શોડષ સંસ્કારોમાનો એક ખૂબ જ મહત્વનો અને મુખ્ય સંસ્કાર છે, યજ્ઞોપવિત એટલે કે જનોઈ સંસ્કાર
- યજ્ઞોપવિતનું મંતવ્ય જીવનની સર્વાંગ પૂર્ણ ઉન્નતિ કરવાનું છે. કેલાક માણસો જનોઈના નિયમની ભૂલ થવાનો ભય માની ડરને કારણે જનોઈ નથી પહેરતા અથવા પહેરવાનું છોડી દે છે. આ સર્વથા અયોગ્ય છે. શાસ્ત્રો કહે છે યજ્ઞોપવિત ધારણ કર્યા વગર ભગવતીની સાધનાનો ધાર્મિક અધિકાર મળતો નથી
ભા રતીય સંસ્કૃતિમાં શોડષ સંસ્કારોમાનો એક ખૂબ જ મહત્વનો અને મુખ્ય સંસ્કાર છે, યજ્ઞોપવિત એટલે કે જનોઈ સંસ્કાર. યજ્ઞોપવિતને બ્રહ્મ-સૂત્ર, ઉપવિત, રક્ષાસૂત્ર કે વ્રતબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન, એટલે કે ''બળેવ'' ના દિવસે જનોઈ બદલવાનું શસ્ત્રોનું વિધાન છે. ''ઉપ'' એટલે પાસે અને ''નયન'' એટલે લઈ જવું. અર્થાત્ ''ગુરુ પાસે લઈ જવાની યોગ્યતા ધારણ કરવા માટેની ધાર્મિકવિધિ એટલે ઉપનયન એ જનોઈ સંસ્કાર.''
ભારતીય ધર્મના બે પ્રતીક છે. એક જ્ઞાનની ધ્વજા એવી શિખા (ચોટલી) કે જે મસ્તક રૂપી કિલ્લા પર ફરકાવવામાં આવે છે. બીજાું છે જનોઈ ધારણ એ જ્ઞાન અને કર્મને પરિષ્કૃત કરવાની ચેતવણી છે, વાર્ષિક સંસ્કાર છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે ભૂતકાળમાં કરેલી ભૂલોનું, દોષોનું પ્રાયશ્ચિત કરવામાં આવે છે. ઋષિપૂજન અને દેવ-પૂજન પણ આજ દિવસે કરવામાં આવે છે.
જનોઈ ધારણ કરવામાં ક્યાંય ક્ષતિ કે વિસ્મૃતિ તો થઈ નથી ને ? તેનું નિરીક્ષણ અને વિશ્લેષણ આ દિવસે કરવામાં આવે છે. જનોઈ સદ્બુધ્ધિની દેવી ગાયત્રીની સાક્ષાત મૂર્તિમાન પ્રતિમા છે. જેવી રીતે સામાન્ય કાગળમાં શાહિની મદદથી અત્યંત મહત્વપૂર્ણ જ્ઞાનવિજ્ઞાન ભરી દેવામાં આવે છે, તેવી રીતે જનોઈના નવ તારમાં જીવનના વિકાસનું સમગ્ર દર્શન ભરી દેવામાં આવ્યું છે.
ભારતીય સંસ્કૃતિના ધાર્મિક ગ્રંથો વેદ, પુરાણ શ્રુતિ, સ્મૃતિ, ઉપનિષદ, રામાયણ, શ્રીમદ ભાગવત, શ્રીમદ ભગવદ ગીતા, મહાભારત વગેરે આધ્યાત્મિક ગ્રંથો કૌરવોની દુર્બુધ્ધિથી સમજી શકાય નહિ, એને સમજવા માટે તો પાંડવો જેવી સદ્બુધ્ધિની આવશ્યકતા રહે. આથી જ તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા ભગવાન શ્રીકૃષ્ણ અને શ્રીરામ તથા દેવાધિદેવ મહાદેવ યજ્ઞોપવિત ધારણ કરી ગાયત્રી મંત્રના માધ્યમથી વૈદિકસંધ્યા કરે છે અને અનુક્રમે ગીતા, રામાયણ તથા ''શિવ પુરાણ'' ના ચરિત્રને સદ્બુધ્ધિની પ્રાપ્તિ દ્વારા જ સમજી શકાય એવો આદર્શ રજુ કરે છે.
