Get The App

માનવનાં જીવન માટે પથદર્શક છે ચક્ષુ... સાધકનાં જીવન માટે પથદર્શક છે શાસ્ત્રચક્ષુ...

અમૃતની અંજલિ - આચાર્ય વિજયરાજરત્નસૂરિ

Updated: Sep 11th, 2019

GS TEAM

Google News
Google News
માનવનાં જીવન માટે પથદર્શક છે ચક્ષુ... સાધકનાં જીવન માટે પથદર્શક છે શાસ્ત્રચક્ષુ... 1 - image


ભક્તિ અને શ્રદ્ધાનું ઘોડાપુર એટલે ભાદરવી પૂનમનો મેળો...' શાસ્ત્ર' શબ્દને વિભક્ત કરીએ તો, એમાંના 'શાસ્નો અર્થ સંસ્કૃતભાષા મુજબ થાય છે શાસન કરવું- નિયન્ત્રણ કરવું અને 'ત્ર' (મૂળધાતુ ત્રા)નો અર્થ છે રક્ષણ કરવું. 'શાસ્ત્ર' આ બન્ને કાર્યો આસાનીથી કરે છે

પરદેશમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરી રહેલ સ્વામી વિવેકાનંદને ત્યાંની યાન્ત્રિક ક્રાંતિથી આંજી દેવા માટે એક અત્યાધુનિક કતલખાને આગ્રહપૂર્વક પરાણે લઈ જવાયા. ત્યાં એમને એવાં યાન્ત્રિક સાધનો બતાવાયા કે જ્યાં માત્ર ચંદ મિનિટમાં એક જીવતીજાગતી ભેંસની કતલ થાય, એના રુધિર-માંસ વગેરે જુદા થાય અને અલગ અલગ ચૌદે પેકેટ એના તૈયાર થઈ જાય. પરદેશી ઇજનરોએ એ પછી ગર્વિષ્ઠ નજરે પૂછયું: ' તમારા ભારતમાં આવી પ્રગતિ જોવા મળે ખરી ?'

વિવેકાનંદે માર્મિક અને ધારદાર ઉત્તર આપ્યો :' એક જીવંત ભેંસને ચૌદ વિભાગમાં વહેંચી દેતા તમારા આ યન્ત્રોથી હું જરા ય પ્રભાવિત નથી થયો. હા, તમે જો ચૌદ વિભાગો એકત્ર કરી એક જીવંત ભેંસનું એમાંથી નિર્માણ કરી શક્તા હોત તો હું જરૂર પ્રભાવિત થાત.' પછી એમણે ક્ષણભર વિરમીને કહ્યું :' ભેંસને કેમ મારી શકાય એવાં શસ્ત્રો તમારે ત્યાં બન્યા છે, જ્યારે કીડીને ય કેમ બચાવી શકાય તેવાં શાસ્ત્રો અમારા ભારતમાં બન્યા છે !!' પરદેશી ઇજનેરો સ્તબ્ધ થઈ ગયા વિવેકાનંદના આ મર્મકથનથી....

શાસ્ત્ર કેવી મહાન- અદ્ભુત બાબત છે એ આ વાર્તાલાપમાંથી સરસ સમજાય છે. ખ્યાલમાં રહે કે જે અહિંસાના માપદંડના આધારે ઉપરોક્ત ઘટનામાં શાસ્ત્રનો  મહિમા પ્રસ્તુત થયો છે એ અહિંસાનાં સૂક્ષ્માતિસૂક્ષ્મ નિરૂપણની દૃષ્ટિએ જૈન શાસ્ત્રો ખરેખર અત્યુત્તમ છે. ઉપરાંત કર્મ- આત્મા- મોક્ષ વગેરે અતીન્દ્રિય તત્ત્વોનાં નિરૂપણની દૃષ્ટિએ પણ એ બે મિસાલ છે.

એથી જ'જ્ઞાાનસાર' ગ્રન્થના ચોવીશમા અષ્ટકમાં મહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણિવર રજૂ કરે છે ' શાસ્ત્ર'ને. આત્મકલ્યાણના અર્થી સાધક માટે શાસ્ત્ર કેટલું મહત્ત્વપૂર્ણ છે એ દર્શાવવા માટે અષ્ટકના પ્રથમ શ્લોકમાં ગ્રન્થકાર ખૂબ રસપ્રદ પ્રસ્તુતિ કરે છે કે :-

ચર્મચક્ષુર્ભૃત: સર્વે, દેવાશ્ચાવધિ ચક્ષુષ :;

સર્વતશ્ચક્ષુષ: સિદ્ધા: સાધવ: શાસ્ત્રચક્ષુષ:

