બાહ્ય દૃષ્ટિ વ્યકિતને બાહરી વિશ્વમાં ભટકાવે... તત્ત્વ દૃષ્ટિ વ્યકિતને ભીતરી વિશ્વમાં સ્થિર કરે...
અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
ધારો કે સામે એક સરસ મજાનું બોક્ષ હોય, એના પરનું પેકીંગ સોનેરી ચમકદમક ધરાવતું હોય, મખમલી એનું પોત હોય અને એના પર 'ડીઝાઇનીંગ વર્ક' પણ બહુ સરસ હોય... તો બને એવું કે પ્રથમ જ નજરે વ્યકિતનું મન ત્યાં આકર્ષાઈ જાય.
પણ..સબૂર ! જે બાળક જેવી સામાન્ય દૃષ્ટિ ધરાવનાર હોય એ જ વ્યકિત પેકીંગની જોરદાર ઝાકઝમાળથી અંજાઈને એને ખરીદી લેવા અધીરી થઈ જાય. જે વ્યકિત વિશેષ દૃષ્ટિ ધરાવે છે એ વ્યકિત માત્ર ઉપરની ઝાકઝમાળથી અંજાઈ નહિ જાય. એ પેકીંગની ભીતરમાં રહેલ માલની પૂરી ચકાસણી કરશે કે અંદરનો સુવર્ણહાર ભેળસેળયુક્ત છે કે સો ટચનો શુદ્ધ ? ભીતરની મોતીમાળાના મોતી દોષની છાંટયુક્ત છે કે બેદાગ ? અને એ પછી જ એ વિશેષ દૃષ્ટિ ધરાવનાર વ્યકિત માલની ખરીદી કરવા તૈયાર થશે. મહદંશ વ્યકિતઓ આ વિશેષ દૃષ્ટિ અપનાવીને જ વ્યવહાર કરતી હોય છે.
આ એમ દર્શાવે છે કે વ્યવહારજગતમાં પણ વિશેષ દૃષ્ટિ અપેક્ષિત છે. જે વ્યકિત સામાન્ય દૃષ્ટિથી માલ ખરીદવાનું પગલું ભરે એ, લોકોમાં મૂર્ખ ઠરે ને જે વ્યકિત ઉપરોક્ત વિશેષ દૃષ્ટિથી વ્યવહાર કરે એ સમાજમાં શાણી ઠરે.
જે વાત વ્યવહારજગતમાં છે એ જ વાત અધ્યાત્મજગતમાં પણ છે. ત્યાં પણ જરા શબ્દાંતરે આવી બે પ્રકારની દૃષ્ટિ દર્શાવાઇ છે. એક છે બાહ્યદૃષ્ટિ અને બીજી છે તત્ત્વદૃષ્ટિ. જે દૃષ્ટિ સંસારના પદાર્થો વગેરેનું, અરે ! ધર્મી સુદ્ધાનું પણ, ઉપલક નજરથી મૂલ્યાંકન કરે એને કહેવાય બાહ્યદૃષ્ટિ. અને જે દરેક બાબતનું ભીતરમાં જઈને મૂલ્યાંકન કરે એને કહેવાય તત્ત્વદૃષ્ટિ. 'જ્ઞાાનસાર' ગ્રન્થકાર મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર એ ગ્રન્થના ઓગણીશમા અષ્ટકમાં આ બન્ને દૃષ્ટિની રજૂઆત કરીને અલગ અલગ પ્રતિપાદનો દ્વારા સાધકને એ અનુરોધ કરે છે કે અધ્યાત્મક્ષેત્રે આગળ વધવા કાજે જીવનમાં તત્ત્વદૃષ્ટિ અપનાવવી આવશ્યક છે. આવો, આપણે માણીએ તત્ત્વદૃષ્ટિ બનવાનો અનુરોધ કરતી' યશોવાણી'ની ઝલકો:
ઓગણીશમા અષ્ટકના પ્રથમ શ્લોકમાં તેઓ જૈનદર્શનનો એક શાસ્ત્રીય પદાર્થ ગૂંથીને પોતાની પ્રસ્તુતિ કરે છે. જૈન દર્શન કહે છે કે આત્મા અરૂપી છે અર્થાત્ વર્ણ-ગંધ-રસ- સ્પર્શાદિથી રહિત છે, જ્યારે પુદ્ગલો તમામ રૂપી છે. એટલે કે વર્ણ- ગંધ- રસ- સ્પર્શાદિથી યુક્ત છે.
