Get The App

કન્હૈયા, કન્હૈયા તુજે આના પડેગા... વચન ગીતાવાલા નિભાના પડેગા...

Updated: Aug 21st, 2019

GS TEAM

Google News
Google News
કન્હૈયા, કન્હૈયા તુજે આના પડેગા... વચન ગીતાવાલા નિભાના પડેગા... 1 - image


સાંપ્રત સમય એવો પસાર થઈ રહ્યો છે કે સૌ કોઈને એમ થાય કે ભગવાન શ્રીકૃષ્ણને એમનું પેલુ યદા યદા હિ ધર્મસ્ય... વાળુ વચન યાદ કરાવીએ. આજની એમની હેપ્પી બર્થના દિવસે એમ કહીએ કે આ આજનો માનવી દિવસે દિવસે તમામ પ્રકારની માઝા મૂકી રહ્યો છે. જાણે કે ઉપદ્રવ બની ગયો છે. પણ આ માનવી વગરની દુનિયા તો શક્ય જ નથી પણ માનવમાં સુધારો થઈ શકે. જાતે માણસ તો સુધરવા માગતો નથી. આ માનવીને સુધારવાનું કામ કેવળ તમારા જ હાથમાં છે. એમ કહી આ કાનુડાને આજે આપણે સૌએ એમના ગાલે ચિમટો ભરીને ધમકાવવો પડશે કે હજુ તારી આંખો નથી ઊઘડતી..! કાના.

અમારી તો તને હેપ્પી બર્થડે કહેવાની શું હેસિયત..? અમારો તો આખો જન્મારો જ તમારા હાથમાં છે પ્રભુ. તમારું સ્મરણ-રટણ અમારા માટે આશ્વાસન બની જાય છે. ક્યાંક રસ્તો દેખાય છે. માર્ગ સૂઝે છે. એ વાત અલગ છે કે એમાં રાધા જેવું સમર્પણ કે મીરા જેવી દિવાનગી અમારામાં નથી પ્રગટતી.

અમારો દંભ, આડંબર, ઢોંગ તારાથી ક્યાંથી અજાણ હોય અંતર્યામી. તમો સ્વયં આનંદમૂર્તિ છો તો ય આનંદને ને માનવીને છેટું પડી ગયું છે વ્હાલા. પ્રભુ ગીતાના દરેક અધ્યાયના અગત્યના તમામ શ્લોકો મોઢે છે, અર્થ સાથે. તો ય અમોને જીવતા નથી આવડતું. કાનુડા તારી જેમ નટખટ બનતાં નથી આવડતું સ્વામી. ગોકુળની તમારી નિર્દોષ રમત અહીંયાં જુગારમાં પરિવર્તિત થઈ ગઈ છે. કોઈ બરબાદ થાય છે, કોઈ બરબાદીની શરૂઆત કરે છે. તમો ત્યાં ગાયો ચરાવતા હતા એ વાંચી-સાંભળી અહિંના મોટા મોટા સાહેબો ચરી ખાતા શીખી ગયા છે. તમો તો ગાયોનું પેટ ભરતાતા, અહિં તો બીજાનું પેટ લોકો, એટલે કે તમારા ભક્તો ખાલી કરાવડાવે છે. લોકોના પારાવાર નિસાસા લેવાય છે, ઘનશ્યામ.

પ્રભુ, તમો એક એવા એકલા ભગવાન છો કે તમને અમે અમારા સગા છોકરાને ઝૂલાવીએ એમ... ગોપાલ મારો... પારણિયે ઝૂલે રે... તને રમાડી લઈએ છીએ. તમારો હેપ્પી બર્થ ડે... એટલે અમારે અહીં ચારેકોર... સિસોટીઓ, પિપુડીઓ, ટોપી, રમકડાં, વેલણ, ધોકા, આડણી, મેવા-મીઠાઈ, બંગડીઓ, રંગબેરંગી રૂમાલોનું નજરાણું બની જાય છે. જોબનિયું રંગ, ઠસ્સો અને સુગંધ સાથે ચકડોળે ચઢવા લાગે છે. આજના આ તારા હેપ્પી બર્થના દિવસે હે રાધા-રમણ... જ્યાં જુઓ તો યુવાનોના ટોળા, કન્યાઓના સપનાઓ જ દેખાય પ્રભુ. આજે અબાલ-વૃધ્ધ સૌ બાળક બની જાય છે. તારા નામે ઉજવાતો આ મેળો મેળ-મિલાપ પણ કરી આપે છે. નટખટ મન એની મેળે ક્યાં મળી જાય છે, આ તારા મેળામાં નંદલાલા.

આ તારા ઉત્સવમાં હે ગોવિંદા આનંદની હેલી. જ્યાં જુઓ ત્યાં આંખોનું ઉપવન, ભજનોનું પૂર તથા માણસોની વૃત્તિઓને વિહરવાનું મોકળું મેદાન મળી જાય છે, ગોપાલા. તારો નટખટ નિર્દોષ આનંદ-અંદાજ અહીં વાસનાના ભડાકા કરાવડાવે છે, શામળિયા.

પાતાળમાં જઈ તમે ભલે કાળી નાગને નાથ્યો હોય, પણ માણસને નહી નાથો તો તે તમારા ઉપર પણ ચઢી બેસશે, હા..! એ તને પણ નહીં ગાંઠે. ભલે માણસ આખી જિંદગી ડાળ ડાળ પર પક્ષીબોલ ભજન રટતો હોય પણ આખા ભજનમાં જ્યાં જ્યાં તું એમને દેખાય છે, પણ જાતમાં જ તું છુપાયો છે એ તો કોઈ શોધતું જ નથી, કાના. હે મુરારિ, હે અંતર્યામી તારો સમય ના થયો હોય તો ના આવતો પણ, અમારી વિચારધારા બદલાય, થોડું ડહાપણ ખરી પડે, થોડી સમજણ પાક્કી થાય, થોડા પોતાના જીવનના અધ્યાયને સમજીએ એવું કાંક કર વ્હાલા. હે પ્રભુ, ર્જીંઇઇરૂ. તને ઠપકો આપવા નહિં, ખિજાવા માટે આ ગીત ગાયું છે.

બાકી હે, શ્યામ. તારા નામે આનંદ તો કરવાના જ.

- અંજના રાવલ

Tags :