આ શ્લોકમાં તેઓ ચાર અલગ અલગ પ્રકારની ચક્ષુથી-નેત્રથી પદાર્થોને નિહાળનાર ચાર વ્યકિતત્વો રજૂ કરે છે કે (૧) ચર્મચક્ષુથી પદાર્થદર્શન કરનારા સહુ કોઈ મનુષ્યો છે. જો ચર્મચક્ષુ- આંખ ન હોય તો આપણે કાંઈ જ પ્રત્યક્ષ ન જોઈ શકીએ. (૨) જૈન પરંપરા કહે છે કે દેવલોકના દેવો અવધિજ્ઞાાનરૂપી ચક્ષુના બળે દૂર-સુદૂરના પદાર્થોને એકદમ પ્રત્યક્ષવત્ જોઈ શકે છે (૩) સિદ્ધ ભગવંતો એટલે મોક્ષમાં વિરાજમાન પરમાત્માઓ. એ કેવલદરશનથી સમગ્ર વિશ્વને નિહાળે. આ કેવલજ્ઞાાન- કેવલદર્શન એમના સમગ્ર અસ્તિત્વમાં ફેલાયેલ હોવાથી તેઓ સર્વત: ચોતરફ ચક્ષુ ધરાવનાર હોય છે અને ૪) આત્માર્થી સાધુઓ શાસ્ત્રચક્ષુ ધરાવતા હોય છે.

ચાર ચક્ષુની આ મજાની રજૂઆત દ્વારા તેઓ એ નિર્દેશ કરે છે કે શ્રમણ સાધકે ડગલે ને પગલે શાસ્ત્રની દૃષ્ટિથી ચાલવું. જેમ સરેરાશ બાબતોમાં આપણે સહુ ચર્મની દૃષ્ટિના ઉપયોગથી ચાલીએ છીએ તેમ. શાસ્ત્રની દૃષ્ટિથી પ્રવર્તવા માટે સર્વપ્રથમ તો શાસ્ત્રોનું અધ્યયન જોઈએ.

આ વાત લક્ષ્યમાં રાખીને જ જૈનશ્રમણોની આદર્શ આચારસંહિતામાં શ્રમણને નિત્ય કુલ પંદર કલાકનો શાસ્ત્રસ્વાધ્યાય કરવાનું જણાવાયું છે. અલબત્ત, આજના કાળમાં આમાં થોડી બાંધ છોડ ભલે દેખાતી હોય, તો ય ખૂબ શાસ્ત્રસંગ રાખનાર શ્રમણો આ કાળમાં ય નિહાળવા- જાણવા મળે છે. આપણે એની એક- બે આછી ઝલકો જોઈએ:

અમારી યશસ્વી ગુરુપરંપરાના શિરતાજ યુગદિવાકર આ.ભ.વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ જ્યારે દીક્ષાના પ્રારંભિક વર્ષોમાં અધ્યયનરત હતા ત્યારે, કર્મગ્રન્થોમાં સૌથી કઠિન ગણાતા પંચમકર્મગ્રન્થનો સટીક અભ્યાસ સમયબદ્ધ પૂર્ણ કરવા એમણે નિયમ કર્યો હતો કે એ અભ્યાસ સંપૂર્ણ ન થાય ત્યાં સુધી દૂધ વાપરવાનો ત્યાગ. માત્ર ચૌદ વર્ષના દીક્ષાપર્યાયમાં એમણે છ હજાર શ્લોક પ્રમાણ નૂતન સંસ્કૃત ગ્રન્થનું સર્જન કર્યું હતું.

અમારા યશનામી ગુરુદેવ પ્રૌઢપ્રભાવશાળી આ.ભ.વિજ્યસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજ. એમના અભ્યાસકાળમાં સતત ૪૭ દિવસ નિત્ય અઢાર કલાકનો સખત અભ્યાસ કરીને એમણે ૪૭ દિવસમાં ૨૩ ગહન સંસ્કૃત ગ્રન્થો તૈયાર કર્યા હતા, તો જીવનના ૭૯મા વર્ષે તેઓએ સંસ્કૃત ગ્રન્થનો દશહજાર શ્લોકપ્રમાણ ગુજરાતી અનુવાદ કર્યો હતો.

અષ્ટકના ત્રીજા શ્લોકના પૂર્વાર્ધમાં,' શાસ્ત્ર' શબ્દને બે ભાગમાં વિભક્ત કરી નિરુકતાર્થ દ્વારા ' શાસ્ત્ર'ની સરસ વ્યાખ્યા કરતા ગ્રન્થકાર લખે છે કે:

શાસનાત્ ત્રાણશકતેશ્ચ, બુધૈ: શાસ્ત્રં નિરુચ્ય તે.

