કહેવાય છે કે એકવાર લોકમુખે પ્રચલિત નામ 'વાલીયા' નામના લૂંટારાને સૃષ્ટિના આદ્ય પત્રકાર નારદમુનિનો ભેટો થાય છે.વાલીયો નારદ મુનિને ધમકી આપે છે કે તારી પાસે જે કંઈ હોય તે ફટાફટ આપી દે નહિતર હું તને મારી નાખીશ ! કહેવાય છે કે કામી અધીર હોય છે અને ક્રોધી બધિર હોય છે ! પણ નારદ મુનિ શાંત ચિત્તે તેને સમજાવીને ભલાઈનો માર્ગ પકડવા કહે છે અને પછી એક પ્રશ્ન કરે છે કે,તું જે લૂંટફાટ કરે છે, તેં જે માર્ગ અપનાવ્યો છે એના પાપના ભાગીદાર તારા ઘરના સભ્યો છે કે કેમ એ ઘરે જઈને તું પૂછીને આવ. વાલીયો ઝડપભેર ઘરે જઈને પૂછે છે કે તમે બધા મારી કમાણી પર નભો છો તો હું જે કંઈ કરું છું તે પાપના તમે ભાગીદાર છો ને ? ઘરના સભ્યો કહે છે, અમારું ભરણપોષણ કરવું એ તો તારી ફરજ છે પણ તારા કર્મ તો તારે જ ભોગવવા પડશે.
વાલીઓ લૂંટારો મહર્ષિ નારદના પગે પડે છે અને નિર્દોષ પ્રજાને લૂંટવાનો ધંધો આજીવન બંધ કરે છે અને મહર્ષિના આશીર્વાદ પામે છે.તેનું મૂળ નામ 'રત્નાકર' હતું. ત્યારબાદ વાલીયો નારદ મુનિના રામનામ જપ સ્મરણના આદેશને શિર પર ચડાવીને જંગલમાં સતત ઘોર તપસ્યા કરે છે.તે દરમિયાન તેના શરીર પર ઉધઈનો મોટો રાફડો જામી જાય છે. રાફડાને સંસ્કૃતમાં 'વલ્મીક' કહે છે અને તેના પરથી વાલીયાનું નામ 'વાલ્મીકિ' પડયું. હવે તેમને બ્રહ્મજ્ઞાાન થઈ ગયું હતું. તેઓ ગુરુ જ્ઞાાન પામી મુનિ બન્યા. તેમણે તમસા નદી કિનારે એક આશ્રમ બનાવ્યો.
એક દિવસની વાત છે.કૌંચ સારસ ચકોર પક્ષી યુગલ કામાતુર હતું ત્યારે એક પારધીએ તીર વડે નર પંખીને વીંધી નાખ્યું.માદા પંખી વિલાપ કરવા લાગ્યું. તે જોઈને કવિ હૃદયના મુનિ વાલ્મીકિના મુખેથી અનુષ્ટુપ છંદમાં આ શબ્દો સરી પડયા...
मां निषाद प्रतिष्ढां त्वमगमः शाश्वतीः समाः ।
यत्क्रौंचमिथुनादेकमवधी काममोहितम् ।।
અને કહેવાય છે આ શબ્દોથી જ સનાતન ધર્મના પ્રથમ મહાકાવ્યનું આપણા 'આદિ કવિ' વાલ્મીકિના નામે વાલ્મીકિ રામાયણનું સર્જન થયું. જેમાં ૨૪૦૦૦ શ્લોક છે અને બાલ કાંડ અયોધ્યા કાંડ અરણ્ય કિષ્કિન્ધા કાંડ સુંદર કાંડ યુદ્ધ કાંડ અને ઉત્તર કાંડ એવા સાત વિભાગ છે.સનાતન સમય સુધી જગતને આધ્યાત્મિક ઉપદેશ માર્ગદર્શન મળતું રહે તેવા શુભ આશયથી તત્વજ્ઞા મર્મજ્ઞા વાલ્મીકિએ રામાયણ (રામ વત્તા અયન એટલે કે રામની ગતિ, રામની લીલા, રામનું કાર્ય)નું સર્જન કર્યુંં હતું.વાલ્મીકિએ દરેક વિષય વસ્તુ અને પાત્રોનું આબેહૂબ અદભુત વર્ણન વિવરણ કરીને જગતને ઉપયોગી આધ્યાત્મિક ભાથું પૂરું પાડયું છે.વાલ્મીકિની કસાયેલી કલમે સર્જન પામેલ જ્ઞાાન સામગ્રીનું ચિંતન કર્યા પછી દરેક ભારતવાસી કમ સે કમ એટલું તો કહી જ શકે છે કે આપણી પાસે કંઈક તો એવું સાહિત્ય છે જેના કારણે આપણે આપણી જાતને સૌભાગ્યશાળી માનીએ છીએ. રામાયણના દરેકે દરેક પાત્રને જીવંત આદર્શરૂપ બનાવવાનો સફળ પ્રયાસ મહામુનિ વાલ્મીકિએ અવશ્ય કર્યો છે.
- જિતેન્દ્ર એમ. ટાંક


