જીવનને સમાધિમગ્ન રાખવાનું મજાનું સૂત્ર: સુખની યાદ છોડો.. દુ:ખની ફરિયાદ છોડો...
અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
આ વિશ્વની 'સુપરપાવર' મહાસત્તા કઈ ? અમેરિકા-ચીન કે રશિયા ? ના, રાજનીતિજ્ઞાો ભલે આ કે આના જેવા કોઈ સમર્થ દેશને વિશ્વની 'સુપર પાવર' મહાસત્તા માને. પરંતુ તાત્વિક ભૂમિકાએ વિચારીએ તો આ સચરાચર સમગ્ર વિશ્વની સર્વ કાલીન ભૌતિક 'સુપર પાવર' માનતું હોય તે સિકંદર- શાહજહાં કે હિટલર વગેરે સત્તાધીશો હો : કર્મસત્તા સામે એમને પણ મજબૂર થઈને ઝૂકવું પડયું છે.
જે રાવણે ઇન્દ્ર નામે મહાસમર્થ વિદ્યાધર રાજવી પાસે લંકાની શેરીઓની સંજવારી કઢાવી હતી એ જ રાવણને કર્મસત્તાએ જોરદાર થપાટ મારી ત્યારે એને રણમાં રોળાઈને ખતમ થઈ જવું પડયું હતું, તો 'સોયની એક તસુ જેટલી ભૂમિપણ પાંડવોને નહિ આપું' તેવો હુંકાર કરનાર મદોન્મત્ત દુર્યોધને કર્મસત્તાએ જબરજસ્ત આંચકો આપ્યો ત્યારે સર્વસ્વ ગુમાવીને કુરુક્ષેત્રની ભૂમિમાં એને કણસતાં કણસતાં મરવું પડયું હતું.
વિશ્વભરમાં જેનું રૂપસૌંદર્ય સર્વશ્રેષ્ઠ ગણાતું હતું તે ચક્રવર્તી સનત્ કુમારને કર્મસત્તાની લાલ આંખ થતાં ઘડીના છટ્ઠા ભાગમાં સત્તર સત્તર ભયાનક રોગોના ભોગ બનવું પડયું હતું, તો રામચન્દ્રજી અને પાંડવો જેવી ઉત્તમ વિભૂતિઓને કર્મસંયોગવશ દીર્ઘકાલીન વનવાસ વેઠવો પડયો હતો.
કર્મસત્તા જ્યારે રૂઠે છે ત્યારે જેમ ભલભલી હસ્તીઓની હસ્તી નેસ્તનાબૂદ કરી દે છે, તેમ એ કર્મસત્તા જ્યારે રીઝે છે ત્યારે સાવ મામૂલી- મુફલીસ વ્યકિતઓને એ મહત્ત્વની બનાવી દે છે- બેવકૂફને ય બાહોશ બનાવી દે છે. રૂઠેલી કર્મસત્તાને જૈન તત્વજ્ઞાાનની પરિભાષામાં અશુભ કર્મનો ઉદય કહેવાય છે, તો રીઝેલી કર્મસત્તાને જૈન પરિભાષામાં શુભકર્મનો ઉદય કહેવાય છે. આ બન્ને પ્રકારના કર્મોના ઉદયનું- પરિણામનું ચિંતન કરવું તેને કહેવાય છે કર્મવિપાકનું ચિંતન. 'જ્ઞાાનસાર' ગ્રન્થના સર્જક મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજીગણિવર એ ગ્રન્થના એકવીશમાં અષ્ટકમાં પ્રસ્તુત કરે છે.