જરા સમજીએ આ સંસ્કૃત પંક્તિનું રહસ્ય.' શાસ્ત્ર' શબ્દને વિભક્ત કરીએ તો, એમાંના 'શાસ્નો અર્થ સંસ્કૃતભાષા મુજબ થાય છે શાસન કરવું- નિયન્ત્રણ કરવું અને 'ત્ર' (મૂળધાતુ ત્રા)નો અર્થ છે રક્ષણ કરવું. 'શાસ્ત્ર' આ બન્ને કાર્યો આસાનીથી કરે છે. ગલત માર્ગે દોડવા જતાં હાથીને અંકુશ અને ઘોડાને લગામ જેમ અનુશાસિત કરે છે.

નિયન્ત્રિત કરે છે એમ શાસ્ત્રો રાગ- દ્વેષના ગલત માર્ગે દોટ મૂકવા બેતાબ બની ગયેલ આરાધક પર અનુશાસન કરી એને અટકાવે છે. રણમેદાનમાં યુદ્ધ કરવા ગયેલ યોદ્ધાને બાણોની વર્ષા વચ્ચે ય સુરક્ષિત રાખવાનું કાર્ય જેમ કવચ કે ઢાલ કરે છે તેમ શાસ્ત્રો વિષય- કષાયનાં ગલત નિમિત્તો વચ્ચે ય સાધકની પરિણતિને સુરક્ષિત રાખી શકે છે. માટે નિરુર્કાર્થાનુસાર 'શાસ+ત્ર= શાસ્ત્ર' અર્થ એકદમ સંગત છે.

સત્ય ઘટનાઓની એરણા પર આ વ્યાખ્યા ચકાસીએ તો એ સો ટકા સત્ય પુરવાર થશે. યાદ કરીએ આપણે સમર્થ શાસ્ત્રકાર પૂર્વાચાર્યભગવંત હરિભદ્રસૂરીશ્વરજી મહારાજને. એમના અત્યંત તેજસ્વી અને મેઘાવી બે શિષ્યોની હત્યા પ્રતિસ્પર્ધી વિધર્મી ઠેકેદારો દ્વારા કરતાં એમની સમત્વસાધનાનું સંતુલન ખોરવાઈ ગયું. એ સમર્થ મન્ત્રવેત્તા હતા. મન્ત્રબળે વિધર્મી ૧૪૪૪ વ્યકિતઓને મોતની શિક્ષા આપવા એ સજ્જ થયા. ત્યાં જ એમના ગુરુદેવે પાઠવેલ ક્રોધનાં કારમા આત્મિક નુકસાનો દર્શાવતી ચરિત્રકથાગાથાઓ વાંચતા એમની ગલત વિચારણા પર નિયન્ત્રણ આવ્યું- બ્રેક લાગી.

એમણે એકે ય ને કોઈ સજા ન કરી અને એ ગલત વિચારોના માનસિક પ્રાયશ્ચિતરૂપે ૧૪૪૪ નવા ગ્રન્થો રચવાનો નિર્ણય કર્યો. આ છે શાસ્= શાસનનું- નિયન્ત્રણનું સચોટ ઉદાહરણ. તો રાજનર્તકી કોશાનાં ભવનમાં સતત કામોત્તેજક વાતાવરણમાં વસવાટ છતાં જિનવચનસ્મરણરૂપ શાસ્ત્રબખ્તરના સથવારે મહામુનિ સ્થૂલભદ્ર કામબાણથી જરાય વીંધાયા નહિ. એ નખશિખ નિર્વિકાર રહી શક્યા. આ છે ત્ર= રક્ષણનું ઉત્તમ ઉદાહરણ. આત્માર્થી આરાધકને ગલત માર્ગે જતાં અટકાવનાર અને કુનિમિત્તો વચ્ચે સતત રક્ષા કરનાર આ ' શાસ્ત્ર'ને એટલે જ તો સન્નિષ્ઠાથી સતત અનુસરવાની વાત ગ્રન્થકાર કરે છે...

પાંચમા શ્લોકમાં ગ્રન્થકાર શાસ્ત્રને દીપકની ઉપમા આપી દિલ-દિમાગમાં આસાનીથી વસી જાય એવો તર્ક રજૂ કરે છે. રાત્રિના સમયમાં કે અંધકારમય સ્થાનમાં જ્યારે કોઈ જરૂરી પદાર્થ દેખાતો ન હોય તો એની પ્રાપ્તિ માટે આપણે શું કરીએ ? ચોક્કસ જ આપણે ત્યારે પહેલા દીવો પ્રગટાવીએ- લાઈટ કરીએ.