આજ આદર્શના પ્રગટીકરણ અર્થે ભારતીય સંસ્કૃતિમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો, સાધુઓ, સંતો, મહંતો, મંડલેશ્વરો, ગાદીપતિઓ શંકરાચાર્યો, ગુરુઓ વગેરે જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયના ભેદભાવ વગર મહત્વને એક અવાજે સ્વીકારે છે.
એક અબજ રૂપિયાની ઈમારત બનાવી હોય પરંતુ તેમાં મૂર્તિ ન હોય તો તે મંદિર ગણાતુ નથી એજ રીતે સૂર્યની ઉર્જાના પ્રત્યક્ષ રૂપમાં સદ્બુધ્ધિી એવી ગાયત્રીના સ્વરૂપ જનોઈને શરીર પર ધારણ કરવાથી મનુષ્યનો દેહ મૂલ્યવાન મંદિર બને છે. સદ્બુધ્ધિએ શરીરરૂપી મંદિરમાં સ્થાપિત મૂર્તિ જ છે. પ્રત્યેક દ્રિજે ગાયત્રી જાણવી અનિવાર્ય છે, તેવી જ રીતે જનોઈ ધારણ કરવી પણ અનિવાર્ય છે. જનોઈમાં એક બ્રહ્મગ્રંથી હોય છે.
પાપોની વિરુધ્ધ રહેનારો મનુષ્ય દેવત્વને પ્રાપ્ત કરે છે. જનોઈના નવતારમાં નીતિશાસ્ત્રનો સંપૂર્ણસાર ભરી દેવામાં આવ્યો છે.
જનોઈની ખાસ વિશેષતા એ છે કે જનોઈ માત્ર સૂતરના દોરામાંથી બનાવેલી પહેરવામાં આવે છે. મનુષ્યના વાણી, વર્તન વિચાર અને વ્યવહારને પવિત્ર બનાવતા જનોઈ ધારણ કરનાર માટે ''બોડીગાર્ડ''નું સુરક્ષા અને સંરક્ષણનું કાર્ય કરે છે. જનોઈ ધારણ કરવાથી એ પ્રગટ થાય છે કે ભારતીય સન્નારી કે સજ્જનોએ પોતાના સહજ ધર્મપ્રેમને જીવીત રાખ્યો છે. એટલે ઉપવિતને ''ધર્મપ્રેમના પ્રતીક તરીકે ધારણ કર્યું છે. જે લોકો નિયમ નથી સાધી સકતા તેમને માટે ખાસ જનોઈ ધારણ કરવાની વધુ આવશ્યકતા છે. જે બીમાર છે તેને જ દવા જોઈએ જો બીમાર ન હોત તો તેને માટે દવાની આવશ્યકતા જ ક્યાં હતી ?
યજ્ઞોપવિતનું મંતવ્ય જીવનની સર્વાંગ પૂર્ણ ઉન્નતિ કરવાનું છે. કેલાક માણસો જનોઈના નિયમની ભૂલ થવાનો ભય માની ડરને કારણે જનોઈ નથી પહેરતા અથવા પહેરવાનું છોડી દે છે. આ સર્વથા અયોગ્ય છે. શાસ્ત્રો કહે છે યજ્ઞોપવિત ધારણ કર્યા વગર ભગવતીની સાધનાનો ધાર્મિક અધિકાર મળતો નથી.
જનોઈએ સૂર્યની ઉર્જાનું પ્રતીક છે. મનુષ્યમાં બ્રહ્મત્વનું નિર્માણ કરનાર સંસ્કાર વિધિ છે. જનોઈ જીવન જીવવાની અને સતમાર્ગ પર ચાલવાની દિશા દર્શાવે છે. યજ્ઞોપવિતમાં યજ્ઞા શબ્દનો અર્થ ''યજન'' છે. આમાં ''જૈન'' અને ઉપવિતમાંથી ''ઉ'' લઈને ''જનઉ''- જનોઈ શબ્દ બન્યો છે.
