હિન્દુ ધર્મના ર્ધાર્મિક સાહિત્યનું વિહંગાવલોકન
- 18 પુરાણોમાં અખૂટ જ્ઞાાાનનો ખજાનો છે. ભાગવત સપ્તાહ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભાગવત, દેવી ભાગવત, ગરૂડ, પદ્મ, માર્કંડેય, શિવ, નારદપુરાણ મુખ્ય છે
હિ ન્દુ એટલે શું ? ઇતિહાસકારોના મતે મધ્ય એશિયામાંથી મહાન આર્યજાતિની એક શાખા સિન્ધુ નદીના તટ ઉપર આવીને વસી. અહીં વસતા ઇરાનીઓ સિન્ધુનો ઉચ્ચાર 'ઇન્દુ' કરતા. સિન્ધુ કાંઠે વસેલા આર્યોને ઇન્દુ તરીકે બોલાવતા. કાળક્રમે સિન્ધુમાંથી ઇન્દુ અને ઇન્દુમાંથી અપભ્રંશ થઈ 'હિન્દુ' શબ્દ પ્રચલિત બની ગયો. ગ્રીક લોકોએ ઇન્દુનું અપભ્રંશ ઇન્ડિયા કર્યું. આમ દેશનું નામ ઇન્ડિયા, હિન્દુસ્તાન બન્યું.
હિન્દુસ્તાનનું બીજું નામ ભરત રાજા પરથી ભારત બન્યું. 'ભા' - બ્રહ્મવિદ્યાનો દ્યોતક છે. બ્રહ્મને પામવા, ઓળખવા જે દેશના લોકો 'રત' - રમમાણ રહે છે તે ભારત. ભરતખંડ, ભારતવર્ષ, ઇન્દુ, જંબુદ્વીપ ઇન્ડિયા અને આર્યાવર્ત તરીકે પણ આપણો દેશ ઓળખાય છે. હિન્દુ એક જીવનપધ્ધતિ છે, લાક્ષણિકતા છે, જે ઉપરથી હિન્દુ ધર્મ અસ્તિત્ત્વમાં આવ્યો જે સમગ્ર વિશ્વનો સૌથી પ્રાચીન ધર્મ કહેવાય છે. સનાતન ધર્મ કહેવાય છે. 'સનાતન' એટલે જે પહેલેથી છે જ. જેમ કે હવા ક્યારથી છે ? સમય ક્યારથી છે ? ભગવાન ક્યારથી છે ? એક જ જવાબ છે કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ આ હવા, સમય, ભગવાન છે. બસ તેવું જ કંઇક સનાતન હિન્દુ ધર્મનું છે.
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ-ત્રણ દેવતા મુખ્ય છે જેમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ - ચાર વેદો બ્રહ્માના મુખેથી પ્રગટ થયા. સૃષ્ટિના સર્જક બ્રહ્મા છે માટે સમગ્ર વિશ્વના ધાર્મિક સાહિત્યની વાત કરીએ તો વેદો એ સૃષ્ટિનું સૌ પહેલું સાહિત્ય છે માટે હિન્દુ ધર્મને વૈદિક ધર્મ પણ કહેવાય છે એ અર્થમાં પણ પુરવાર થાય છે કે સૌથી પ્રાચીન ધર્મ એક માત્ર હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મનું સાહિત્ય ફલક ઘણું વિસ્તૃત છે, જેનું વિહંગાવલોકન કરવાનો ઉપક્રમ છે - જે મુમુક્ષુઓને, વાચકોને, ધર્મપ્રેમીઓને ગમશે.
હિન્દુ ધર્મમાં ૬ (છ) પ્રકારનાં ધર્મશાસ્ત્રો છે. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરામો, આગમો અને દર્શનો. સાંભળીને પરંપરાગત જે સાહિત્ય અસ્તિત્ત્વમાં આવ્યું તેને શ્રુતિ કહે છે. વેદોને શ્રુતિ (આમ્નાય) કહેવાય છે. ઉપર જણાવેલા ચાર વેદોના અનુક્રમે આયુર્વેદ, ધર્નુર્વેદ, ગાંધર્વવેદ અને સ્થાપત્યવેદ એમ ચાર ઉપવેદ છે. વેદોમાં ચાર મુખ્ય બાબતોનું પ્રાધાન્ય છે. જેને મંત્ર સંહિતા, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદો કહે છે. ચાર વેદોનાં ચાર મુખ્ય વેદોક્ત વેદસૂત્રો છે જેમાં અનુક્રમે પ્રજ્ઞાાનં બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ અને અયમાત્મા-નો સમાવેશ થાય છે.