પછી એના સહારે તે પદાર્થ મેળવીએ. અદૃષ્ટ એટલે કે નહિ દેખાતા પદાર્થ માટે જે પદ્ધતિ અનુસરીએ છીએ એ જ પદ્ધતિ અદૃષ્ટ અર્થાત્ પ્રત્યક્ષ નહિ દેખાતા આત્મા- પુણ્ય-પાપ-દેવલોક- નર્કલોક-બંધ-મોક્ષ વગેરે અતીન્દ્રિય તત્ત્વો માટે ય અનુસરવી જોઈએ કે એના બોધ માટે- એની પ્રાપ્તિ માટે શાસ્ત્રરૂપી દીપકનો સહારો લેવો.

શાસ્ત્રદીપકના સહારે ઉપરોક્ત અતીન્દ્રિય તત્ત્વોનો બોધ પામી ભૂતકાલમાં અગણિત આત્માઓએ શ્રેયના શિખરો સર કર્યા છે. 'જ્ઞાાનસાર' ગ્રન્થકાર કહે છે કે જેઓ શાસ્ત્રદીપકને સાથ લીધા વિના સ્વમતિથી આત્મા વગેરે અતીન્દ્રિય પદાર્થોને પામવાની કોશિશ કરે છે એ ડગલે-પગલે સ્ખલના- ભ્રમણામાં અટવાઈને સરવાળે ખેદ- કલેશ સિવાય કાંઈ પામતા નથી.' પ્રાપ્નુવન્તિ પરં ખેદં, પ્રસ્ખલન્ત: પદે પદે' આ એમના શબ્દો છે.

આત્માર્થી સાધક સંસારી હો કે સંયમી, ગ્રન્થકારની ઉપરોક્ત બાબત જો એ હૈયે સ્થિર કરી દે તો એનાં જીવનમાં શાસ્ત્રનું સ્થાન નિશ્ચિત આવી જાય. અમે માનીએ છીએ કે આત્માર્થી વ્યકિતએ પોતાની કક્ષા અનુસારનાં શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ, જો તેવી ક્ષમતા કે પુરુષાર્થ ન હોય તો સદ્ગુરુનાં પ્રવચનો રૂપે શાસ્ત્રોનું શ્રવણ કરવું જોઈએ, અને સમયભોગ આપવો વગેરે તત્પરતાના અભાવે શ્રવણ શક્ય ન હોય તો કમસે કમ શાસ્ત્રો પ્રત્યે બહુમાનભાવ- આદર તો હોવો જોઈએ.

આજે 'ન્યૂ જનરેશન'ની પ્રજામાં જાણે ફેશન ચાલી છે કે જેમાં એની ચાંચ પણ ડૂબતી નથી એવાં શાસ્ત્રો માટે ' આઉટ ઓફ ડેટ- હમ્બગ' જેવા અભિપ્રાયો વગર વિચાર્યે- વગર અભ્યાસે આપ્યા કરે. આવાઓની હાલત ક્યારેક કેવી કફોડી થઈ જતી હોય એ જાણવું છે ? તો વાંચો આ મસ્ત રમૂજકથા :

બસ અર્ધો કલાક વિલંબથી આવવાની હોવાથી બસસ્ટેન્ડ પરની ભીડમાં એક કાકા ખૂણા પર બેસી રામાયણનો ગ્રન્થ વાંચવા માંડયા. ભીડમાંના એક નવરાધૂપ યુવાને આંટા લગાવતા લગાવતા કાકા પાસે જઈ કુતૂહલથી પૂછયું:' શું વાંચો છો તમે આ ?' ''રામાયણ.'' ''છટ્, આવા બાબા આદમના જમાનાના ગ્રન્થો વાંચવાનો શો મતલબ ? આજે  દુનિયા એ ઝડપથી આગળ વધે છે કે અહીં આજની નવી શોધ આવતી કાલે જૂની ગણાઈને ભુંસાઈ જાય છે. ત્યાં તમે આવા પુરાણા ગ્રન્થો વાંચો છો ? આવા ગ્રન્થો તો 'આઉટ ઓફ ડેટ' કહેવાય.