શરીર- સંપત્તિ- મકાનાદિ સર્વ બાહ્ય પદાર્થો આ પુદ્ગલમય છે.' જ્ઞાાનસાર' ગ્રન્થકાર આ શાસ્ત્રીય પદાર્થના આધારે પ્રથમ શ્લોકમાં સરસ વાત કરે છે કે બાહ્ય દૃષ્ટિ (ચર્મચક્ષુ) રૂપી છે માટે બાહ્યદૃષ્ટિ જીવો માત્ર રૂપાળા- આકર્ષક શરીર- બંગલા વગેરેમાં મોહાય છે. જ્યારે તત્ત્વદૃષ્ટિ જ્ઞાાનમય હોવાથી અરૂપી છે માટે એ અરૂપી આત્મામાં લીન રહે છે. જાણે કે રૂપીનો રૂપી સાથે મેળ અને અરૂપીનો અરૂપી સાથે મેળ !!
શબ્દાનુપ્રાસ સાથે ગ્રન્થકારે બહુ અદ્ભુત વાત કરી દીધી છે સાધકને કે જોતું સાધના જગતમાં પ્રગતિ કર્યા પછી ય કો'રૂપરૂપના અંબારસમી સુંદરીને નિહાળી એનાં રૂપથી અભિભૂત થઈ જતો હોય તો સમજ્જે કે તારી સાધના તકલાદી છે- પોલાદી નથી. જો તું તારાં શરીરસૌષ્ઠવ પર મુસ્તાક હોય- એનાથી ય ગર્વિષ્ઠ હોય તો સમજજે કે તારી સાધના પરિણામદાયી નથી.
જો તું તારાં કે અન્યના ઓફિસ-બંગલા- રાચરચીલાથી ખુશી- મસ્તી અનુભવતો હોય તો યાદ રાખજે કે હજુ તારામાં તત્વદૃષ્ટિનો ઉઘાડ થયો નથી. સાચા સાધકની આ ત્રણે ય ને અને એથી ય આગળ દરેક રૂપી- પૌદ્ગલિક આકર્ષક પદાર્થોનો નિહાળવાનો તરીકો સાવ અલગ હોય. એમાં બાહ્ય ચમકને પ્રાધાન્ય ન હોય, માત્ર અભ્યંતર વાસ્તવિકતાને જ નજરમાં રખાય. સ્વયં ગ્રન્થકાર ઉપરોક્ત ત્રણ ઉદાહરણરૂપ બાબતોને નિહાળવાની તત્વદૃષ્ટિ પુણ્યાત્માની શૈલી ત્રણ અલગ અલગ શ્લોકોમાં દર્શાવે છે.
તેમાં સૌદર્યમંડિત લલનાને નિહાળવાની તત્ત્વદૃષ્ટાની શૈલી અંગે તેઓ જણાવે છે કે:
બાહ્ય દૃષ્ટે: સુધાસાર- ઘટિતા ભાતિ સુન્દરી,
તત્ત્વદૃષ્ટેસ્તુ સા સાક્ષાદ્ - વિણ્મૂત્રપીઠરોદરી.
ભાવાર્થ કે જે માત્ર ચર્મચક્ષુ- બાહ્યદૃષ્ટિ જ ધરાવે છે એને મન સુંદર સ્ત્રી જાણે કે અમૃત જેવા સારભૂત પદાર્થોમાં રચાઈ હોય એવા ભાસતી હોય છે. મતલબ કે આ જગતનો શ્રેષ્ઢ સાર સ્ત્રી જ છે એમ એ નિહાળે. જ્યારે તત્ત્વદૃષ્ટિ પુણ્યાત્મા એમ વિચારે કે આ તો માત્ર ઉપરની- પેકીંગની ચમક છે. બાકી સત્ય વાસ્તવિકતા એ છે કે તે સુંદરી વિષ્ટા- મૂત્રાદિ- અશુચિ પદાર્થોની હાંડી જેવી જ છે. જ્યારે દૃષ્ટિ આ રીતની કેળવાય ત્યારે કેવું પ્રેરક પરિવર્તન આવી શકે એ જાણવું છે ? તો વાંચો તુલસીદાસ અને રત્નાવલિની આ સત્ય ઘટના.
