સમાજસેવાના હિમાયતી શ્રી સ્વામિનારાયણ ભગવાન
- ચૈત્ર સુદ - નોમ 244 મી પ્રાગટય જ્યંતી
આપણા ભારતીય સંસ્કારો છે કે, સૌ કોઈને મદદ કરવી, દિન દુઃખીયાને મદદ રુપ થવું. માતાપિતા અને જનસમાજની સેવા કરવી. સાથે-સાથે સાધુ સંતો અને મંદિરની, ભગવાનની સેવા કરવી....
પરંતુ આજના ફાસ્ટ યુગમાં ઘણા માણસો સેવા-ભક્તિના કાર્યમાં પાછા પડતા હોય તેવું પણ અનુભવાય છે. દિવસે દિવસે વધતી જતી જીવનની હાડમારીઓમાં બદલાયેલું આપણું વ્યસ્ત-જીવન. એમાં આપણે ભાવથી સેવા કરવાને બદલે ''યથાશક્તિ સેવા'' કરવાના રસ્તા પર ચાલી રહ્યાં છીએ. આપણે આપણાથી થાય એટલી યથાશક્તિ સેવા કરીએ છીએ અને પછી એમ વિચારીએ છીએ કે, જ્યારે આપણને ભગવાનની બહુ જ જરૂરત હોય ને ત્યારે ભગવાન ટાણે આવીને ઊભા રહેતા નથી. આથી આપણે ધીમે-ધીમે ભગવાનના માર્ગેથી નાસીપાસ થતા જઈએ છીએ. ભગવાન ઉપરની શ્રદ્ધા-વિશ્વાસ ઘટતાં જાય છે.
ત્યારે આપણે સહુ કોઈએ હવે સેવા - પરમાર્થના માર્ગે આગળ વધવાની જરૂર છે. ચૈત્ર સુદ - નોમ એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રાગ્રટય જ્યંતિના સુઅવસરે આપણે ટાણું ના ચૂકીએ, ઘણાં પ્રકારે અને ઘણાં માણસોની સેવા કરવાનો સંકલ્પ કરી લઈએ.
માણસ કેટલું ધન કમાય છે તે મહત્ત્વનું નથી, પરંતુ કમાયેલા ધનનો શું ઉપયોગ કરે છે તે મહત્ત્વનું છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ના ૧૩૯ મા શ્લોકમાં સેવા ઉપર ભાર મૂકતાં કહ્યું છે, ગૃહસ્થ હોય તેમણે માતા-પિતા અને ગુરુ તથા રોગાતુર એવા જે મનુષ્ય હોય તેમની જે સેવા તે જીવનપર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. આમ, સેવાને સુખી સંસારની જડીબુટ્ટી ગણવામાં આવી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની આ આજ્ઞાા મુજબ આજનો સમાજ જો વર્તે તો ઠેર-ઠેર વૃદ્ધાશ્રમો ખોલવા ન પડે. જનરેશન ગેપ કદી ઊભી ન થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાને માત્ર બીજા ઉપદેશકોની જેમ માત્ર ઉપદેશ જ નથી આપ્યો. પરંતુ પોતાના જીવનમાં પિતા ધર્મદેવ અને ભક્તિમાતાની સેવા કરી છે. ઉપરાંત અનેક સેવકરામ જેવા રોગાતુરોની સેવા કરી છે તથા જ્યારે - જ્યારે અતિવૃષ્ટી - દુષ્કાળ ધરતીકંપ આદિ કોપ થતા ત્યારે સ્વયં પોતે અડધી રાત્રીયે જઈને સેવા કરી છે.
તેથી જ આજે પણ આ સેવા કરવાની પરંપરા અનુસાર જ્યારે જ્યારે દેશ અને સમાજની અંદર અતિવૃષ્ટી, દુષ્કાળ અથવા કોઈ હોનારતો સર્જાય છે ત્યારે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય સેવામાં અગ્રેસર રહ્યો છે.
સેવા કરવી એ સંસ્કારો શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌમાં સિંચ્યા છે. સેવા કરવાની તક મળે, ત્યારે સેવા અવશ્ય કરી જ લેવી જોઈએ.
સ્વામિનારાયણ સંપ્રદાયમાં ટીંબી ગામ પ્રસિદ્ધ છે. આ ગામના વીરાભાઈ સાંખડ નામના અનન્ય ભક્ત રહે. મુઠી ઉંચેરા માનવી તરીકે તેમની ખ્યાતિ પણ હતી. તેમની બાજુના સમઢીયાળા ગામમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતો મંદિર કરાવે છે, તેવા તેમને સમાચાર મળ્યા. તેથી તેઓ ત્યાં સંતોને મળવા માટે ગયા.
ચોમાસાનો સમય થઈ ગયો હતો. મંદિર પૂરું થવા આવ્યું હતું. પરંતુ નળિયાં મળતાં ન હતા. સદ્દગુરુ શ્રી વ્રજાનંદ સ્વામી ચિંતા કરતાં હતા. જેઠ માસ બેસી ગયો છે ને વરસાદ થશે તો મંદિર બેસી જશે. ત્યારે આ વીરાભાઈએ કીધું કે, સ્વામી ! ચિંતા ના કરો. નળિયાં મળી જશે.
