કદાગ્રહી વ્યકિત કદી સાચો ધર્મ પામી ન શકે મધ્યસ્થ વ્યકિત કદી સાચો ધર્મ પામ્યા વિના ન રહે
અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ
'જ્ઞાાનસાર' ગ્રન્થસર્જક મહોપાધ્યાય યશોવિજયજી ગણિવર ગ્રન્થના સોળમાં અષ્ટકરૂપે એક એવો અદ્ભુત વિષય આપણને ભેટ ધરી રહ્યા છે કે જેને યથાર્થ આત્મસાત્ કરવાથી સાધકની સાધના શિખરગામી બને. એ વિષય છે મધ્યસ્થતા. ભલેને સાધક આચારસંપન્ન હોય અને જ્ઞાાનસંપન્ન પણ હોય, કિંતુ જો એ મધ્યસ્થભાવમાં રમી ન શક્તો હોય તો એની સાધના ઉચ્ચ લક્ષ્યો સર ન કરી શકે.
શી છે આ અધ્યાત્મજગતની મધ્યસ્થતા ? એ 'જ્ઞાાનસાર' ગ્રન્થની જ્ઞાાનવાણીમાં નિહાળતા પૂર્વે, તેની ભૂમિકારૂપે વ્યાવહારિક ઉદાહરણ વિચારીએ: ધારો કે એક વિવાદમાં બે પક્ષ પડી ગયા હોય, બન્ને પક્ષના ઠેકેદારો પોતપોતાના પક્ષનાં સમર્થનમાં ધારદાર દલીલો કરતા હોય અને યેન કેન પ્રકારેણ પોતાની વાત સાચી ઠેરવી અન્યોને નિરુત્તર કરતા હોય.
આ પરિસ્થિતિમાં કોઈ બુદ્ધિશાળી મધ્યસ્થ ભાવે તેની રજૂઆત કરે. તો આપણને કઈ વાતને વજૂદ આપીશું ? ઝનૂની ઠેકેદારોની કદાગ્રહી દલીલોને ? કે મધ્યસ્થ વ્યકિતની રજૂઆતને ? ઉત્તર સ્પષ્ટ છે કે આપણે તટસ્થ વ્યકિતની વાતને જ વજૂદ આપીશું. કારણકે એ વ્યકિતમાં મધ્યસ્થતા છે. એમ જરૂર કહી શકાય કે જે મધ્યસ્થ છે એ સાર ગ્રહણ કરી શકે છે અને એની જ વાત વિશ્વસનીય બની શકે છે.
પણ...સબૂર ? આ વ્યાવહારિક મધ્યસ્થતા કરતાય અધ્યાત્મજગતની મધ્યસ્થતા મહાન છે. મૂઠી ઊંચેરી છે. બની શકે કે વ્યાવહારિક જગતની મધ્યસ્થ વ્યકિત પોતે કોઈ પક્ષ તરફ ઢળેલ નથી એવી 'ઇમેજ' જાળવવા સચ્ચાઈ કરતાં ક્યારેક બાંધછોડને થોડી અગ્રતા આપી સર્વમાન્ય વિકલ્પ શોધે. જ્યારે અધ્યાત્મજગતની મધ્યસ્થતા આવાં વલણમાં અટવાતી નથી. એ મધ્યસ્થતાનું મસ્ત નિરૂપણ કરતાં ' માધ્યસ્થ્યાષ્ટક'ના પ્રથમ શ્લોકમાં ગ્રન્થકાર ફરમાવે છે કે:
સ્થીયતામનુપાલંભ, મધ્યસ્થેનાન્તરાત્મના,
કુર્તક કર્કરક્ષેપૈ- સત્યજયતાં બાલચાપલમ્.