આ કર્મવિપાકનું મસ્ત ચિંતન. અલબત્ત, એ અષ્ટકમાં એમણે અશુભ- કર્મોના ઉદયથી થતાં નુકસાનોના નિર્દેશરૂપ કર્મવિપાકનું મુખ્યત્વે ચિંતન કર્યું છે. છતાં એના પ્રથમ શ્લોકમાં તેઓએ શુભ અને અશુભ બન્ને પ્રકારના કર્મોના ઉદયનો વિપાક દર્શાવીને, એ સમયે સાધકે કેવો અભિગમ દાખવવો જોઈએ એનું અફલાતૂન માર્ગદર્શન આપ્યું છે. એ પ્રથમ શ્લોકમાં તેઓ લખે છે કે :
દુ:ખં પ્રાપ્ય ન દીન: સ્યાત્, સુખં પ્રાપ્ય ચ વિસ્મિત :
મુનિ: કર્મવિપાકસ્ય, જાનન્ પરવંશ જગત.
જરા સમજીએ આ શ્લોકના વિચારસ્ફુલિંગને સામાન્યત : એમ બને છે કે દુ:ખોની ઝંઝાઝડી વરસે, અણધારી આફતો ઉપરાઉપરી લમણે ઝિંકાય અને જિંદગીની સરલ રફતાર 'એવરેસ્ટ'નાં આરોહણ જેવી દુર્ગમ બની જાય ત્યારે માનવી નાસીપાસ-નિરાશ થઈ જઈ દીનતાનો- લાચારીનો અનુભવ કરે છે. અરે ? ક્યારેક તો એ હતાશાની પરાકાષ્ઠાએ આત્મહત્યા સુધી ય પહોંચી જતો હોય છે. એથી વિપરીત સફલતા સામેથી લલાટતિલક કરવા આવે, અણધાર્યો આર્થિક લાભ થાય, કલ્પનાતીત સામાજિક પ્રતિષ્ઠાદિ મળે ત્યારે માનવી અહંકારનો- ગર્વિષ્ઠતાનો અનુભવ કરે છે. અરે ! ક્યારેક તો એ 'હું જ બધું છું' આવા કાતિલ કેફમાં રમતો થઈ જાય.
એકવીશમા અષ્ટકનો પેલો પ્રથમ શ્લોક ત્યારે સરસ- સચોટ માર્ગદર્શન આપે છે કે' સુખ-દુ:ખ સફલતા-નિષ્ફલતા આખર તો શુભ- અશુભ કર્મોના પરિણામસ્વરૂપ છે' આવી સમજ કેળવીને સાધક પુણ્યાત્મા- શ્રમણ દુ:ખ આવે ત્યારે દીન-લાચાર થઈ જતો નથી અને સુખ આવે ત્યારે અહંકારી બની જતો નથી. કર્મવિપાકચિંતનનાં માધ્યમે સુખ-દુ:ખમાં સ્વસ્થતા જાળવી રાખવાનો આ અભિગમ એવો અદ્ભુત છે કે જે વ્યકિતને આત્મહિતની દૃષ્ટિએ નુકસાનકારી આર્તધ્યાનથી તો બચાવે જ, ઉપરાંત બાહ્ય દૃષ્ટિએ પણ વ્યકિતને સ્વસ્થ- તનાવમુક્ત બનાવી રાખે...
એક વાત ખબર છે ? દુ:ખ કરતાંય સુખ વધુ ખતરનાક પુરવાર થતું હોય છે એમ શાસ્ત્રકારોનું અને ચિંતકોનું પણ મન્તવ્ય છે. કારણકે દુ:ખમાં વ્યકિત મહંદશે પ્રભુ-સ્મરણાદિમાં જોડાઈ જાય છે અને એ સમયમાં જીવનના કઠોર બોધપાઠ મેળવીને ઘડાય છે. નમ્ર બને છે. જ્યારે સુખના સમયમાં સાર્વત્રિક સફળતા મળતી હોય ત્યારે વ્યકિત મહદંશે બની જાય છે. અતિશય સુખ- સફલતામાં મહાલનાર વ્યકિતઓને કર્મસત્તા જ્યારે કારમી પછડાટ આપે ત્યારે એમની હાલતકેવી કફોડી થઈ જાય એનો સરસ નિર્દેશ કરતાં ગ્રન્થકાર આ અષ્ટકનો બીજો શ્લોક આ ફરમાવે છે કે :
યેષાં ભ્રૂભઙ્ગમાત્રેણ, ભજ્યન્તે પર્વતા અપિ,
તૈરહો કર્મવૈષમ્યે, ભૂપૈર્ભિક્ષાડપિ નાપ્યતે.
