અખાત્રીજ એટલે પાંચ - પાંચ પર્વનો દિવસ...
- અખાત્રીજના દિવસથી ભગવાનને ચંદનના વાઘા ધરાવવાનું મહાત્મ્ય
- અખાત્રીજના દિવસથી ભગવાનને ચંદનના વાઘા ધરાવવાનો પ્રારંભ કરવામાં આવે છે
અખાત્રીજ એટલે એકસાથે પાંચ - પાંચ પર્વનો મહામાંગલ્યમય દિન...
- અખાત્રીજના દિવસે પરશુરામ ભગવાનનું પ્રાગટય થયું.
- મહાભારતનું યુદ્ધ પણ આ અખાત્રીજના દિવસે પુર્ણ થયું હતું.
- દ્વાપરયુગનું સમાપન પણ અખાત્રીજના દિવસે થયું હતું.
- જગન્નાથપુરી અને અમદાવાદમાં નીકળતી રથયાત્રાના રથોના નિર્માણનું કાર્ય પણ અખાત્રીજના દિવસથી પ્રારંભ કરવામાં આવે છે.
- સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજના દિવસથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના ભવ્ય શણગાર કરવાનો પ્રારંભ કરવામાં આવે છે.
વૈશાખ સુદ ત્રીજ - અખાત્રીજ એટલે વણજોયા મુહૂર્તનો દિવસ... આ દિવસે શુભકાર્યો વગર મુહૂર્તે કરવામાં આવે છે. આ દિવસે સૌથી વધુ લગ્નપ્રસંગો પણ યોજાય છે.
વૈશાખ સુદ ત્રીજને અક્ષયતૃતીયા કહેવામાં આવે છે. આ દિવસે અક્ષત્ કહેતાં ચોખાથી ભગવાનનું - પૂજન કરવામાં આવે છે. સોના-ચાંદીની ખરીદી પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં અખાત્રીજના દિવસથી જ શ્રી સ્વામિનારાયણ ભગવાનને ચંદનના વાઘાના શણગાર ધરાવવામાં આવે છે કારણ કે, વૈશાખ માસની અંદર અત્યંત ગરમી પડે છે. ગરમીથી બચવા માણસો પંખો, એરકુલર કે એરકન્ડીશન ચલાવીને ગરમીથી રાહત મેળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આજથી અનેક વર્ષો પહેલા જ્યારે આવા સાધનો ન હતા. ત્યારે પણ આપણા ઋષિમુનિઓ અને સંતોએ ભગવાનને ગરમીમાંથી ઠંડક પ્રાપ્ત થાય તેવા હેતુથી ભગવાનને ભગવાનને ચંદનના શણગાર ધરાવવાની પ્રણાલિકા પાડેલી છે. ચંદનના લાકડાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ તૈયાર કરીને ભગવાનના શણગાર તૈયાર કરતા હતા. આ શણગારને ચંદનના શણગાર કહેવામાં આવે છે.
આ ચંદનના શણગાર ધરાવવાની પ્રથા આજેય સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ચાલુ છે. વૈશાખ સુદ ત્રીજથી ભગવાનને ચંદનના શણગાર ધરાવામાં આવે છે. કારણ કે, શાસ્ત્રોના આધારે આપણે જોઈએ તો પણ યથા દેહે તથા દેવે ના ન્યાય અનુસાર ભક્તિ કરવાનું શીખવામાં આવ્યું છે. આપણે જેમ આપણા દેહ - શરીરને ઋતુ અનુસારે સાચવીએ છીએ તેવી રીતે ભગવાનની ભક્તિ પણ ઋતુ અનુસારે કરવી જોઈએ. આપણે જેમ શિયાળામાં ઠંડી પડે ત્યારે ગરમ વસ્ત્રો ધારણ કરીએ છીએ. હીટરનો ઉપયોગ કરીએ છીએ. તેમ ભગવાનને પણ શિયાળામાં ગરમ વસ્ત્રો ધરાવવા જોઈએ. ભગવાનની પાસે સગડી મુકવી જોઈએ. આજના સમય પ્રમાણે હીટર મુકવા જોઈએ. ભોજન- થાળમાં પણ ભગવાનને શિયાળુ પાક ધરાવવા જોઈએ. અને આવી રીતે ઋતુ અનુસાર ભગવાનની ભક્તિ કરીએ તો જ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા આપણા ઉપર થાય.
આ સિદ્ધાંત સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને વચનામૃત ગ્રંથના છેલ્લા પ્રકરણના ૨૩ મા વચનામૃતમાં સમજાવ્યો છે કે, ભગવાનના જે ભક્ત હોય તેમણે ત્રણેય ઋતુ અનુસાર ભગવાનની સેવા પરિચર્યા કરવી જોઈએ. તેથી જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વૈશાખ સુદ - ત્રીજ એટલે કે અખાત્રીજથી ભગવાનને ચંદનના શણગાર સજવામાં આવે છે.
તેથી આપણે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વૈશાખ માસમાં મંદિરમાં જઈને ભગવાન માટેના ચંદનના શણગાર તૈયાર કરવાની સેવા કરવી જોઈએ. કારણ કે, સેવાભક્તિ કરવાથી મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. વર્ષમાં થોડા દિવસ દરમ્યાન જ ભગવાને ચંદનના વાઘા ધારણ કર્યા હોય તેવા દિવ્ય દર્શનનો લાભ પ્રાપ્ત થાય છે. તેથી મંદિરોમાં જઈને અખાત્રીજથી દર્શનનો પણ લાભ લેવો જોઈએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