આપણે ત્યાં શક્તિની ભક્તિ કરવા માટે પ્રાચિન ગરબાઓનું ગાન થતું. મુખ્યત્ત્વે આપણા ત્રણ મત છે - શૈવ મત, વૈષ્ણવ મત અને શાક્ત મત. શક્તિની ભક્તિ એ ખુબજ મહત્ત્વની છે. ભક્ત કવિ વલ્લભ, નરભેરામ જેવા ભક્તોએ ભક્તિ રસની લ્હાણી વહેવડાવી છે તેમના પદો દ્વારા. આજે એક સુંદર પદ સ્મરણ થાય છે, જેના શબ્દો છે - 'અંબા અભયપદ દાયિની રે, સામા સાંભળજો સાદ ભીડભંજની.' ભાવ એ છે કે, સૌથી પહેલાં તો અંબા શબ્દ એ સંસ્કૃત શબ્દ છે. તમે તમારી જનનીને પણ અંબા કહી શકો. પણ આ તો સમગ્ર જગતની માતા છે. 'જગતસ્ય અંબા જગદંબા.' જે જગદંબાનું સ્મરણ કરે એને કોઈ ભય ન રહે. એને અભયત્વ પ્રાપ્ત થાય.
આ પદ જ્યારે સ્મરણમાં આવે છે ત્યારે દેવી ભાગવતનો એક પ્રસંગ પણ સ્મરણ થાય છે કે, જ્યારે શુંભ અને નિશુંભના અત્યાચારથી દેવો ભયભિત બન્યા ત્યારે દેવો જગદંબાને શરણે ગયાં. શુંભ-નિશુંભનો વધ કરવા માટે માતા જગદંબા અષ્ટભુજા વાળા સ્વરૂપે પ્રગટ થયાં. જગદંબાએ ધુમ્ર લોચન, રક્તબિજ, ચંડ-મુંડ શુંભ-નિશુંભનો વધ કર્યા પછી દેવોને કહ્યું કે, 'હે દેવો ! તમને જ્યારે-જ્યારે વિપત્તિ પડે ત્યારે-ત્યારે તમે મને યાદ કરજો.' માતાજી દેવોને જ નથી કહેતાં પણ આપણા જેવા મનુષ્યોને પણ આ જ કહે છે. જીવનમાં વિપત્તિ આવે ત્યારે જગદંબાનું શરણ લેવું. માતાજીના સ્વરૂપનું ચિંતન કરવું. એ માતાજી કેવાં છે તો આગળની પંક્તિમાં કહ્યું - 'હેમ હિંડોળે ઝુલતા રે, હિંચે છે આરાસુરી માત, ભીડભંજની.' માતાજી હિંડોળા ઉપર બેઠાં છે એ ભક્તની કલ્પના છે અને એમ પણ દેવી ભાગવતના સપ્તમ સ્કંધમાં જગદંબા દેવોને કહે છે કે મને દોલોત્સવ પ્રિય છે અર્થાત્ મને હિંડોળો પ્રિય છે. આમ, માતાજી હિંડોળે ઝુલે પણ છે અને ભગવાન વિષ્ણુએ જ્યારે બાલ મુકુન્દનું સ્વરૂપ ધારણ કર્યું ત્યારે માતાજીએ ભગવાનને ઝુલાવ્યા પણ છે. તો આવું શક્તિનું સ્વરૂપ છે.
આવા માતાજીના સ્વરૂપનું ચિંતન કરતાં-કરતાં માતાજીને પ્રાર્થના કરવી. 'મધ દરિયે તોફાન મારે આજ ડુબે છે મારી નાવ ભીડભંજની, અંબા અભયપદ દાયિની રે.' સંસાર એ સમુદ્ર છે. સંસારરૂપી સમુદ્રમાંથી તારનાર જો કોઈ હોય તો એ માતાજીનું નામ છે. માટે જે જીવ જગદંબાના નામનો આશ્રય કરે એ જીવ તરી જાય. દેવી ભાગવતમાં તો વર્ણવ્યું છે કે માત્ર જો કોઈ જીવ'હે અંબા' આટલું પણ જો બોલે તો તેના પાપો બળીને ભસ્મ થઈ જાય. જે ગતિ યોગીઓને પ્રાપ્ત થાય છે એવી ગતી તેને મળે છે.
સતયુગમાં ધ્યાન દ્વારા પરમાત્માની પ્રાપ્તિ થતી હતી. ત્રેતાયુગમાં યજ્ઞાની પ્રધાનતા બતાવી. દ્વાપરયુગમાં પુજન-અર્ચનની પ્રધાનતા બતાવી પણ કળિયુગમાં તો નામનો જ મહિમા ઉત્તમ છે. એટલે જ તો કહેવામાં આવ્યું કે 'કલૌચંડિ વિનાયકૌ.' કળિયુગમાં મા જગદંબાની ઉપાસના, ભગવાન ગણેશજીની ઉપાસના તતક્ષણ ફળ આપવાવાળી છે. આપણે ત્યાં એક પંક્તિ છે કે 'માંગ્યા વગર તો મા પણ ના પિરસે.' પણ, દેવી ભાગવત અને ભક્તજનોના પદોના આધારે જોઈએ તો જે માંગ્યા વગર પિરસે એ જ માતા છે. માતા એવી છે કે જે બાળકને માગ્યા વગર બધું જ આપે છે. એટલે જ તો પુનિત મહારાજે પણ પોતાના પદમાં વર્ણવ્યું કે 'તું માડી હું બાલુડો, માં સાચવજે, તારા ખોળે પડયો આ બાળ અંબા સાચવજે.' દરેક પરિસ્થિતિમાં માતા જ આપણને સાચવતી હોય છે. જ્યારે વ્યક્તિ જગદંબા ઉપર ભરોસો મુકે ત્યારે તે વ્યક્તિ ક્યારેય નિરાશ થતો જ નથી.
આપણું મન જગદંબાના ચરણકમલના રસોનું મકરંદ બનીને પાન કરે એ જ અભ્યર્થના...
- પ્રજ્ઞાાચક્ષુ ડો. કૃણાલ જોષી


