અમૃતફળ... આંબો... કેરી...
ધા ર્મિક કાર્યોમાં આંબાના પાનનો મહિમા છે. કળશની સ્થાપનામાં પાંચ પાન આંબાના મુકી નાળિયેર મૂકવામાં આવે છે. જેને '' પંચપલ્લવ'' કહે છે. માંગલિક પ્રસંગોએ આપણે ઘરના બારણે આંબાના પાનનું તોરણ બાંધીએ છીએ. એવું માનવામાં આવે છે કે આંબાના પાનની હાજરીમાં દેવો પ્રસંગમાં હાજરી આપે છે.
આંબાનું વૃક્ષ પૃથ્વીનું ન હતું... આંબો સ્વર્ગનું વૃક્ષ હતું. આંબા ઉપર ફક્ત ઈન્દ્રનો જ અધિકાર હતો. અને આંબાના બગીચામાં ઈન્દ્ર પોતાના રક્ષકો-ચોકીદારો મૂકી નિગરાની રાખતા. આપણે મહેમાનનું સ્વાગત- ચા-કોફી-ઠડા પીણા કે આઈસ્કીમથી કરીએ છીએ. એમ ઈન્દ્રને ત્યાં આવતા મહેમાનોનું સ્વાગત કેરી આપી કરવામાં આવતું. ઋષિ મુનિઓ... અન્ય દેવ-દેવતાઓ કેરી ખાઈ ધન્યતા અનુભવતા... કેરીનો સ્વાદ લેવા ઋષિ-મુનિઓ... દેવો ઈન્દ્રને મળવા જતા.
ઈન્દ્રએ તકેદારી રાખતા કે કેરી ખાધા પછી કોઇ દેવ-દેવતા કે ઋષિ તેની ગોટલી લઈ જાય નહીં આથી કેરી ખાધા પછી ઈન્દ્રને ગોટલીઓ પાછી આપવી પડતી. ઈન્દ્ર સ્વયં કેરીની ગોટલીઓ ગણી લેતા.
એકવાર વિરાર વિશ્વકર્મા ઈન્દ્રને મળવા સ્વર્ગલોકમાં ગયા... ઈન્દ્રએ વિશ્વકર્માનું સ્વાગત કર્યું અને પાંચ સુંદર પાકેલી કેરી ખાવા આપી. વિશ્વકર્મા જાણતા જ હતા કે કેરી ખાધા પછી ગોટલીઓ પાછી આપવી જ પડશે. એકાંતમાં બેસી કેરીઓ ખાધા પછી વિશ્વરચિતા વિશ્વકર્માએ કેરીની ગોટલી જેવી જ આબેહુબ લાકડાની ગોટલી બનાવી... ઈન્દ્રને પાંચ ગોટલીઓ આપતી વખતે એક નકલી ગોટલી ઈન્દ્રને પધરાવી દીધી અને એક અસલ ગોટલી લઈ ઈન્દ્રલોકથી પૃથ્વીલોક ઉપર આવ્યા.
વિશ્વકર્માની આ ચતુરાઈ દેવાધિદેવ ઈન્દ્ર પણ પકડી શક્યા નહીં. પૃથ્વીપર આવીને વિશ્વકર્માએ આ ગોટલી સોમનાથ પાસે પ્રભાસ ક્ષેત્રમાં વાવી. આજે પણ સોમનાથ... જૂનાગઢ...ગિર... પંથકમાં કેરીઓમાં શિરોમણી એવી કેસર કેરીનો મબલખ પાક આ વિસ્તારમાં થાય છે. માનવ જાતને અમૃતફળ જેવી કેરી આપવા ઈન્દ્રને છેતરવાનું કારણ... ઈન્દ્રનો એકાદિકાવાદ નાબુદ કરી... માનવ જાતનું કલ્યાણ કરવાનો હતો.
- ગોરધનભાઈ એચ. સુથાર