ગોસ્વામી તુલસીદાસ એમની પત્ની રત્નાવલિ પ્રત્યે એવા બેહદ આસક્ત હતા કે એનો એક રાત્રિનો વિરહ પણ એ સહી ન શકતા. એમની આંખોમાં સતત રમતું રત્નાવલિનું રૂપ- બાહ્ય પેકીંગ એમને એવો અહેસાસ કરાવતું હતું કે જાણે એમના માટે સમગ્ર સંસારમાં સાર માત્ર રત્નાવલિ જ છે. રત્નાવલિને ખુદને તુલસીદાસની આ બેહદ આસક્તિ ખટકતી હતી. એકવાર રત્નાવલિ કાર્યવશ પિતૃગૃહે ગઈ હતી અને રાત્રે પરત આવવાની હતી. પરંતુ વરસાદની હેલી વરસતી હોવાથી એ ત્યાં જ રોકાઈ ગઈ.
રત્નાવલિ વિના વ્યાકુળ તુલસીદાસ રાત્રે શ્વશુરગૃહે જવા નીકળ્યા. માર્ગમાં નદી આવતી હતી તો એને ય મુશલધાર વર્ષા વચ્ચે એમણે તરીને પાર કરી. શ્વશુરગૃહે પહોંચ્યા ત્યારે દ્વાર બંધ હતા તો લટકતા નાગના સહારે એ ઉપરની મંઝિલે પહોંચ્યા. પોતાનાં દેહસૌંદર્ય પર તુલસીદાસનું આ પાગલપન નિહાળી વિદુષી રત્નાવલિએ તુલસીદાસની વાસનામય બાહ્ય દૃષ્ટિને જોરદાર ઝટકો આપતા આ પંક્તિ ઉચ્ચારી કે ઃ
અસ્થિચરમમય દેહ મમ, તા મેં જૈસી પ્રીત ;
વૈસી જો રઘુવીરમેં, તા તેં હોત ન ભીત.
મતલબ હાડ-ચામ-માંસથી ભરેલ મારા વિનશ્વર દેહમાં શું આ પાગલપ્રીત તમે ધરો છો ? અગર જો આવી જ પ્રીત તમને રામચન્દ્રજીમાં પ્રગટી જાય તો તમને સંસારનો કોઈ ભય જ ન રહે. ક્યારેક કોઈ શબ્દો શકવર્તી પરિવર્તનનું નિમિત બની જતા હોય છે. આ શબ્દોએ તુલસીદાસની બાહ્ય દૃષ્ટિને જાણે કે બીડી દઈ તત્ત્વદૃષ્ટિનો એવો ઊઘાડ કર્યો કે એમનો રત્નાવલિ પ્રત્યેનો રાગ ઓસરી ગયો અને જીવનમાં કામના બદલે રામનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું. એમણે 'રામચરિતમાનસ' નામે જગવિખ્યાત ગ્રન્થ લખ્યો અને તેઓ સંત તુલસીદાસરૂપે વિખ્યાત થયા.
તત્ત્વદૃષ્ટિના ઉઘાડથી પ્રબળ વૈરાગ્યની આ કમાલ સર્જાય છે...
ઘણીવાર વ્યકિતને ખુદને પોતાનાં દેહસૌંદર્ય પર ગર્વ હોય છે. વ્યકિત સ્ત્રી હોય યા પુરુષ ઃ કુદરતે જો એને છૂટા હાથે સૌંદર્યદાન કર્યું હોય અને યુવાવસ્થામાં એનો નિખાર જબરજસ્ત હોય ત્યારે બાહ્ય દૃષ્ટિ ધરાવનાર વ્યકિતને પોતાનાં એ સૌંદર્ય પર આસાનીથી અભિમાન જાગે. ક્યાંક વળી પુરુષોમાં દેહયષ્ટિનું એ અભિમાન અલગ સ્તરનું હોય. નવયુવાન સ્ત્રીને'સાગના સોટા' જેવી કાયાના અભરખા હોય, તો નવયુવાન પુરુષને 'સિક્સપેક બોડી' જમાવવાના અભરખા હોય. આખર આ બધો શરીરકેન્દ્રિત બાહ્ય દૃષ્ટિનો અભિગમ છે.