તેઓ કહે છે કે ન રાગ રાખીને કોઈ મત-પંથની તરફેણ કરો, નદ્વેષ રાખી એનો વિરોધ કરો. બલ્કે રાગ-દ્વેષ ત્યજી અંતઃકરણપૂર્વક મધ્યસ્થતા રાખી આત્મકલ્યાણકારી ધર્મમાં સ્થિર થાઓ. કઈ હદની મધ્યસ્થતા ધરીને સ્થિર થાઓ. આનાથી એ સ્પષ્ટ થયું કે સૌને ખુશ રાખવા તત્વની બાબતોમાં બાંધ છોડ કરતી મધ્યસ્થા અધ્યાત્મવિશ્વમાં ઇષ્ટ નથી, બલ્કે વિશુદ્ધ આશયથી તત્ત્વનિર્ણય કર્યો બાદ એમાં નિષ્ઠાપૂર્વકની સ્થિરતા-દૃઢતા રાખતી મધ્યસ્થતા ઇષ્ટ છે.
આવા મધ્યસ્થ મહાનુભાવની મજાની વિશેષતા શ્લોકના ઉત્તરાર્ધમાં રજૂ થઈ છે. બાળકની એક ચંચલ આદત હોય છે કે સામે સરોવર હોય અને બાજુમાં કાંકરા હોય તો એ વિના કારણ કાંકરો ફેંકતો રહીને સરોવરમાં વિક્ષેપ-ડહોળાણ કર્યા કરે. એમાં એને મજા આવે. કેટલાક તથાકથિત તત્ત્વજ્ઞાાનીઓ આવા હોય. પોતાનાથી વિપરીત માન્યતાના પક્ષોને પછડાટ આપવા એ કુતર્કોના, બુદ્ધિના વ્યભિચાર જેવી દલીલોના, કાંકરા ફેંકી ફેંકીને પોતાની મહત્તા પુરવાર કરવા મથે.
મધ્યસ્થ મહાનુભાવને આવી બાલિશતા ન શોભે. એથી ગ્રન્થકાર કહે છે કે આવી બાલસહજ ચંચલતા ત્યજી દો. ટીકાકાર પં. ગંભીર વિજયજીએ ચંચલત્વનો અર્થ કર્યો છે ''સ્વયશોજયલાભાય સમાતુરત્વમ્.'' મતલબ કે પોતાના યશ વિજયની તડપન આ ચપલતાનો ઉદ્ભવ કરે છે. મધ્યસ્થ જ્ઞાાની જિજ્ઞાાસુને સાચો તત્ત્વબોધ આપે ખરા. પરંતુ ઉપરોક્ત તડપનથી જ્યાં-ત્યાં વિવાદો ઊભા કરવાની બાલિશતા ન કરે.
મધ્યસ્થ વ્યક્તિનાં અને કદાગ્રહી વ્યક્તિનાં વલણમાં કેવું આસમાન-જમીનનું અંતર હોય તે આ અષ્ટકના બીજા શ્લોકમાં સરસ પ્રતિબિંબિત થાય છે કે:
મનોવત્સો યુક્તિગવીં, મધ્યસ્થસ્યાનુધાવતિ,
તામકર્ષતિ પુચ્છેન, તુચ્છાગ્રહમનઃકપિઃ
ગ્રન્થકાર કહે છે કે યથાર્થતત્ત્વગ્રાહિણી યુક્તિ ગાય છે, મધ્યસ્થ વ્યક્તિનું મન વાછરડું છે, તો કદાગ્રહી વ્યક્તિનું મન અંદર છે. વાછરડું ગાયની પાછળ પાછળ જાય, જ્યારે મંદિર ગાયનું પૂછ્ડું જોરથી પકડી એને પરાણે પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે બરાબર આ જ રીતે મધ્યસ્થ વ્યકિત યુક્તિસંગત વાતને અનુસરે: પછી ભલે એ વાત સ્વમતની હોય કે અન્યમતની હોય. જ્યારે કદાગ્રહી વ્યકિત પોતાના મતને સાચો પુરવાર કરવા મારી મચડીને પણ યુક્તિને પોતાના તરફ ખેંચવાની કોશિશ કરે. કેવો પ્રભુત્વભર્યો અને પ્રતીતિભર્યો ફર્ક દર્શાવ્યો છે ગ્રન્થકારે મધ્યસ્થ વ્યકિત અને કદાગ્રહી વ્યકિતનાં વલણ અંગે.
