જાનવર માત્ર જાનવર જ હોય છે...માણસ માત્ર માણસ નથી હોતો...
આ મ તો માણસ પણ જાનવર જ છે. માણસ હું જનાવર છું એવું માનવા તૈયાર નથી એ વાત અલગ છે. છેવટે તો આપણે સૌ મનુષ્ય પ્રાણી જ કહેવાઈએ છીએ અને વળી પાછો મનુષ્યનો અવતાર મળ્યો છે એ આપણું સદ્ભાગ્ય પણ કહેવાય. ૮૪ લાખ યોનીઓમાં મનુષ્ય યોની શ્રેષ્ઠ કેમ કહેવાય છે એની આપણને સૌને ખબર જ છે.
દુઃખની વાત એ છે કે ખબર હોવા છતાં આપણે સૌ એ શ્રેષ્ઠ મનુષ્યયોનીની શું દશા કરીએ છીએ એ વાત કહેવાની પણ જરૂર નથી. મૂળમુદ્દો છે આપણને જે અવતાર મળ્યો છે એના ઢાળામાં રહેવાનો. તમે જો જો પ્રાણીઓ હમેંશા તેમના ઢાળામાં જ રહે છે. જાનવરને ખાવુ-પીવું-ઉંઘવું, ડરવું, બચવું અને સેક્સ માણવું આટલામાં જ રસ હોય છે. જાનવર કોઈ દિવસ માનવવેડા નથી કરતું.
જયારે માણસ, માણસ હોવા છતાં જનાવરવેડા વધારે કરી લે તો હોય છે. ખરેખર તો માણસમાં માણસાઈ હોવી જોઈએ જે બહું ઓછા પ્રમાણમાં જોવા મળે છે. માણસ માણસ બનીને કોકવાર જાનવર જેવું વર્તન કરી લે તો હોય છે. એટલે જ આપણે... માણસને ગધેડા જેવો, બળદ જેવો, હાથી જેવો, ગાય જેવો, ઊંટ જેવો, બકરી જેવો, પોપટ જેવો, શિયાળ જેવો, ગીઘ જેવો, કુતરા-કુતરી જેવો, વરુ જેવો કહીને ધમકાવીને ખબર લઈ નાખીએ છીએ. ખરેખર તો મનુષ્યની પ્રાણીઓ સાથે સરખામણી કરી આપણે પ્રાણીઓનું અપમાન કરીએ છીએ. જાનવર હોય તો જાનવરવેડા જ કરે ને ? એમનો સ્વભાવ જ એવો હોય.
આપણે માત્ર જાનવરોથી સાવધાન રહેવાનું હોય છે. બિલાડી ખુલ્લુ રાખેલું દૂધ પી જાય તો એમાં વાંક આપણો જ કહેવાય. આપણી આડે ઉતરેલી બિલાડી કોઈ દિવસ બીજા પ્રાણીઓને કહેવા નથી જતી કે આજ સવારે સાલો માણસ આડો ઉતર્યો. કે કોઈ પણ પ્રાણી એકબીજાને એમ નથી કહેતા કે યાર, ભગાભાઈ જેવું કે મંગાભાઈ જેવું, પટેલ જેવું, બામણ જેવું ના કર. આપણે જે છીએ તે બરાબર છીએ. માણસ બનવામાં કાંઈ સાર નથી. જો તો નથી આ માણસોએ આપણા શમણાં અને આપણા આશિયાનાની શું દશા કરી છે ? ખબરદાર, જો કોઈ માણસનું નામ લીધું છે તો !!!
મનુષ્યપ્રાણીની વિશેષતા એ છે કે કુદરતે માણસને વિશેષ બુધ્ધિ આપી છે. સમજણ આપી છે. સારાખોટાની પરખ આપી છે. આમ છતાં આપણામાંના મોટાભાગના લોકો બુધ્ધિનું દેવાળું ફુંકવામાં સફળ થયા છે. તેથી દુઃખી થાય છે અથવા તો રહેતા હોય છે. જેની પાસે બુધ્ધિબળ હોય તે માણસ કોઈ દિવસ દુઃખી થાય જ નહીં. અંતે તો હું પણ મનુષ્યપ્રાણી જ છું. એવી સમજણ એને દુઃખી ન થવા દે.
ઊડીને આંખે વળગે એવું એક અચરજ પ્રાણીઓમાં અને મનુષ્યપ્રાણીમાં રહેલું છે. અને તે છે અન્ય પ્રાણીઓ આ ધરતીમાતાને પોતાની જાગીર નથી સમજતા. જ્યારે મનુષ્યપ્રાણી આ પૃથ્વીને પોતાની મિલક્ત સમજી બેઠો છે. મનુષ્ય પ્રાણી ખરેખર તો પોતાનો અને ધરતીમાતાનો ટ્રસ્ટી છે, માલિક નથી.
એટલે મનુષ્યપ્રાણી અશાંત અને ઉચાટમાં એટલા માટે રહે છે કે એ પોતાના રાગ-દ્વેષથી મુક્ત નથી રહી શક્તો. મનુષ્યપ્રાણીને માનવજીવન ઉજવવું હોય તો પોતાના રાગદ્વેષને અંકુશમાં રાખવાની કળા શીખવી પડશે. સુંદરતા-સ્વાદ અને સ્પર્શની અવગણના નથી કરવાની નિયંત્રણમાં રાખવાના છે. જેથી જાનવર બનવાથી બચી જવાય.
- અંજના રાવલ