વેદોનાં મુખ્ય ૬ (છ) વેદાંગ છે. શિક્ષા, કલ્પ, નિરૂક્ત, છંદ, વ્યાકરણ અને જ્યોતિષ. જેની રચના પાણિની, પિંગલાચાર્ય, યાસ્ક, ગર્ગ અને જુદા જુદા ઋષિમુનિઓએ કરી. જેમાં બ્રહ્મવિદ્યાને પરા અને માયા-સંસાર વિષયક વિદ્યાને અપરા વિદ્યા કહે છે. આ વેદોની કુલ ૧૦૮ ઉપનિષદો છે; જેમાં ઇશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડૂક્ય, ઐતરેય, તૈત્તિરીય, શ્વેતાશ્વર, બૃહદારણ્યક અને છાંદોગ્ય-એમ ૧૧ (અગિયાર) મુખ્ય ઉપનિષદો મનાય છે.
વેદ, ઉપનિષદ અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને પ્રસ્થાનત્રયી કહે છે જેનો આધાર લઇ કોઈ ધર્મમત સ્થાપિત-સાબિત કરે તેને આચાર્યની પદવી પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં અત્યાર સુધી શંકરાચાર્ય, નિંબકાચાર્ય, રામાનુજાચાર્ય, માધવાચાર્ય અને વલ્લભાચાર્ય એમ પાંચ આચાર્યો થયા જેમણે દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધા દ્વૌત અને વિશિષ્ટા દ્વૌત - વાદ દ્વારા આત્મા-પરમાત્માના સિદ્ધાંતો સાબિત કર્યા જેને લગતું અપાર ધાર્મિક સાહિત્ય ઉપલબ્ધ છે જેમાં શંકરાચાર્યે ભગવદગીતાની ટીકા લખી તે મુખ્ય છે.
૬ દર્શનશાસ્ત્રોની વાત કરીએ તો સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને ઉત્તર મીમાંસા - મુખ્ય છે. ત્યાર પછી મુખ્ય ૨૦ સ્મૃતિશાસ્ત્રો છે જેમાં મનુ, અત્રિ, વ્યાસ, યાજ્ઞાાવલ્ક્ય, પરાશર, દક્ષ, ગૌતમસ્મૃતિઓ મુખ્ય છે. હિન્દુ ધર્મના મુખ્ય પાંચ સંપ્રદાય છે જેમાં સૌર, શાકત, ગણેશ, શૈવ અને વૈષ્ણવ છે જેનું ધાર્મિક સાહિત્ય છે જેમ કે સપ્તશતી, આદિત્ય સ્ત્રોત્ર, શિવ ચાલીસા, વિષ્ણુ સહસ્ત્ર નામ, શિક્ષાપત્રી, ગણેશસ્તોત્ર, દ્વાદશલિંગ, હનુમાનચાલીસા વગેરે.
૧૮ પુરાણોમાં અખૂટ જ્ઞાનનો ખજાનો છે. ભાગવત સપ્તાહ તેનું ઉત્તમ ઉદાહરણ છે. ભાગવત, દેવી ભાગવત, ગરૂડ, પદ્મ, માર્કંડેય, શિવ, નારદપુરાણ મુખ્ય છે. આગમોમાં ગૂઢ રહસ્યોનું વર્ણન છે. વૈષ્ણવનાં-૪, શૈવનાં-૨૮ અને શાકત સંપ્રદાયનાં ૭૭ આગમો છે.
વાલ્મિકી રામાયણ વિશ્વનું સૌ પ્રથમ મહાકાવ્ય છે. રામચરિત માનસની ચોપાઇઓ ઘેર ઘેર પ્રચલિત છે. મહાભારતની રચના વેદવ્યાસે કરી. જે માનવજીવનના આચરણનું વ્યાકરણ છે. યોગ વશિષ્ઠ રામાયણને કેમ ભૂલાય ? ધાર્મિક સાહિત્યની વાત નીકળી છે તો ભિક્ષુ અખંડ આનંદ-સસ્તુ સાહિત્ય અને ગીતા ગોરખપુર-પ્રેસને વંદન કરવા જ પડે. ગાયત્રી, જનકલ્યાણ, અખંડ આનંદ માસિકો પણ આ સંદર્ભે અગ્રેસર છે. હિન્દુ ધર્મના ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ ગીતા તો વૈશ્વિક ગ્રંથ છે. શ્રીકૃષ્ણ શરણં મમ - જય સીયારામ કહી અટકું છું.
- પી.એમ.પરમાર