માત્ર વલણમાં જ નહિ, વર્તનમાં પણ પાયાનો ફર્ક હોય છે આ બે વ્યકિતત્વોનાં. મધ્યસ્થ વ્યકિત પોતાને પ્રાપ્ત થયેલ તત્વનો શ્રદ્ધાભર્યો આશ્રય હોય, પણ અન્યોના તિરસ્કાર વિના કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો ગુજરાતની અસ્મિતાના આદ્ય ઉદ્ગાતા મહાન જૈનાચાર્ય કલિકાલસર્વજ્ઞા હેમચન્દ્રાચાર્યની આ અદ્ભુત જીવનઘટના:
ગુર્જરેશ્વર સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ હેમચન્દ્રચાર્યથી ખૂબ પ્રભાવિત હતા. કિંતુ એ શૈવમતાનુયાયી હતા.સમ્રાટે એકદા પાટણથી સોમનાથ પાટણ સુધીનો પદયાત્રા સંધ યોજ્યો, ઇર્ષ્યાળુ તત્ત્વોએ સમ્રાટની કાનભંભેરણી કરી કે' તમારા આ સંઘમાં હેમચન્દ્રાચાર્ય નહિ આવે. કેમ કે તેઓ ચુસ્ત જૈનમતાનુયાયી છે.' પરંતુ સહુનાં આશ્ચર્ય વચ્ચે સિદ્ધરાજની વિનંતિ હેમચન્દ્રાચાર્યે સ્વીકારી અને સંઘમાં તેઓ સાથે રહ્યા.
પેલા વિરોધી તત્વોએ હવે નવી ભંભેરણી કરી કે' જૈનાચાર્ય હોવાના નાતે તેઓ શિવમંદિરનાં દર્શને તો નહિ જ આવે.' પરંતુ હેમચન્દ્રાચાર્ય ઠેઠ મંદિરના ગર્ભગૃહ સુધી આવ્યા અને હાથ જોડી આ ભાવની સ્વ-રચિત સ્તુતિ પણ બોલ્યા કે' સંસાર ભ્રમણનાં બીજરૂપ રાગ-દ્વેષ વગેરે દોષો જેમ ક્ષીણ કરી દીધા છે તે ભગવંતને અમારાં નમન હો: ભલે ને એમનું નામ બ્રહ્મા-વિષ્ણુ-શંકર કે જિનેશ્વર કોઈ પણ હોય, અમને એની કોઈ નિસબત નથી.' સમ્રાટ ઓર પ્રભાવિત થઈ ગયા હેમચન્દ્રાચાર્યના આ મધ્યસ્થ અભિગમથી. આ ઘટનામાં એક તરફ હેમચન્દ્રાચાર્યનો પોતાને સંપ્રાપ્ત સમ્યગ્ દેવતત્ત્વ પર લગાવ દેખાય છે, તો બીજી તરફ અન્યો અંગે જરા ય તિરસ્કાર નથી દેખાતો.
આવું બીજું ઉદાહરણ વિચારીએ આ જ જ્ઞાાનસારગ્રન્થના સર્જક મહોપાધ્યાય યશોવિજયજી મહારાજનું અને તે પણ આ જ અષ્ટકના સાતમા શ્લોકમાં એમણે વ્યક્ત કરેલ પોતાની વિચારધારારૂપે. એમાં તેઓ જણાવે છે કે:
સ્વાગમં રાગમાત્રેણ, દ્વેષમાત્રાત્ પરાગમમ્ ;
ન શ્રયામસ્ત્યજામો વા, કિન્તુ મધ્યસ્થયા દશા.
મતલબ કે આ અમારા ધર્મના શાસ્ત્રો છે' માટે રાગદશાથી અમે જૈન શાસ્ત્રોનો આશ્રય કરતા નથી, તો ' આ અન્ય ધર્મના શાસ્ત્રો છે. માટે દ્વેષદશાથી અન્ય દર્શનીય શાસ્ત્રોનો અમે ત્યાગ કરતા નથી. અમે મધ્યસ્થ દૃષ્ટિ ધરીને યુક્તિયુક્ત આગમો ગ્રહણ કરીએ છીએ અને એથી વિપરીતથી દૂર રહીએ છીએ. કેવી તટસ્થ અને સહૃદય વિચારધારા છે આ.