યજ્ઞોપવિત માટે કેટલીક સાવચેતી ધ્યાનમાં રાખવી આવશ્યક છે : જેમ કે -
* જનોઈને મળમૂત્ર વિસર્જન પહેલા જમણા કાન પર લપેટી લેવામાં આવે છે. એનું સ્થૂળ કારણ એ છે કે જનોઈ કમરથી ઉપર તરફ આવી જવાથી ગંદી અને અપવિત્ર ન થાય. અને બીજાુ કારણ વ્રતની યાદ એ બહાને તાજી થતી રહે.
* છ માસ કરતા વધારે સમય થઈ જાય તો જનોઈ બદલી નાખવી જોઈએ જન્મમરણના સૂતક પછી જનોઈ બદલી નાખવાની પરંપરા છે. જનોઈ ધારણ કરતી સ્ત્રીઓએ દર મહિને માસિક શૌચ પછી જનોઈ બદલવી જોઈએ.
* જનોઈ ગળાની બહાર ક્યારેય કાઢવી જોઈએ નહિ. ધોવા માટે એને ગળામાંજ રાખીને બન્ને હાથની હથેળી વચ્ચે ધોવી જોઈએ. જનોઈ ગળા બહાર ઉતરી જાય તો પ્રાયશ્ચિત રૂપે એક માળા ગાયત્રીમંત્રની કરીને જનોઈ બદલી નાખવાનું શાસ્ત્ર વિધાન છે.
* જનોઈ ડાબા ખભ્ભાથી જમણી બાજુ તરફ રાખવામાં આવે છે કારણ હૃદયનું મર્મસ્થાન ડાબી બાજુએ આવેલ છે. ગુપ્તમંત્રો પણ વ્યક્તિને જમણા કાનમાં આપવામાં આવે છે. શાસ્ત્રો કહે છે કે ચંદ્ર, ઈન્દ્ર, અગ્નિ તથા વરુણ એ બધા દેવતાઓ બ્રાહ્મણના જમણા કાનમાં રહેતા હોવાથી જનોઈને જમણાકાને ચડાવવામાં આવે છે. જનોઈ પ્રમાણ કરતા મોટી હોય તો એક આંટો ગરદન પર વીંટાવી લેવી જોઈએ.
* જનોઈનો તાર તુટે જુની થઈ જાય, કાળી કે ગંદી થયે બદલી નાખવી જોઈએ.
* તુટેલી જનોઈ સાથે જાણી જોઈને ચાલી શકાતું નથી. મનમાં ગાયત્રી મંત્રનો ઉચ્ચાર કરતા કરતા જનોઈના તુટેલા તાર બાંધી ઘરે પહોંચીને જનોઈ બદલી નાખવામાં આવે છે. જૂની કે તુટેલી જનોઈને અપવિત્ર જગ્યાએ ન નાખતા તુલસીના ક્યારે કે વૃક્ષના ક્યારામાં પધરાવામાં આવે છે.
* કોઈની અંતિમયાત્રામાં સ્મશાને ગયા બાદ જનોઈ બદલી નાખવામાં આવે છે.
* શુભ કર્મકાંડ કરાવતી વખતે જનોઈ બદલવી - યજ્ઞોપવિત પરિવર્તન આવશ્યક ગણાય છે.
* ચાવી જેવી કોઈ પણ ચીજ જનોઈ સાથે બાંધી શકાતી નથી.
* યજ્ઞોપવિત મેલી થવાથી ગંદકીને કારણે રોગના કિટાણુ તેમાં ઉત્પન્ન થવા લાગે છે માટે જનોઈ મેલી થવાના સંજોગોમાં જનોઈ બદલી નાખવી જોઈએ.
* યજ્ઞોપવિત ધારણ કરવાનો મંત્ર :
ઓમ યજ્ઞોપવિતં પરમં પવિત્રં
પ્રજાપતેર્યત્સહજં પુરસ્તાત
આયુષ્યમગ્પ્રં પ્રતિમુંચ શુભ્રં
યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ :
* યજ્ઞોપવિત વિસર્જન મંત્ર :
ઓમ સમુદ્રં ગચ્છ સ્વાહા
કિંવા એતાવદિન પર્યતં બ્રહ્મત્વં ધારિતં મયા
જીર્ણત્વાત્વત્પરિ ત્યાગો
ગચ્છ સૂત્ર યથાસુખમ્
- હરસુખલાલ સી. વ્યાસ