્ભુત-ભવ્ય-દિવ્ય-પ્રચૂર અન્નકૂટ રચાય છે.
- કિશોર ગજજર