ભાવાર્થ કે જેમની આંખના એક ઇશારામાત્રથી સેવકો- સૈનિકો પર્વતોના પણ ભુક્કે ભુક્કા બોલાવી દે તેવા મહાસામર્થ્યશાલી સમ્રાટોને જ્યારે કર્મસત્તાની સણસણતી અવળી થપ્પડો પડે ત્યારે ભીખ માંગતા ય પેટ ભરવાના ફાંફા થઈ જાય છે?? ગ્રન્થકારની આ વાતને અક્ષરશ : સાર્થક થતી નિહાળવી હોય તો વાંચો ફ્રાન્સના ભાગ્યવિધાતા તરીકે પંકાયેલ નેપોલીયન બોનાપાર્ટ તથા હિંદુસ્તાનના છેલ્લા મોગલ બાદશાહ બહાદુરશાહ' ઝફર'ના પરિવારજનોના આ પ્રસંગો :
એક સામાન્ય વિધવા માતાના પુત્રમાંથી અનેક યુદ્ધોના વિજેતા પરાક્રમી સમ્રાટ સુધીની સફર ખેડનાર નેપોલીયનના દિમાગમાં સફલતાની રાઈએ હદે ભરાઈ ગઈ હતી કે એ ઘણીવાર જાહેરમાં બોલતો : ' હું એક જ ઇશારો કરીશ ત્યાં ફ્રાન્સની મશહૂર આલપ્સ પર્વતમાળાના પર્વતોએ મારા માર્ગમાંથી હટી જવું પડશે.' મતલબ કે મારી પાસે એવી સૈન્યતાકાત છે જે મારો માર્ગ રુંધનાર આલ્પ્સ પર્વતોના ય ભુક્કા બોલાવી દેશે. આવો તોતિંગ અહંકાર રાખનાર નેપોલીયન પર કર્મસત્તાનો કરડો કોરડો વિંઝાયો અને એ 'વોટરલૂ'ના યુદ્ધમાં પરાજિત થયો. એના શત્રુઓએ એને કેદ કરી સેંટ હેલીના ટાપુ પર આજીવન એકાકી કારાવાસમાં રાખવાનો નિર્ણય કર્યો.
બંદીવાન નેપોલીયનને ટાપુ ઉપર લઈ જવાતો હતો એ માર્ગ એકદમ સાંકડો હતો. સામસામે બે વ્યકિત આવી જાય તો એકે બાજુમાં ઉતરવું જ પડે એટલો નાનકડો કેડીમાર્ગ એ હતો. અચાનક એવું બન્યું કે સામેથી એક મજૂર સ્ત્રી માથે ભારો લઈને આવતી દેખાઈ. એ એકદમ નજીક આવી ત્યારે નેપોલીયને આદતવશ કહ્યું : 'બાઈ ! તું માર્ગની નીચે ઉતરી જા.
હું નેપોલીયન છું.' બાઈએ ધરાર ન ખસતાં ધારદાર ઉત્તર આપ્યો :' તું ગમે તે હો એમાં મારે શું ? ભાર મારા માથે છે, તારા માથે તો કોઈ ભાર નથી.માટે તારે જ નીચે ઊતરવું પડશે.' નેપોલીયને ચૂપચાપ નીચે ઉતરવું પડયું !! રે ? જે નેપોલીયન આંખના એક ઇશારે સમગ્ર પર્વતમાળા હટાવી દેવાની શેખી કરતો હતો એ, કર્મની થપ્પડ પડી ત્યારે સામાન્ય સ્ત્રીને ય બાજુ પર ન હટાવી શક્યો...