તેઓ આ અભિગમ તોડી નાંખે તેવો તત્ત્વદૃષ્ટિ આત્માનો શરીર પ્રત્યેનો અભિગમ દર્શાવે છે કે આખર આ સોહામણું શરીર છે શું ? કૃમિઓ- કીડાઓના ફુલથી આકુલ-વ્યાપ્ત સ્થાન છે. જાણે કે એ કીડાઓનું નિવાસસ્થાન ન હોય !! ગ્રન્થકારના શબ્દો છે ' કૃમિકુલાકુલમ્.' કેન્સરની પરાકાષ્ઠાએ વ્યકિતના દેહમાં કીડા ખદબદતા હોય અને દેહ પરથી પરસેવો ખરે તેમ એમાંથી કીડા ખરતા નિહાળાય ત્યારે ગ્રન્થકારના આ શબ્દોનો આપણને સંપૂર્ણ સાક્ષાત્કાર થાય. ઠેઠ શૈશવથી જોવા મળતો શરીર સાથેનો કૃમિઓનો આ નાતો જ્યારે રોગોની ક્ષણોમાં વિકરાલરૂપે બહાર આવે ત્યારે દર્શકને કમકમાટી આવી જાય એવો માહોલ રચાઈ જતો હોય છે.
ગ્રન્થકાર આવી વાસ્તવિકતા તરફ અંગુલિનિર્દેશ કરવા દ્વારા એક તરફ આપણો દેહ પ્રત્યેનો ગર્વ- અહં ઓગળવાનો પ્રયાસ કરે છે, તો બીજી તરફ એ રીતનો અંગુલિનિર્દેશ પણ કરે છે કે દેહ જ્યાં સુધી રોગોથી- કીટકોથી અશક્ત થઈ ગયો નથી ત્યાં સુધી એનો વધુમાં વધુ ઉપયોગ ધર્મઆરાધના માટે કરી લેવો નહિ.
તો જર્જરિત દેહથી પછી કોઈ મહાન ધર્મઆરાધના નહિ થઈ શકે. જૈન આગમગ્રન્થ'દશવૈકાલિક' સૂત્રમાં આવો નિર્દેશ બહુ સ્પષ્ટપણે કરાયો છે એક ગાથા દ્વારા કે ' જ્યાં સુધી વૃદ્ધાવસ્થાએ દેહ પર ડેરા- તંબુ તાણ્યા નથી, જ્યાં સુધી રોગોએ દેહને ઘેરી લીધો નથી અને જ્યાં સુધી ઇન્દ્રિયશક્તિઓ ક્ષીણ થઈ ગઈ નથી, ત્યાં સુધીમાં ધર્મસાધના શ્રેષ્ઠ રીતે કરી લો.
ગ્રન્થકારે દર્શાવેલ, સ્ત્રીસૌંદર્યનાં આકર્ષણથી અને દેહસૌષ્ઠવના અહંથી દૂર લઇ જતી આ વિચારણાઓ બાદ, હવે વિચારીએ બંગલા- ઓફિસ- રાચરચીલા વગેરે પ્રત્યેનો તત્ત્વદૃષ્ટિ પુણ્યાત્માનો અભિગમ. આ અષ્ટકનો એક શ્લોક ગ્રન્થકાર આમ ફરમાવે છે કે ઃ
ગ્રામારામાદિ મોહાય, યદ દૃષ્ટં બાહ્યા દૃશા ;
તત્ત્વદૃષ્ટયા તદેવાન્ત- નીતં વૈરાગ્યસમ્પદે.
શ્લોકનાં કથનને સમજવા એક સરલ ઉદાહરણ વિચારીએ કે અમે અમદાવાદથી મુંબઈ તરફ ચાલીને જતા હોઈએ ત્યારે 'હાઈવે' પરનો 'માઈલસ્ટોન' અમને મુંબઈ કેટલું દૂર છે એ દર્શાવે. 'માઈલસ્ટોન' પસાર કર્યા બાદ અમે અમદાવાદ સન્મુખ રહીને એ જ 'માઈલસ્ટોન' જોઈએ તો એ 'માઈલસ્ટોન' અમને અમદાવાદ કેટલું દૂર છે એ દર્શાવે.
'માઈલસ્ટોન એનો એજ. કિંતુ એને નિહાળવાની શૈલી બદલાય એટલે પરિણામ સાવ અલગ મળે. બસ, આ જ વાત સમૃદ્ધિમકાન વગેરે અંગે છે કે બાહ્ય દૃષ્ટિ આત્મા એને નિહાળી નિહાળીને ગાઢ આસક્તિ અનુભવે, જ્યારે તત્ત્વદૃષ્ટિ આત્મા એના ભાવિ પર્યાયોનો- એની વિનાશિતાનો વિચાર કરીને વૈરાગ્ય પામે.