સ્વામીએ મોકલેલાં ગાડાં લઈ વીરા ભક્ત પોતાનાં ગામમાં પ્રવેશ્યા. પોતાનાં ઘેર આવી નીસરણી મૂકી પોતાના ઘરનાં છાપરેથી નળિયાં ઉતારી ગાડાં ભરાવી રવાનાં કર્યા. ગાડાં સમઢિયાળા આવી પહોંચ્યા. સ્વામીએ જોયું તો નળિયાં જૂનાં હતા. ગાડાંવાળાને પૂછયું જૂનાં કેમ ? ગાડાંવાળા કહે જૂનાં તો જૂનાં. આવા મળ્યાં એમ કહોને, વીરા ભક્તે ઘરમાંથી ઉતારીને આપ્યાં છે.
સ્વામીએ તરત બીજા સંતોને ગાડાં સાથે પાછા મોકલ્યા અને કહેવડાવ્યું કે, આવી રીતે તમારાં ઘરનાં ઉતારીને ન આપશો નવાં મળે તો મોકલાવજો. ગાડાં અને સંતો પાછા ટીંબી પહોંચ્યા. વીરા ભક્ત સંતોનાં ચરણમાં પડી હાથ જોડી વિનંતી કરવા લાગ્યા કે, ''સ્વામી હાલ નળિયાં મળશે નહિ માટે આજ લઈ જાવ. ઘરમાં તો ચાર જીવનો સમાસ થાય અને મંદિરથી અનેક જીવોનું કલ્યાણ થશે. મંદિર એટલે તો શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ઘર. ભગવાન અને સંતો ઉઘાડા ઘરમાં રહે અને હું બંધ ઘરમાં રહું ! એ કેમ બની શકે. મારી સેવા ભક્તિ લાજે.''
વીરા ભક્તની ખૂબ આજીજી સાંભળી સંતો ગાડાં લઈ સમઢિયાળા આવ્યા અને મંદિરનું કામ પૂરું થયું. વીરાભાઈ સાંખડે તો ભગવાનની એવી સેવા અને ભક્તિ કરી કે, પોતાની એકોતેર પેઢીને ઉગારી લીધી. ભગવાનના ઘરને પોતાનું ઘર માન્યું અને સાથો સાથ આપણને ઉપદેશ પણ આપતા ગયા કે, મંદિરની સેવામાં કદી પાછી પાની ન કરતા. ભગવાને આપણને આપ્યું છે તો ભગવા ને માટે આપવું અને વ્યવહારની ચિંતા ભગવાનને સોંપી વૃત્તિ ભગવાનમાં જોડી દેવી. આપણામાં સેવા ભાવના વધુ પ્રજવલિત બને તેવા પ્રયત્નો કરીએ. આપણે સેવા કરીશું તો, પરીવારમાં, ગામમાં, શહેરમાં અને સમાજમાં પણ સેવાની સુવાસ ફેલાશે... તેથી આપણે સૌ કોઈએ સેવા કરવી જ રહી.
સમાજસેવાના હિમાયતી એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગ્રટય આજથી ૨૪૪ વર્ષ પૂર્વે ચૈત્ર સુદ નોમના અયોધ્યાની પાસે આવેલા છપૈયા ગામે થયું હતું.... સમાજ ઉત્થાનના કાર્યો માટે તેમણે અને તેમના સંતોએ તેમનું જીવન ગુજરાતના ગામડાંઓની ધૂળમાં ઘસી નાંખ્યું છે.
ભારતીય સંસ્કૃતિના જે ધાર્મિક સંસ્કારો છે તે અખંડ ટકી રહે અને પ્રજામાં ધર્મ, જ્ઞાાન, વૈરાગ્ય, ભક્તિ ઉદિત થાય અને તેને પોષણ મળ્યા કરે તે માટે શહેરો - શહેર અને ગામો - ગામ મંદિરો અને માણસોના જીવન ઘડતર માટે સદ્દ. શ્રી ગોપાળનંદસ્વામી, સદ્દ. શ્રી મુક્તાનંદ સ્વામી, સદ્દ.શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામી, સદ્દ. શ્રી મુક્તજીવન સ્વામીબાપા, સદ્દ. શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી આદિ સિધ્ધ સત્પુરુષોનો અખંડ વારસો આપ્યો. આમ, શ્રી સ્વામિનારાયણ ભગવાને ટૂંકા સમયમાં સમાજને સદાચારી, સુવિચારી બનાવી રોનક બદલી નાંખી છે.
આવા પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચૈત્ર સુદ - નોમ તા. ૬ એપ્રિલને રવિવારના રોજ ૨૪૪ મી જ્યંતી આવી રહી છે, ત્યારે શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે તેમની પ્રાગ્રટય જ્યંતી ઉજવાશે. ત્યારે આપણે સહુ કોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલા સેવા - સદાચાર - નીત્તિમય જીવન જીવવાના આપેલા સંદેશાને મસ્તકે ચડાવીને તેમને કોટી કોટી વંદન કરીને કૃતાર્થ બનીએ.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