આનંદમ્ પરમ સુખમ્ .
- સુદામાનો આનંદ મિત્ર કૃષ્ણ છે તો મિત્ર કૃષ્ણનો આનંદ બાળમિત્ર સુદામા છે- અનેરો મૈત્રીવૈભવ!
આ સુંદર જગત એ ઇશ્વરનું આનંદસ્વરૂપ સર્જન છે. અત્ર, તત્ર, અને સર્વત્ર આનંદ, આનંદ અને આનંદ- ચિદાનંદ-પરમાનંદ ! પ્રભુ સ્વયં આનંદ સ્વરૂપે બિરાજમાન હોય છે, માટે પ્રભુસ્મરણએ ઔષધિ બની રહે છે. ઔષધિ આનંદ-સ્વરૂપે- ઔષધિ પ્રભુ-સ્મરણે ! પ્રભુના દર્શન નિત્ય પ્રસન્નતા અને આનંદ સ્વરૂપે હોય છે. ઇશ્વરે સર્જન કરેલ નાનું દેવસ્વરૂપ એ મનુષ્ય છે ! પ્રભુની જેમ આનંદપ્રીતિ એ મનુષ્યનો સુખવૈભવ બની રહે છે. આનંદ મનુષ્યને પરમ સુખ-શાંતિ આપે છે.
કૃષ્ણનો આનંદ ગોપીઓ છે તો ગોપીઓનો આનંદ સ્વયં કૃષ્ણ છે અરસપરસનું પવિત્ર સાન્નિધ્ય ! સુદામાનો આનંદ મિત્ર કૃષ્ણ છે તો મિત્ર કૃષ્ણનો આનંદ બાળમિત્ર સુદામા છે- અનેરો મૈત્રીવૈભવ ! શબરીનો આનંદ રામના બોર છે તો રામનો આનંદ પ્રેમાળુ શબરી છે. દેવકી-યશોદામૈયાનો આનંદ કૃષ્ણ છે તો કૃષ્ણનો આનંદ દેવકી-યશોદામૈયા છે. પરમાનંદ એ કૃષ્ણ છે. જગતનો આનંદ કૃષ્ણ છે તો ગોકુળ-મથુરા- વૃંદાવન- દ્વારકામાં આનંદ કૃષ્ણ છે. કૃષ્ણ સ્વયં આનંદસ્વરૂપ છે. સર્વ જગ આનંદસ્વરૂપે ભાસે છે.
- સુખ કે દુઃખ મનમાં ભોગવાય છે
સં સાર સરીજતી રેતી અને નદીના પ્રવાહની જેમ સરક્યા જ કરે છે. અનેક નાની-મોટી ઘટનાઓ આપણા મનમાં અનેક આંદોલનોનું સર્જન કરે છે. તળાવના શાંત જળમાં પથ્થર ફેંકવાથી તેમાં તરંગ સર્જાય છે ધીમે ધીમે તે તરંગ કિનારા સુધી આવીને પાછા જ્યાંથી સર્જાયા હતા ત્યાં જઈને વિલીન થઈ જાય છે.
આપણા જીવનમાં પણ આવું જ છે. જીવનમાં બનતી ઘટનાઓ આપણા મન ઉપર સુખ કે દુઃખની આભા ઊભી કરે છે. જો આપણે તે તરંગોને શાંત ભાવે-સાક્ષી સ્વરૂપે જોઈ શકીએ તો એવી સુખ કે દુઃખની અનુભૂતિ કરાવતી ઘટનાઓ તરંગીત થઈને શાંત થઈ જશે, તે માટે મનને કેળવવાનું છે. તે સાધના છે. તેને તપ કહી શકાય. વનમાં જઈને કે ગુફામાં ચોટી બાંધીને બેસી જવું એટલું માત્ર તપ નથી. હિમાલયનાં હિમશીખરો વચ્ચે બેસવાથી તપ થાય છે તેવું નથી. આપણા જીવનમાં ઘટતી દરેક ઘટના માત્ર તરંગ છે તેમ સમજીને ધીરજ પૂર્વક તેને જોવા કરવી. તે તપ ઘરમાં ખૂલ્લી આંખે બેસીને પણ કરી શકાય છે.
ભગવાન શ્રીરામના જીવનની અનેક ઘટનાઓ તેમની મનમાં સુખ કે દુઃખ થવા દેતાં નથી. અયોધ્યા નગરીની દોમ દોમ સાહ્યબી. રેશમી ગાલીચા. અનેક સુખવર્ધક સાધનોમાં જે શાંતિની અનુભૂતિ કરી શકતા હતા તેવી જ શાંતિ પંચવટીના વનમાં પર્ણકુટીમાં પત્થરના ઓશિકામાં પણ અનુભવતા હતા.
જે ક્ષણે રાજગાદી મળવાની હતી. રાજ્યાભિષેક થવાનો હતો તે ક્ષણે વલ્ક વસ્ત્રો પહેરીને વનગમન કરતી વખતે પણ તેમના ચહેરાના ભાવ બદલાયા નથી.
પ્રાંત ઃ સ્મરણીય સંત શ્રી આનંદનાથજી મહારાજ આ કથાનો તત્વાર્થ સમજાવતાં કહે છે ઃ શ્રી રામ જ્ઞાાનનું પ્રતિક છે. શ્રી સિતાજી ભક્તિ અને શાંતિનું પ્રતિક છે જ્યારે લક્ષ્મણજી વૈરાગ્યનું પ્રતિક છે.
જ્ઞાાન, ભક્તિ અને વૈરાગ્ય જીવનમાં આવી જાય તો જ સાચો બ્રહ્માનંદ પ્રાપ્ત કરી શકાય છે. આપણે જીવનમાં ધીરજ પૂર્વક જ્ઞાાન, ભક્તિ અને વૈરાગ્યની સાધના કરતા રહેવાનું છે.
- નાથાલાલ બ્રહ્મક્ષત્રિપ