હવે નિહાળીએ બહાદુરશાહ'ઝફર'ના સ્વજનોની વાત. ઇ.સ.૧૮૫૭ની ક્રાંતિ પાશવી તાકાતના જોરે બ્રિટીશરોએ નિષ્ફળ બનાવી. એ પછી બાદશાહ બહાદુરશાહને રંગૂનમાં આજીવન કારાવાસ મોકલી દેવાયા અને એમની ઘણી સંપતિ હડપ કરી લઈ બ્રિટીશરોએ એમના પરિવારજનોને નિરાધાર કરી દીધા.
શાહી સભ્યોને કોઈ વ્યવસાય-ધંધાની આવડત તો ન હતી. એથી ન છૂટકે પેટ ભરવા એ દીલ્હીની શેરીઓમાં ગલીઓમાં ભીખ માંગવા નીકળતા હતા. જે દીલ્હીમાં એમણે શાહી સત્તા માણી હતી એ જ દીલ્હીમાં એમની આ હદે કર્મસત્તાએ હીલના કરી હતી !! જ્ઞાાનસાર ગ્રન્થકારે કર્મસત્તાની ભયાનક તાકાત વર્ણવતા બીજા શ્લોકમાં જે પર્વતોનો અને ભિક્ષાન ઉલ્લેખ કર્યો છે તે ઉપરોક્ત બન્ને પ્રસંગોમાં અક્ષરશ: પ્રતિબિંબિત થાય છે.
ગ્રન્થકારે ચતુર્થ શ્લોકમાં કર્મસત્તાની વિષમતાને- વિચિત્રતાને ઊંટની પીઠની વિષમતા સાથે સરખાવી છે. જોઈ તો છે ને ઊંટની પીઠ ? એ એટલી વિષમ- ઉંચીનીચી હોય છે કે એના પર એક ચીજ વ્યવસ્થિત ન રહી શકે.'ઉંટના અઢારે વાંકા' ઉક્તિ પરથી જ સમજાઈ જાય છે કે એના શરીરના અન્ય વિભાગોની જેમ પીઠ પણ ટેઢી-વાંકી હોય છે. કર્મોની વિષમતા ય આ ઊંટની પીઠ જેવી વિષમ-ટેઢી છે.
એ ક્યારેક ચડાવી દે તો ક્યારેક પછાડી દે, એ ક્યારેક વિદ્વાનશિરોમણિ બનાવી દે તો ક્યારેક મૂર્ખશિરોમણિ બનાવી દે, ક્યારેક દૃષ્ટિસંપન્ન બનાવી દે તો ક્યારેક દૃષ્ટિહીન બનાવી દે, ક્યારેક ભરપૂર આરોગ્યમય બનાવી દે તો ક્યારેક રોગોનું ઘર બનાવી દે. ક્યારેક ક્રોધી બનાવી દે તો ક્યારેક કામી બનાવી દે. ક્યારેક સુંદર દેહસૌષ્ઠવ આપે તો ક્યારેક 'ઊંટના અઢાર વાંકા' જેવો દેહ આપે, ક્યારેક દીર્ઘાયુષ્પ આપે તો ક્યારેક જન્મતવિંત મૃત્યુ આપે, ક્યારેક ઉચ્ચકુલ આપે તો ક્યારેક નિમ્ન કુલ આપે, ક્યારેક દરેક બાબતે અંતરાયવિહોણું સામર્થ્ય દે તો ક્યારેક દરેક બાબતે અંતરાય સર્જે. કર્મોની આ વિષમતા પર એક હીંદી કાવ્યપંક્તિ સરસ રજૂઆત કરે છે કે :
એ કર્મનકી લખ લીલામેં, લાખો હવે કંગાલ,
ચડતી-પડતી હસતી-રોતી, ટેઢી ઇસકી ચાલ.