કાકા કોઈ પ્રત્યુત્તર આપ્યા વિના મૌન રહ્યા. થોડી વારે બસ આવતાં તુર્ત લોકો એકસાથે બસમાં દાખલ થવા પડાપડી કરવા માંડયા. ત્રાસી ગયેલ કંડક્ટરે બસ ચલાવવાની સૂચના કરતાં ડ્રાયવરે બસ દોડાવી. ત્યારે કેટલાક બસમાં આવી ગયા હતા, તો કેટલાક રઝળી પડયા હતા. જે યુવાને કાકાની ઠેકડી ઉડાડી હતી એ બસમાં હતો અને એની પત્ની બહાર રહી ગઈ હતી. એ વ્યગ્ર થઈ ગયો હતો.

તક જોઈને કાકાએ ઠાવકાઈથી યુવાનને કહ્યું:' તેં જો રામાયણ વાંચી હોત તો આજે તને આ રામાયણ ન નડત.' ઉશ્કેરાઈ ગયેલ યુવાને કાકાને કહ્યું: ' કેવી બેવકૂફીભરી વાત કરો છો તમે ? રામાયણ વાંચી હોત તો શું મારી પત્નીને બસમાં પ્રવેશ મળી જાત ?' કાકાએ ઠંડે કલેજે ઉત્તર આપ્યો: 'ભઇલા, મેં હમણા જ રામાયણમાં, રામજીએ ગંગાનદી પાર કરી એ પ્રસંગ વાંચ્યો. એમાં લખ્યું છે કે રામજીએ સીતાને પહેલા નાવમાં બેસાડી અને પછી પોતે નાવમાં બેઠા. 

તેં જો આ વાંચ્યું હોત તો પહેલા તારી પત્નીને બસમાં  બેસાડી પછી તું બેઠો હોત. રામાયણ ન વાંચ્યું એટલે તને એ ન સૂઝયું ને ન સૂઝયું માટે આ રામાયણ થઈ..' યુવાન સ્તબ્ધ થઈ ગયો કાકાના આ ધારદાર કટાક્ષથી.

આપણે કમ સે કમ આ બેજવાબદાર યુવાનની જેમ ધર્મગ્રન્થો- શાસ્ત્રો પ્રત્યે અનાદરભર્યા- તિરસ્કારભર્યા અભિગમથી અવશ્ય દૂર રહીએ અને ક્રમશ : અભિરુચિ- શ્રવણ- અધ્યયન સુધી જઈએ...

અષ્ટકના અંતિમ શ્લોકમાં ગ્રન્થકાર, કેવા મહાયોગી પરમપદ- મોક્ષ પામે તે દર્શાવતા શાસ્ત્રને કેન્દ્રમાં રાખી ચાર વિશેષણ ફરમાવે છે કે જે (૧) શાસ્ત્રજ્ઞાાતા હોય (૨) શાસ્ત્રાધારે ઉપદેશ આપનાર હોય (૩) એકમાત્ર શાસ્ત્રદૃષ્ટિને વરેલા હોય અને (૪) (યથાશક્ય) શાસ્ત્રોક્ત આચારોનું પાલન કરતા હોય તેઓ પરમપદ પામે. અહીં એ ખાસ સમજવું કે શાસ્ત્રજ્ઞા એટલે શાસ્ત્રના રહસ્યાર્થના જ્ઞાાતા. માત્ર શબ્દાર્થ પકડીને ચાલનારા કેટલીક વાર શાસ્ત્રના નામે સંઘર્ષ ઉભા કરી એવી ભયંકર કુસેવા કરે છે કે એમનાં કારણે ઘણો વર્ગ ધર્મવિમુખ થઈ જાય. એટલે અહીં શાસ્ત્રજ્ઞાનો અર્થ શાસ્ત્રોના રહસ્યાર્થના જ્ઞાાતા સમજવો.

આવા જ્ઞાાતા યથાર્થ ઉપદેશક બને. આ બે ગુણો પ્રગટાવવા સતત શાસ્ત્ર તરફ જ દૃષ્ટિ કેળવવાની વાત જણાવાઈ છે. અને આ બધું જ હોવા પછી શાસ્ત્રોક્ત આચારો જીવનમાં ન હોય તો કોરું શાસ્ત્રજ્ઞાાન ન તારે એ સમજાવવા શાસ્ત્રોક્ત આચારપાલનનો નિર્દેશ કરાયો છે. તેવા ઉચ્ચ ક્ષયોપશમના અભાવે પહેલી ત્રણ વિશેષતા ન હોય તો ય, ગીતાર્થ સદ્ગુરુની છાયામાં રહી શાસ્ત્રોક્ત આચારપાલન દ્વારા ય મુક્તિ વરી શકે છે. આપણે જરૂર કહીશું કે શાસ્ત્રો તો સંસારથી સિદ્ધિ તરફ લઈ જતાં હરેક માર્ગોનો સચોટ માહિતીસભર નકશો છે...

Tags :