Get The App

આશરો હંમેશા હરિનો જ કરવો .

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
આશરો હંમેશા હરિનો જ કરવો                                 . 1 - image

- 'એક સરખા સુખના દિવસો કોઇના જાતા નથી.' દેહ છે એટલે સુખ દુ:ખ આવે. કોઇ સાથે મેળ-કુમેળ થયા કરે માટે રોગ કે દુ:ખના દિવસો આવે ત્યારે આ કંઠી કે માળા સદી નહીં એમ માનીને  તેની શ્રદ્ધાનો તિરસ્કાર કરવો નહીં

- જેમ ઇષ્ટદેવ એક, તેમ ગુરુ પણ એક. અન્ય બાવા, વેરાગી, પીર, જતિ કે તંત્રીમાં લૌકિક પદાર્થની આશાએ પ્રતીતિ આવવી ન જોઇએ. ઇષ્ટદેવ અને ગુરુનો નિશ્ચય પાકો હોવો જોઇએ.

(हरि शरणम)

नीचश्रेया न कर्तव्यः

कर्तव्यो महादाश्रयः ।

अजा सिंह प्रसादेन

आऱुढा गजमस्तके ।।

આશરો હંમેશા સર્વોપરીનો જ કરવો જોઇએ. એક બકરી જંગલમાં સિંહના પગલાને આશરે બેઠેલી. તો કોઇ જંગલી પશુ તેને કશુંય કરી શકતા નહીં. સિંહને પણ થયું કે મારે આશરે બેઠેલાને મારે કેમ મરાય? તેણે બકરીને હાથી ઉપર બેસાડીને જંગલની બહાર પહોંચાડી દીધી...

નરસિંહ મહેતા કહેતા કે ''મારે એક જ તમારો આધાર રે શામળા ગિરધારી'' ભગવા શ્રીકૃષ્ણએ ઇન્દ્રની પૂજા બંધ કરાવીને ગોવર્ધન પૂજા શરૂ કરાવી. ગોવર્ધનને ધારણ કરનારા પણ પોતે જ છે. એમ બતાવી ગર્ભિતરીતે પોતાના આશરાની જ વાત કરી.

વ્યાસજીએ ઘણાં પુરાણો રચ્યા. દરેક પુરાણમાં તે તે ચારિત્ર નાયક દેવને સર્વથી પર કહ્યા. જેમ કે શિવપુરાણમાં બધા દેવો શિવજીની સ્તુતિ કરે, ભાગવતપુરાણમાં કૃષ્ણની, વિષ્ણુપુરાણમાં બધા દેવો વિષ્ણુની સ્તુતિ કરે, દેવી પુરાણમાં બધા દેવો દેવીની સ્તુતી કરે.

લોકો ચાર પ્રકારે ભગવાનને ભજે છે.

(૧) પહેલા પ્રકારમાં ઉપર કહ્યું તેમ શાસ્ત્રોમાંથી જે દેવમાં શ્રધ્ધા  બેઠી હોય તેને સર્વોપરી માની તેને ભજવું.

(૨) બીજા પ્રકારમાં પોતાના વંશપરંપરામાં જ સ્વરૂપની પૂજા ચાલી આવતી હોય તેને ભજવું.

(૩) ત્રીજા પ્રકારમાં પોતાની વંશપરંપરામાં ભલે ગમે તે સ્વરૂપ પૂજાતું હોય પણ પોતાના મનમાં બીજુ કોઇ ભગવાનનું સ્વરૂપ ગમી ગયું હોય તેને ભજવું. શ્રધ્ધા એ ભક્તિનું મુખ્ય અંગ છે.

(૪) ચોથા પ્રકારમાં પોતાના ગુરુએ જે ભગવાનનું સ્વરૂપ બતાવ્યું હોય તેને ભજવું.

માયાના ભાવથી રહિત હોય, ભગવાનની નિષ્ઠાવાળા હોય, પૂરેપૂરા ધર્મનિષ્ઠ હોય, બીજાને પણ ધર્મ પળાવી શકે તેવી શક્તિવાળા હોય આવા ગુરુ થકી ભગવાનને આશરો થાય.

દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરતી વખતે તુલસીપત્ર મૂકી 'इदं न मम' સંકલ્પ કરાવાય છે. આ દેહ, આત્મા, બધું જ ભગવાનું છે. હું ભગવાનને શરણે છું. મારૂં કંઇ જ નથી આમ કહે. ભગવાનને જ બધું સમર્પણ કરવું. એક જ આશરો કરવો.

