આદિત્ય હૃદય સ્તોત્ર .
આધ્યાત્મિક ક્ષેત્રે ઉપાસના, સાધના અને આરાધના દ્વારા ઇશ્વરને પ્રસન્ન કરવાના ભિન્ન ભિન્ન માર્ગો વિદ્યમાન છે. સાધક પોતાના ઇષ્ટદેવની પ્રસન્નતા માટે, પુણ્ય અર્જીત કરવાના ઉદેશ્યથી તેમજ પોતાના જીવનમાં સુખ, શાંતિ અને આનંદની પ્રાપ્તિ અર્થે ભક્તિનો કોઈ પણ માર્ગ પસંદ કરતો હોય છે. પોતે પસંદ કરેલા માર્ગે શ્રદ્ધા, સમર્પણ, વિશ્વાસ અને પ્રેમથી સાધક મંડયો રહે તો તેણે કરેલા પુણ્ય પુરુષાર્થનું ફળ તેને અચૂક મળે છે. જીવન સંઘર્ષમાં મનુષ્યને અવાર નવાર વિશિષ્ટ શક્તિની જરૂર પડે છે. સામાન્ય કામ જેનાથી થઈ શકે તે શક્તિ અને અસામાન્ય કામ જેનાથી કરી શકાય તે વિશિષ્ટ શક્તિ. રૂપિયા-ત્રીસ હજારનો પગારદાર પોતાના પરિવારનું ભરણ પોષણ કરે તે સામાન્ય શક્તિ પણ એ પગારદારને દીકરા કે દીકરીના લગ્ન પ્રસંગ સમયે વધારાના રૂપિયાની વ્યવસ્થા કરવી પડે તે વિશિષ્ટ શક્તિ. આથી તો નવરાત્રીના નવ દિવસ વિશિષ્ટ શક્તિ અર્જીત કરવા 'શક્તિ સાધના'નું પર્વ ઉજવવામાં આવે છે.
રામાયણમાં મહાબલી રાવણનો વધ કરવા માટે ભગવાન શ્રીરામને વિશિષ્ટ શક્તિની આવશ્યકતા ઉભી થઈ. રણમેદાનમાં યુધ્ધ સમયે શ્રીરામની સામે રાવણ યુદ્ધ કરવા આવે છે. ત્યારે ઋષિ અગત્સ્ય શ્રીરામને વિશિષ્ટ શક્તિની પ્રાપ્તિ અર્થે 'આદિત્ય હૃદયસ્તોત્ર' નો પાઠ કરવા સુચવે છે. આ 'આદિત્યહૃગયસ્તોત્ર' સર્વ પાપ ચિંતા અને શોકને હરનારૂ છે. શત્રુઓનો નાશ કરી વિજય અપાવનારું તથા આપત્તિમાં, ભીષણ વનમાં મહાન ભયમાં સપડાયેલી વ્યક્તિને દુઃખમાંથી મૂક્તિ અપાવનારું છે.
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