જૈનદર્શનની મધ્યસ્થદૃષ્ટિ સમજાવતો એક શાસ્ત્રીય પદાર્થ હજુ એક ઉદાહરણરૂપે જોઈએ. જૈનદર્શન માને છે કે મોક્ષે જવા માટે સૌથી મુખ્ય બાબત, ઉપર ઉપરના ગુણસ્થાનોની પ્રાપ્તિરૂપ વિકાસ છે. જેઓ આ ગુણવિકાસ કરે તેઓ મોક્ષે જાય. જેઓએ જૈન શ્રમણનો વર્ષ પરિધાન કર્યો હોય તેઓ આ ગુણવિકાસ કરીને મોક્ષે જઈ શકે, તેમ અન્ય દર્શનીય વેષ ધરનાર પણ જો તેવો ગુણવિકાસ કરે તો મોક્ષે જઈ શકે.
પહેલા પ્રકાર માટે જૈનદર્શનમાં 'સ્વલિંગસિદ્ધ' શબ્દપ્રયોગ છે, તો બીજા પ્રકાર માટે ' અન્યલિંગસિદ્ધ' શબ્દપ્રયોગ છે. જૈન દર્શન આ રીતે જે, અન્ય ધર્મપરંપરાના બાહ્યાચાર હોય ત્યાં ય મોક્ષની શક્યતા દર્શાવે એ એની અદ્ભુત મધ્યસ્થ દૃષ્ટિનું ઘોતક છે. તે ભાવને આત્મવિશુદ્ધિને પ્રાધાન્ય આપે છે. સ્વયં જ્ઞાાનસાર-ગ્રન્થકારે પણ આવું જ વિધાન એક ગુજરાતી કૃતિમાં કર્યું છે કે:-
જૈન ભાવજ્ઞાાને સબમાંહિ, શિવસાધન સદ્દહીએ ;
નામ- વેશશું કાજ ન સીઝે, ભાવ ઉદાસે રહીએ.
ઉપરોક્ત ત્રણે ય ઉદાહરણ એ દર્શાવી જાય છે કે જૈન દર્શન સાધકની મધ્યસ્થ દૃષ્ટિનું ઘડતર કરે છે અને જૈનદર્શનને ખરા અર્થમાં આત્મસાત્ કરનાર મહાનુભાવોમાં મધ્યસ્થ દૃષ્ટિનો જબરજસ્ત ઊઘાડ થાય છે.
અત્યાર સુધી આપણે માધ્યસ્થ્યાષ્ટકનાં માધ્યમે જે મધ્યસ્થતાની વિચારણા કરી તે સૈદ્ધાંતિક- શાસ્ત્રીય વિચારધારા સંબંધી મધ્યસ્થતા હતી. હવે આ અષ્ટકના ચતુર્થ શ્લોકમાં દર્શાવાયેલ એવી મધ્યસ્થતા નિહાળીશું કે જેને આપણે સમતા-સમાધિની પ્રાપ્તિ કરાવે તેવી મધ્યસ્થતા કહી શકીએ: ધારો કે કોઈ હિતશત્રુ વ્યકિત જાણી-બુઝીને આપણને લાખો રૂ.ની નુકસાનીમાં ઉતારી દે કે ઘણી બધી રીતે એ આપણને નડયા જ કરે. તો આપણે એના પ્રત્યે કેવી પ્રતિક્રિયા ધરાવીએ ? ચોક્કસપણે જ દ્વેષના પક્ષની.
આપણે પ્રતિશોધરૂપે એને નુકસાન કરીએ યાવત્ હાથ-પગ સલામત ન રહે એવી મારપીટ પણ કરીએ. હવે ધારો કે કોઈ વ્યકિતએ આપણને વિના વ્યાજે મોટી રકમની લોન આપી સહાય કરી હોય અને એ વ્યકિત કોઈ ભ્રષ્ટાચારના કિસ્સામાં સપડાઈ આપણી જુબાની પર સજા યા છૂટકારો પામવાની હોય તો આપણે એ સમયે કેવી પ્રતિક્રિયા ધરાવીએ ? ચોક્કસપણે જ રાગની- તરફેણની જ. ભલે ને આપણે એણે ખોટું કર્યાનંે જાણતા હોઈએ તો ય એનાં અહેસાનજન્ય રાગવશ ગલત સાક્ષી આપવાનું જોખમ લઈએ. આમ, બન્ને પરિસ્થિતિમાં મનન ત્રાજવાનું પલ્લું ક્રમશ: દ્વેષના પક્ષે નમે ને રાગના પક્ષે નમે. એ મધ્યસ્થ ન રહે, પક્ષપાતી રહે.