એકવાર શિવજી રામચંદ્રજીને ત્યાં મહેમાન થયા. શ્રીરામે હનુમાનને કહ્યું 'દૂધ લાવો' હનુમાનને થયું કે મારે તો 'રામ'ની જ ભક્તિ છે શિવને દૂધ કેમ અપાય ? પછી દૂધનો પ્યાલો રામજીનાં હાથમાં દીધો અને કહ્યું, ''આ મોટા મહેમાન છે. તો તમે જાતે જ દૂધ આપો.'' એમ યુક્તિ કરી પવિત્રતાની ભક્તિ સાહાવી.

ગાંધીજી એકવાર દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા. તેમના અંગત મિત્ર અને મંત્રી મહાદેવભાઈ દેસાઈ ટ્રેનમાં સાથે હતા. જમનાદાસ બજાજે  રમણ મહર્ષિના મહિમાની વાતો કરી. વચ્ચે આવતા તિરૂવન્મલાઈ સ્ટેશને ઉતરી તેના આશ્રમે જવાનું હતું. મહાદેવભાઈને રમણ મહર્ષિના આશ્રમે તેમના દર્શન કરવાનું મન થયું. તેમણે ગાંધીજીને વાત કરી. ગાંધીજીએ કહ્યું ''સારૂં લાગે તો મહાદેવ... તમો તો ત્યા રહી જજો.'' આ સાંભળી મહાદેવભાઈએ બીસ્ત્રો છોડી નાંખ્યો અને કહ્યું, ''મારે હવે ત્યાં જવું નથી. એક ભવમાં બે પતિ કરવા નથી.''

જેમ ઇષ્ટદેવ એક, તેમ ગુરુ પણ એક જ. આ સિવાય અન્ય ગુરુ, બાવા, વેરાગી, પીર, જતિ કે તંત્રીમાં લૌકિક પદાર્થની આશાએ પ્રતીતિ આવવી ન જોઇએ. જેમ બાપ અને માનો નિશ્ચય પાકો હોય છે તેમ ઇષ્ટદેવ અને ગુરુનો નિશ્ચય પાકો હોવો જોઇએ.

ઘણાંના ઘરમંદિરમાં નાળિયરો, સૂરધનનાં ફળો, ઘણા પ્રકારનાં યંત્રો, સોપારીઓ, વગેરે ઘણું બધું હોય છે. અનન્ય આશરાવાળાને આ બધાની જરૂર નથી. પોતપોતાનાં કૂળનાં અમુક દેવદેવતાઓ હોય છે તેના ઉપર શ્રધ્ધા સખી તેની પૂજા તથા આરાધના કરવી. ગીતામાં ભગવાને કહ્યું છે કે

अनन्यां श्रिन्तो मां ये जनाः पर्युपासते ।

तेषां नित्या भियुक्तानां योगक्षेम वहाम्यहम् ।।

જેઓ સુખદુ:ખમાં પણ ભગવાનમાં નિત્ય જોડાયેલા છે અને ભગવાનનું અનન્ય ભાવે ચિંતન કરે છે, તેવા ભક્તોના યોગ અને ક્ષેમ એટલે કે વ્યવહાર ભગવાન સાંભળે છે. (ભારતીય વિમાએ (योगक्षेम वहाम्यहम) આ જીવન વિમાએ તેનું સૂત્ર બનાવી રાખ્યું છે.

ભગવત ગીતા : અ૬/૨૨)

કંઠી, માળા કે મંત્રેલ દોરા એ તાવ ઉતારવાનો કે નોકરી મેળવવાનો કે ધંધો સારો ચલાવવાનો કામણ ટૂમણનો દોરો-ધાગો નથી પણ શ્રી હરિની અનન્ય શરણાગતિનું ચિહ્ન છે. જેમ શેરીમાં ઢોર કે કૂતરા પકડવા કે મૃત્યુ સમયે યમરાજનાં દૂતો લેવા આવે ત્યારે કંઠી કે મંત્રનો દોરો ગળામાં જોઇને નાસી જાય કે આ તો હરિનો છે. આપણે તેને લેવાય નહીં તેને તો હરિના દૂતો જ લેવા આવશે. આ કોઇ હરિનો ભક્ત છે.