જેમ કે, એ વિચારે કે ' આજે જે આલીશાન બંગલો છે એને એક સમયે ખંડેર બની જતા વાર નહિ લાગે. આજે જે બંગલાના પરિસરમાં લીલોછમ બગીચો છે એને કાલે ઉજ્જડ- ભેંકારવન બની જતાં વાર નહિ લાગે.' આજ સંદર્ભમાં એક તાજો અનુભવેલ નિર્દેશ કરુંતો, આ લેખ લખાય છે એના પૂર્વદિવસે અમે ઇડરનગરના પર્વત પરના શાંતિનાથ બાવનજિનાલયની યાત્રા કરી. પર્વત ઉતરવાના માર્ગે ત્યાંના પૂર્વકાલીન રાજાઓનો રાજમહેલ છે.
આજે એ એવી ભેંકાર- ખંડેરદશામાં છે કે એ કૂતરાં- બિલાડા જેવા પ્રાણીના નિવાસરૂપે અને ગરીબ પ્રજાની શૌચક્રિયામાં જ વપરાય છે. ક્યાં એક સમયનો અધિકારીવર્ગથી ઉભરાતો રાજમહેલ અને ક્યાં આજની એની બદતર દશા !! આવું દરેક સમૃદ્ધિમાં બની શકે છે એમ વિચારીને તત્ત્વદૃષ્ટિ પુણ્યાત્મા પુણ્યથી પ્રાપ્ત થયેલ સંપદાને પણ વૈરાગ્યનું કારણ બનાવે. યાદ આવે અહીં' પ્રશમરતિ' ગ્રન્થનું વચન કે'' ક્ષણવિપરિણામધર્મા, મર્ત્યાના મૃદ્ધિ સમુદયાઃ સર્વે.' ભાવાર્થ કે માનવીની તમામ ઋષિ- સમૃદ્ધિઓ ક્ષણમાં વિપરિણામ- વિકૃતિ પામી શકે એવી હોય છે. પછી એમાં મોહ શા માટે ? ગર્વ શા માટે ?
તત્ત્વદૃષ્ટિ પુણ્યાત્માની આવી આવી અનેક વાસ્તવિક અને વૈરાગ્ય તરફ લઈ જતી વિચારધારાઓ ઓગણીશમાં અષ્ટકમાં ગ્રન્થકાર શ્રીમદ્યશોવિજયજી મહારાજે દર્શાવી છે. આપણે એના પ્રાથમિક સારરૂપે ત્રણ બાબતો જીવનમાં વૈચારિક સ્તરે આત્મસાત્ કરીએ તો જીવન આર્તધ્યાનમુક્ત- સ્વસ્થ બની રહેશે અને ભાવિમાં તત્વદૃષ્ટિનો વધુ ઉત્તમ ઉઘાડ થશે. એ ત્રણ બાબતો સંક્ષેપમાં આ છે: (૧) દરેક સમૃદ્ધિ વિપરિણામી અને વિનાશી છે. કાં તો એ સર્વથા નષ્ટ થઈ શકે છે, કાં તો એમાં દીઠા ન ગમે એવા વિકૃત ફેરફાર આવી શકે છે.
માટે એના પર તીવ્ર આસક્તિ નથી રાખવી. બલ્કે આ પણ બદલાઈ જશે' આવો સ્વસ્થ-મસ્ત અભિગમ રાખવો છે. (૨) મમતામયી મા હો, પ્રિય પત્ની હો કે વહાલસોયા સંતાન હો: સહુથી એક દિવસ વિખૂટા થવાનું છે. કાં તો એ મને મૂકીને જશે, કાં તો હું એમને મૂકીને જઈશ. માટે એમના પર પણ ગાઢ આસક્તિ નથી રાખવી. માત્ર આદરબુદ્ધિ- કર્તવ્યબુદ્ધિ રાખવી છે (૩) કાયા કાચની નકશીયુક્ત હાંડી સમી છે. ચાહે તેવી રમણીય એ દેખાય, તો ય કાચી ક્ષણમાં નષ્ટ થઈ શકે છે. રોગગ્રસ્ત થઈ શકે છે. માટે હવાઈ ખ્વાબોમાં રાચવા કરતાં કોઈ પણ રોગાદિ અવસ્થાની સંભાવના નજર સમક્ષ રાખી હાયવોયમુક્ત- શાંત રહીશ.
છેલ્લે એક વાત: બાહ્ય દૃષ્ટિ વ્યકિતને બાહરી વિશ્વમાં ભટકાવે... તત્ત્વદૃષ્ટિ વ્યકિતને ભીતરના વિશ્વમાં સ્થિર કરે.