Get The App

અંગારક ચતુર્થી .

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
અંગારક ચતુર્થી                                          . 1 - image


ગણેશપુરાણના ઉપાસનાખંડમાં અંગારક ચતુર્થીના માહાત્મ્યની કથા વિસ્તારથી વર્ણવવામાં આવી છે. એને સંક્ષેપથી અહીં ચતુર્થી વ્રતના સંદર્ભમાં પ્રસ્તુત કરી રહ્યો છું.

પૃથ્વી દેવીએ મહામુનિ ભારદ્વાજના જપા-કુસુમ જેવા અરુણ પુત્રનું પાલન કર્યું અને સાત વર્ષે એને મહર્ષિને પાછો સોંપ્યો.મહર્ષિએ એનો સ્વીકાર કરી વાત્સલ્યથી વિધિરહિત એના ઉપનયન સંસ્કાર કર્યા અને તેને વેદાદિ શસ્ત્રોનું અધ્યયન કરાવ્યું. પછી પોતાના પ્રિય પુત્રને ગણપતિમંત્ર આપી ભગવાન ગણેશની આરાધના કરવાની પ્રેરણા આપી.

મુનિપુત્ર પિતાને પ્રણામ કરીને પવિત્ર ગંગાનદીના તટ પર ધ્યાન ધરતાં ધરતાં ભગવાન ગણેશના જાપ કરવા લાગ્યો. આમ એણે નિરાહાર રહી એક હજાર વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી. 

માઘકૃષ્ણચતુર્થીના દિને ચંન્દ્રોદય થયા પછી એની સામે ભાલચંન્દ્ર ગણેશ પ્રગટ થયાં. એમણે વિવિધ શસ્ત્રો ધારણ કર્યા હતાં. તેઓ વિવિધ અલંકારોથી વિભૂષિત હતા અને કોટિ કોટિ સૂર્યોથી પણ અધિક દીપ્તિમંત હતા. ભગવાન ગણેશના મંગલમય સ્વરૂપનું દર્શન કરી મુનિપુત્રે આનંદવિભોર થઈ એમની સ્તુતિ કરી.

ભગવાન ગણેશ બોલ્યા કે, 'હે મુનિકુમાર ! હું તારી ઉગ્ર તપશ્ચર્યા, ધૈર્ય અને સ્તુતિથી પ્રસન્ન થયો છું. તું મનોવાંચ્છિત વરદાન માંગ. હું તને એ અવશ્ય પ્રદાન કરીશ.'

પ્રસન્ન થયેલા પૃથ્વીપુત્રે અત્યંત નમ્રતાથી કહ્યું કે, હે પ્રભુ ! આપનાં દુર્લભ દર્શનથી જ આજે હું કૃતાર્થ થયો છું. મારી માતા પૃથ્વીદેવી, મારા પિતા, મારું તપ, મારા નેત્ર, મારી વાણી, મારા જીવન અને જન્મ - સર્વે સફળ થયાં છે. હે દયામય ! હું સ્વર્ગમાં નિવાસ કરી દેવોની સાથે અમૃતપાન કરવા ઈચ્છું છું. ત્રણેય લોકોનું કલ્યાણ કરનારું મારું નામ 'મંગળ' પ્રખ્યાત થાઓ.'

પૃથ્વીનંદને આગળ કહ્યું કે, હે ભગવાન ! મને આપનું ત્રિભુવનપાવન દર્શન આજે માઘકૃષ્ણચતુર્થીએ થયું છે એટલે આ ચતુર્થી સદૈવ પુણ્ય પ્રદાન કરનારી અને સંકટ હરનારી થાઓ. હે સુરશ્રેષ્ઠ ! આ દિવસનું જે કોઈ વ્રત કરે એની સર્વે કામનાઓ આપની કૃપાથી પરિપુર્ણ થાઓ.'

દેવદેવેશ ભગવાન ગણેશે વરદાન આપતા કહ્યું કે, હે પૃથ્વીનંદન ! તમે દેવોની સાથે અવશ્ય અમૃતપાન કરશો. તમારું 'મંગળ' નામ સર્વત્ર પ્રખ્યાત થશે. તમે ધરતીના પુત્ર છો અને તમારો રંગ અગ્નિના જેવો લાલ છે એટલે તમારું એક નામ 'અંગારક' પણ પ્રસિદ્ધ થશે અને આ તિથિ 'અંગારક ચતુર્થી' એવા નામથી પ્રખ્યાત થશે. પૃથ્વી પર જે મનુષ્ય આ દિવસે મારું વ્રત કરશે એમને એક વર્ષ પર્યંત ચતુર્થીવ્રત કરવાનું ફળ મળશે અને એમના કોઈ કાર્યમાં વિઘ્ન ઉભું થશે નહીં.'

ભગવાન ગણેશે મંગળને વરદાન આપતા કહ્યું કે, 'તમે સર્વોત્તમ પ્રકારે મારું વ્રત કર્યું છે એટલે તમે અવંતીનગરી પરંતપ નામના નૃપાલ થઈ અમિત સુખ પ્રાપ્ત કરશો. આ વ્રતનો અદ્ભુત મહિમા છે. એના કિર્તન માત્રથી મનુષ્યોની સર્વે કામનાઓની પૂર્તિ થશે.' આમ કહી ભગવાન ગણેશ અંતર્ધાન થઈ ગયાં.

મંગળે એક ભવ્ય મંદિર બનાવ્યું અને એમાં દશભુજ ગણેશ પ્રતિમાની સ્થાપના કરી અને એનું નામ 'મંગલમૂર્તિ' રાખ્યું. આ સ્વરૂપ સર્વે કામનાઓ પૂરી કરનારું અને અનુષ્ઠાન, પૂજન અને દર્શન કરવાથી સૌને માટે મોક્ષપ્રદ છે.

પૃથ્વીપુત્ર મંગળે મંગળવારે ભગવાન ગણેશની આરાધના કરી હતી. એટલે એ સશરીર સ્વર્ગમાં ગયો અને તેણે સુરસમુદાય સાથે અમૃતપાન કર્યું. આ પુણ્યમયી તિથિ અંગારક ચતુર્થી નામથી પ્રસિદ્ધ થઈ અને સંતાન અને સમૃદ્ધિ અર્પનારી થઈ.

ભગવાન ગણેશ નિર્મળ અને સાચી ભક્તિની અપેક્ષા રાખે છે અને ભક્તિપૂર્વક અર્પેલાં દૂર્વાનાં બે ફુલોથી પણ પ્રસન્ન થઈ અક્ષય સમૃદ્ધિ અને પરમ આનંદમય દિવ્યધામ પ્રદાન કરે છે. તો આવો આપણે પણ ભગવાન ગણેશની કૃપા પ્રસાદીનો અનુભવ કરી પ્રભુ પરાયણ બનીએ એ જ અભ્યર્થના...!

- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી

Tags :