સુખમાં કે દુ:ખમાં ભગવાનનો આશરો મૂક્યો નહીં. શ્રદ્ધાથી તે માર્ગને વળગી રહેવું જોઇએ.

'એક સરખા સુખના દિવસો કોઇના જાતા નથી.' દેહ છે એટલે સુખ દુ:ખ આવે જ. વ્યવહાર છે એટલે ચડતી પડતી પણ આવે છે. સંસાર છે. કોઇ સાથે મેળ-કુમેળ પણ થયા જ કરે માટે શરીરમાં રોગ આવે કે દુ:ખના દિવસો આવે ત્યારે આ કંઠી કે માળા સદી નહીં. એમ માનીને  તેની શ્રદ્ધાનો તિરસ્કાર કરવો નહીં. કોઇ ખોટા વહેમમાં પડવું નહીં. કોઇ તાંત્રિક પાસે તેના નિવારણના ઉપાયો શોધવા નહિ પણ ભગવાનમાં દૃઢ વિશ્વાસ-નિષ્ઠા રાખી તેમનું જ ભજન કરવું.

શ્રીકૃષ્ણ ભગવાન સાથે જ હતા છતાં પાંડવોને ઘણો દુ:ખો પડયા, પત્નીને લઇને જંગલમાં રખડવું પડયું પણ તેમણે કૃષ્ણ ભગવાનનો આશરો છોડીને બીજી બાધાઓ માની નહીં.

દુ:ખ નિવારણ માટે અને સુખ ટકાવવા માટે ''માત્ર નારાયણ'' જ સમર્થ છે. માટે પરમેશ્વરનો દ્રઢ આશરો રાખીને નિત્યે તેનું ભજન કરવું. કોઇ દેવદેવીનો ભય રાખવો નહીં.

જંત્ર-મંત્ર, ઔષધિઓ પણ કોઇને સદા જીવતો રાખતું નથી. પૃથ્વી ઉપર કોઇ અમર નથી. આ દરેક દુ:ખ મટાડવાનાં સાધનો છે. એટલે આયુર્વેદનું પણ એક સૂત્ર છે.

औषधि जान्हवीतोयं वैद्यो नारायणो हरि ।

(લોલિબ રાજ)

જગતને પરમકલ્યાણકારીને આ સૂત્ર છે કે સાચું ઔષધ ગંગાજળ છે અને સાચો વૈદ્ય તો નારાયણ છે. સારી રીતે રોગ દુખ કરી જીવી શકીએ તે માટે વૈદ્યો, તબિબો કે ઔષધીઓ છે. માટે નિર્ભય જીવન નિર્ભય મૃત્યુ માટે તો નારાયણનું નામ-ભજન-સત્યનિષ્ઠા એ જ અગત્યના અને અનિવાર્ય સાધનો છે. ભગવાન ધન્વન્તરિએ જરા-ગઢપણ-રોગ-અકાળ મૃત્યુને રોકવા માટેના ઉપાય રૂપે આયુર્વેદ-તબિબીશાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે.

''રાખે હરિનો વિશ્વાસ તો, તેના કષ્ટનો તે કરે નાશ''

બધા બળો-આશરા ગૌણ છે. એક ભગવાનનો જ આશરો અને તેનું બળ તે સાચુ છે, પાકો હરિભક્ત કેવળ હરિમાં જ વિશ્વાસ કેળવે.

સૂર્યને રાહુ ગ્રહે છે, ચંદ્રને ક્ષય રોગ છે, મંગળમાં અંગારા છે, બુધને માથે કલંક છે, ગુરુએ નારી ગુમાવી છે, શુક્ર એક આંખે કાણો છે, શનિ લંગડો છે. રાહુ માથા વગરનો છે, કેતુને ધડ નથી. આમ નવે ગ્રહો દુ:ખીયા છે. એમને કોણ નડયુ ?? એમનું જ ઠેકાણું નથી તો તેઓ આપણું શું ઠેકાણું પાડવાના છે ? માટે કેવળ નારાયણને દૃઢ આશરો રાખવો. (સાધુ વિવેક સાગરદાસજી)