ઊંટની પીઠ જેવા આ વિચિત્ર કર્મોદ્વારા કવચિત્ અનુકૂળતાઓ ય સર્જાય તો પણ એમાં મુગ્ધ થવા જેવું કાંઈ નથી એમ દર્શાવતા જ્ઞાાનસારગ્રન્થકાર એ જ ચતુર્થ શ્લોકમાં પ્રશ્ન કરે છે કે 'કા રતિસ્તત્ર યોગિન ?' મતલબ કે કર્મવિપાકના જ્ઞાાતા યોગીજનોએ- સાધકોએ એવી અનુકૂળતાઓમાં ય રાગ શા માટે કરવો ? ન જ કરવો.
જૈન દર્શનમાં કર્મોના મુખ્ય આઠ પ્રકાર છે. પરંતુ એમાં સૌથી ખતરનાક કર્મ છે. મોહનીય. દારુનું પાન જેમ વ્યકિતમાં પાગલપન- ઉન્માદ ઉત્પન્ન કરે છે. એમ આ મોહનીયકર્મ આત્મામાં અલગ પ્રકારનું ભયાનક પાગલપન ઉત્પન્ન કરે છે. એનાથી ભયંકર આત્મિક નુકસાનો થાય. આ મોહનીયકર્મ કઈ હદનું નુકસાન કરે એનું એક ઉદાહરણ આપતા ગ્રન્થકાર પાંચમા શ્લોકમાં જણાવે છે કે :
આરૂઢા : પ્રશમશ્રેણિં, શ્રુતકેવલિનો પિ ચ,
ભ્રામ્યન્તે નંતસંસાર- મહો દુષ્ટેન કર્મણા.
જરા સમજીએ આ શ્લોકની વાત. જૈન પરંપરાની સાધનાનું ઉત્કૃષ્ટ લક્ષ્ય વીતરાગતાનું છે. દરેક ભગવંતો પહેલા આ વીતરાગતાનું શિખર સર કરે, તે પછી એ બે ઘડીથી ય અલ્પ સમયમાં કેવલજ્ઞાાની ભગવાન બને અને તેઓ એ જ ભવના અંતે મોક્ષમાં પ્રતિષ્ઢિ થાય. એમને એક પણ નવો જન્મ કરવો ન પડે. વીતરાગતા કેટલી મહાન બાબત છે તે આનાથી સમજાય છે.
પણ..સબૂર ! આ વીતરાગતા ય બે પ્રકારની છે (૧) મોહનીય કર્મના ક્ષયથી મળે તે. અને (૨) મોહનીયકર્મને શાંત કરવાથી મળે તે. પ્રથમ પ્રકારની વીતરાગતા શ્રેષ્ઢ છે. કેમ કે ઉપરોક્ત ક્રમે તે જ જન્મમાં મોક્ષ અપાવે. પરંતુ બીજા પ્રકારની વીતરાગતામાં બે ઘડીથી અલ્પ સમયમાં મોહનીયકર્મનું તોફાન શરૂ થઇ જાય અને એ એવું ખતરનાક બને કે તે પુણ્યાત્માને એ અનંત ભવો સુધી પણ સંસારમાં પરિભ્રમણ કરાવે.' (ઉપશાંતમોહ) વીતરાગતાનું શિખર સર કરનારને ય મોહનીયકર્મ અનંત ભવો રખડપટ્ટી કરાવે. આ નિરૂપણ જ એ સમજાવી જાય છે કે મોહનીયકર્મ કેવું કાતિલ નુકસાનકારક છે.
મોહનીયકર્મ હો કે બાકીના સાતપ્રકારના કર્મ હો : આપણો અભિગમ એના બંધ સમયે હોવો જોઈએ.
છેલ્લે એક વાત : એકવીશમાં અષ્ટકના પ્રથમ શ્લોકનાં સંદર્ભમાં : સુખની યાદ છોડો. અને દુ:ખની ફરિયાદ છોડો.