ભલે કદાચ વ્યવહારજગતની દૃષ્ટિએ ઉપરોક્ત બે પ્રતિક્રિયા યોગ્ય ગણાય. પરંતુ અધ્યાત્મજગતની દૃષ્ટિએ આ પ્રતિક્રિયાઓ અયોગ્ય ગણાય. અધ્યાત્મજગત તો શત્રુને મિત્ર, સહુ પર નિષ્પક્ષતા- મધ્યસ્થતા રાખવાનું સૂચવે છે. કેમકે રાગ-દ્વેષરૂપ પક્ષપાતિતા વ્યકિતને આત્મિક દૃષ્ટિએ ભયંકર નુકસાન કરે. આનો નિર્દેશ કરતા ગ્રન્થકાર ચતુર્થ શ્લોકમાં આમ જણાવે છે કે:
સ્વસ્વકર્મકૃતાવેશા: સ્વસ્વકર્મભુજો નરા ;
ન રાગં નાપિ ચ દ્વેષ, મધ્યસ્થસ્તેષુ ગચ્છતિ.
ભાવાર્થ કે જે જે પરિસ્થિતિ સંયોગો વગેરેમાં સામી વ્યકિતએ આપણને નુકસાનો કે લાભ કર્યા છે તે તે પરિસ્થિતિ- સંયોગો તેણે પૂર્વકૃત કર્મો દ્વારા ઉપાર્જિત કર્યા છે અને પોતાના આ નુકસાન-લાભરૂપ કર્મોનું ફળ પણ તેઓ ભોગવનાર છે. આવું વિચારીને મધ્યસ્થદૃષ્ટિવંત મહાનુભાવ તેમના પર દ્વેષ કે રાગ અણછાજતી 'ફેવર' ન કરે. (ખાસ ધ્યાનમાં લેવું કે ઉપકારીઓના ઉપકાર સામે કૃતજ્ઞાતા દાખવવી અલગ બાબત છે અને અણછાજતી'ફેવર' રૂપ રાગ કરવો અલગ બાબત છે. આ રીતે રાગ-દ્વેષ ન રાખનાર વ્યકિત આસાનીથી સમતામાં સમાધિમાં લીન થઈ સાધનાનું સર્વોચ્ચ શિખર પણ સર કરી શકે. આની પ્રતીતિ કરવા આપણે અતિ સંક્ષેપમાં મેતાર્યમહામુનિનો પ્રસંગ યાદ કરીએ:
ક્રોડાધિપતિ શ્રીમંતમાંથી શ્રમણ બનેલ આ નખશિખ વૈરાગી મેતાર્યમુનિને એક સોનીએ ગેરસમજથી ચોર માની લઈ માલ પરત મેળવવા પ્રાણાંત પરિષહ- પીડા કરી. મુનિના મસ્તકે કચકચાવીને લીલી વાધર બાંધી એણે મુનિને તડકામાં ઊભા રાખ્યા. જેમ જેમ વાધર સુકાતી ગઈ તેમ તેમ મુનિના મસ્તકની નસો ફાટવા માંડી. આ પ્રાણાંત પીડામાં એમણે મધ્યસ્થ= રાગદ્વેષરહિત અવસ્થા જાળવીને પોતાનાં કર્મોનો દોષ વિચાર્યો, સોનીનો નહિ. સજઝાયકારે એમની મનઃસ્થિતિ વર્ણવતા આ પંક્તિ લખી કે:-
'આતમ નિંદે આપણો જી, સોનીનો શો દોષ ?'
પરિણામ એ આવ્યું કે મેતાર્યમુનિ તત્કાલ કેવલી બની સિદ્ધિપદના શિખરે આરૂઢ થયા.
છેલ્લે એક વાત: કદાગ્રહી વ્યકિત કદી સાચો ધર્મ પામી ન શકે. મધ્યસ્થ વ્યકિત કદી સાચો ધર્મ પામ્યા વિના ન રહે....