- દૃષ્ટાંતો :- બારપટોળીના આયર હરિભક્ત હતા. તેઓની શ્રદ્ધા માત્ર હરિમાં જ હતી. તેઓ હરિનાં શ્રદ્ધાવાન ભક્ત હતા. તેમને ઘરે એક ગુજરાતી બ્રાહ્મણ આવ્યો. ખીમાભાઈ તો ખેતરે ગયેલા. તેમની પત્નીએ બ્રાહ્મણ જાણીને પાણી દીધું. બ્રાહ્મણે કહ્યું, ''બહેન, તમારા ધણીને સાડાસાતની શનિની પનોતી લોઢાના પાયે બેઠી છે.'' બહેને કહ્યું ''આવું હોય તો તેને શું થાય ?'' બ્રાહ્મણ કહે ''તેને ગામતરા કરવા પડે એક ગામથી બીજે ગામ આજીવિકા માટે રખડવું પડે.'' બહેન કહે કે મારો ધણી તો ભાત ખાઈને ખેતરે આરામથી સૂતો છે. એણે કોઇ ગામતરા કર્યા નથી. પણ તમે ક્યાંથી આવો છો ?? બ્રાહ્મણે કહ્યું કે, 'ગુજરાતથી'. બહેન કહે 'સાડા સાતની પનોતી તો તમને બેઠી છે ને આજીવિકા માટે ઠેઠ ગુજરાતથી અહીં આવ્યા છો. મે તમને બ્રાહ્મણ જાણી પાણી પાયું હવે ગામની બહાર પધારો. બ્રાહ્મણે ઊઠતાં ઊઠતાં પુછયું 'બહેન તમે સ્વામિનારાયણનો ધરમ પાળતા હોય તેવું લાગે છે. બહેને જવાબ આપ્યો કે અમે ચુસ્ત સત્સંગી છીએ! અને ભગવાન સિવાય અમને કોઇ પર વિશ્વાસ કે ભરોસો નથી...બ્રાહ્મણ માથું કુટતા બોલ્યો. 'આ ઘર ખોટું નીકળ્યું ને!

પ્રભુ ! ખરો સહુ વિશ્વાસુનો રક્ષણહાર છે. વિશ્વાસુના વિશ્વાસુ છે. પ્રહલાદની તો ભગવાને ડગલે ને પગલે આવતી કસોટીઓમાં રક્ષા કરેલી. નરસિંહ મહેતા, મીરાંબાઈ, તુકારામ બધાને ઘણા દુ:ખો પડયા છતાં ભગવાનનું ભજન મુક્યું નહીં.

ઘણી વખત દૈહિક અને વ્યવહારિક પરિસ્થિતિથી કંટાળી જવાય ત્યારે ન રહેવાતું હોય તો પણ બીજા પાસે કાંઇ સુખ માંગવું નહીં પણ ભગવાનની પાસે જ માગવું. તેઓ આપે તોય ભલે અને ન આપે તોય ભલે કવિ કાલિદાસ કહે છે:

'यज्जा मेघा वरमधिगुणे वाधमे लब्ध कामा'

ખોટું-વ્યર્થ યાચ્યું ગુણિજન કને સારૂંના સાર્થ દુષ્ટે - દુ:ખ પણ સારા માટે જ હોય છે. આ સમજણ વગર આશરો. ન થાય દેહની રક્ષાએ રક્ષા નથી. દેહ તો આજે કે કાલે પડવાનો જ છે. જીવ ભગવાનના માર્ગેથી પડી ન જાય તે જાણવું અને તેના માટે જ. પ્રભુ પાસે તે માંગવું. પ્રહલાદે ભગવાનને કહ્યું, ''તમે મારા દેહની રક્ષા તે હું રક્ષા માનતો નથી. પણ  હે નરહરિ ચંચલ હૈમતિમોરી મે ભક્તિ કરૂં કૈસે તોરી'' માટે મારા ઇન્દ્રિયો અંત:કરણના ગણ થકી મારી રક્ષા કરો તેને જ હું મારી સાચી રક્ષા માનીશ.

જેમ વાછડું પોતાની માતાને મુકીને બીજે દુધનું સુખ લેવા જાય તો સુખ મળે નહી માટે ''મોહે તો તુમ હી એક આધાર'' માટે બિનશરતી સંપૂર્ણ હરિની શરણાગતિ એ જ મોક્ષનો હેતુ છે. ધર્મ અર્થ કામ એનો મૂળ હેતુ મોક્ષ કે મુક્તિનો છે. શ્રીહરિ આપણને સહુને આ સાચી દીશામાં આપણા જીવનની નૈયા ચલાવે અને તેનું સુકાન હરિ સંભાળે તે જે પ્રાર્થના સાથે.

- ડૉ. ઉમાકાંત જે.જોષી